ટ્વિસ્ટ અને ટર્નથી ભરપૂર

14 November, 2021 03:12 PM IST  |  Mumbai | Harsh Desai

કેટલાક સબ-પ્લૉટ જબરદસ્તી ઉમેરવામાં આવ્યા હોય એવું લાગે છે : બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ઘણાં દૃશ્યો પર ભારે પડ્યું છે, પરંતુ દરેક પાત્રને ચોક્કસ કારણસર રજૂ કરવામાં આવ્યાં છે

ટ્વિસ્ટ અને ટર્નથી ભરપૂર

‘સ્પેશ્યલ ઑપ્સ 1.5 : ધ હિમ્મત સ્ટોરી’ 
કાસ્ટ : કે કે મેનન, વિનય પાઠક, આફતાબ શિવદાસાણી, આદિલ ખાન, ગૌતમી કૂપર
ડિરેક્ટર : નીરજ પાંડે અને શિવમ નાયર

કે કે મેનનની ‘સ્પેશ્યલ ઑપ્સ 1.5 : ધ હિમ્મત સ્ટોરી’ હાલમાં જ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થઈ છે. નીરજ પાંડે અને શિવમ નાયર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ સીઝનમાં ચાર એપિસોડ છે. ૨૦૨૦માં આવેલી ‘સ્પેશ્યલ ઑપ્સ’માં કે કે મેનને હિમ્મત સિંહનું પાત્ર ભજવ્યું હતું. તે કેવી રીતે હિમ્મત સિંહ બન્યો એની સ્ટોરી આ સીઝનમાં દેખાડવામાં આવી છે.
કહેવામાં તો આ એક સીક્વલ છે, કેમ કે એને ૧.૫ નામ આપવામાં આવ્યું છે, પરંતુ છે એક પ્રીક્વલ, કારણ કે એમાં ભૂતકાળની વાત કરવામાં આવી છે. શોની શરૂઆત ૨૦૨૦માં આવેલી ‘સ્પેશ્યલ ઑપ્સ’નો એન્ડ જ્યાં થયો હતો ત્યાંથી શરૂ થાય છે, જેમાં હિમ્મત સિંહ પર ઇન્ક્વાયરી બેસે છે. એટલે કે કોરોના વાઇરસ પછીથી કરવામાં આવે છે, કારણ કે ઑફિસર્સ હાથ મિલાવ્યા બાદ એને સૅનિટાઇઝ્‍ડ કરતા પણ જોવા મળે છે. આ ઇન્ક્વાયરીમાં હિમ્મત સિંહ સાથે કામ કરનાર અબ્બાસ શેખને બોલાવવામાં આવે છે. અબ્બાસ શેખનું પાત્ર વિનય પાઠકે ભજવ્યું હતું અને એ આવી રહ્યું છે. હિમ્મતની સ્ટોરી માટે તેના મિત્ર અને સાથી અબ્બાસ શેખની જુબાની લેવામાં આવે છે. નીરજ પાંડેએ આ નિર્ણય ખૂબ સમજદારીપૂર્વક લીધો હોય એવું લાગે છે, કારણ કે પોતાની સ્ટોરી માટે પોતાની જુબાની લેવી થોડું વિચિત્ર લાગે છે. પોલીસ, આર્મી, પૉલિટિક્સ અને રૉની સ્ટોરી કહેવામાં નીરજ પાંડેની મહારત છે. તે એને ઘૂંટીને પી ગયો હોય એવું લાગે છે તેમ જ અત્યારે ભારતના પૉલિટિક્સની જે હાલત છે એના પર પણ તેણે કમેન્ટ કરી છે. તે ક્યારેય કોઈ પણ સબ્જેક્ટથી દૂર નથી ભાગતો. આ સ્ટોરી કોઈ આંતકવાદી કે કોઈ ઇન્ટરનૅશનલ મિશન પર નથી. આ સ્ટોરી પોતાના જ રૉ એજન્ટ જે રૉગ એટલે કે ગદ્દાર થઈ ગયો હોય છે એના પર છે. 
નીરજ પાંડે, દીપક કિંગરાણી અને બેનઝીર અલી ફિદા દ્વારા આ સ્ટોરી લખવામાં આવી છે. સ્ટોરીમાં ઘણા પ્લૉટ એવા છે જે નૅચરલ નથી લાગતા, પરંતુ સાથે જ દરેક બાબતનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. સ્ટોરીમાં દરેક પાત્રને ખૂબ સમજદારીપૂર્વક લખવામાં આવ્યાં છે અને એક પણ કામ વગરનું હોય એવું નથી. પહેલી સીઝનમાં જેટલી મારધાડ હતી એ આ સીઝનમાં નથી અને એનું કારણ હિમ્મત સિંહ અહીં ફક્ત એક રૉ એજન્ટ હોય છે. તે કેવી રીતે ઘાતકી બને છે એની અહીં દાસ્તાન છે. આ સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન છે. પહેલી સીઝનમાં શા માટે આ પાત્રને આ રીતે દેખાડવામાં આવ્યું હતું એનો જવાબ આ સીઝનમાં મળશે.
