દિલ્હીના ‘ઉપહાર અગ્નિકાંડ ’પર આધારિત છે ‘ધ લાસ્ટ શો’

27 