હિમ્મતનું પાત્ર ખૂબ સારી રીતે લખવામાં આવ્યું છે. તે શોનું સેન્ટ્રલ કૅરૅક્ટર હોવા છતાં એવાં ઘણાં પાત્રો છે જેની તેના પાત્ર પર અસર થાય છે. અહીં હિમ્મતને ઇમોશનલ પણ દેખાડવામાં આવ્યો છે. તે પણ ઘણી વાર પાવરફુલ વ્યક્તિનો શિકાર બને છે અને તે નિઃસહાય બને છે. તે પણ ઘણી વાર તેના દિલની નજીકની વ્યક્તિથી દૂર થાય છે. આ સમયે તે હિમ્મત ખોઈ બેસે છે, પરંતુ કબીર સિંહ બનવાને બદલે તેની ડ્યુટી તેને ફરી તે કોણ છે અને શું કામ કરી રહ્યો છે એનો અહેસાસ કરાવે છે અને તે એ ગુસ્સાને પૉઝિટિવ એનર્જીમાં રૂપાંતર કરે છે. આ દેખાડવામાં કે કે મેનને ખૂબ મહેનત કરી છે અને એ સ્ક્રીન પર જોઈ શકાય છે.
કે કે મેનન સાથે વિનય પાઠકે પણ ખૂબ સારું કામ કર્યું છે. તેણે જે રીતે સ્ટોરી કહી છે એને જોઈને દર્શક તરીકે એક વાર વિચાર આવે છે કે તે ખરેખર સાચું કહી રહ્યો છે કે પછી ઇન્ક્વાયરી કરનાર ઑફિસર્સને ગુમરાહ કરી રહ્યો છે. આફતાબ શિવદાસાણીએ વિજયકુમારનું પાત્ર ભજવ્યું છે. આ પાત્ર હિમ્મતની લાઇફ માટે ખૂબ મહત્ત્વનું છે, પરંતુ એને જોઈએ એટલો સમય આપવામાં નથી આવ્યો. આફતાબે ખૂબ સારું કામ કર્યું છે અને તેને વધુ સ્ક્રીન પ્રેઝન્સ આપવામાં આવી હોત અને હિમ્મત સાથેના વધુ મિશનને દેખાડવામાં આવ્યું હોત તો મજા પડી ગઈ હોત. આદિલ ખાને મનિન્દર સિંહનું પાત્ર ભજવ્યું છે જે રૉગ થઈ ગયો હોય છે. આદિલ અગાઉ વિધુ વિનોદ ચોપડાની ‘શિકારા’માં જોવા મળ્યો હતો. આદિલે એક નેગેટિવ પાત્ર ભજવ્યું છે, પરંતુ તેની એટલી અસર જોવા નથી મળતી. તે એટલો દમદાર નથી લાગતો. પહેલી સીઝનની જેમ જે પ્રમાણે વિલનને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા અને જે રીતે ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં આવી હતી એ અહીં ગાયબ છે. 
નીરજે બીજો અને ચોથો એપિસોડ ડિરેક્ટ કર્યો છે. પહેલા એપિસોડનું નામ ‘આંધી’ આપવામાં આવ્યું છે જેને શિવમ દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે. આ એપિસોડમાં જોકે એટલી આંધી નથી દેખાતી જેટલી બાકીના એપિસોડ એના નામને જસ્ટિફાય કરે. નીરજ અને શિવમના ડિરેક્શનમાં ઘણો તફાવત જોવા મળે છે તેમ જ ચોથા એપિસોડમાં શોને જલદી પૂરો કરવામાં આવો અંત શું કામ આવે છે એ દેખાડવાની કોશિશ કરવામાં આવી રહી હોય એવું લાગે છે. જોકે અંતમાં શું થવાનું છે એ એકદમ પ્રીડિક્ટેબલ છે અને એમાં કોઈ રૉકેટ સાયન્સ નથી. શોની સ્ટોરી પર ઘણી વાર બૅકગ્રાઉન્ડ મ્યુઝિક હાવી થઈ જાય છે. સ્ટોરી એટલી ફાસ્ટ કે રોચક નથી લાગતી જેટલું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક હોય છે. આ પણ એક માઇનસ પૉઇન્ટ છે.
નીરજ પાંડેની આ સ્ટોરીના અંતમાં કરણ ટાકેર એટલે કે ફારુકને દેખાડવામાં આવે છે. તે શૂટ પહેરીને સ્ટા​ઇલમાં ફાઇટ કરતો જોવા મળે છે. આ એક હિન્ટ હતી જેના પરથી મેકર્સે ‘સ્પેશ્યલ ઑપ્સ’ની બીજી સીઝનની જાહેરાત કરી હતી. બની શકે ‘સ્પેશ્યલ ઑપ્સ’ની સેકન્ડ સીઝન અથવા તો ‘ધ હિમ્મત સ્ટોરી’ની જેમ ફારુકની સ્ટોરી દેખાડવામાં આવે.

Web Series bollywood news bollywood bollywood gossips entertainment news harsh desai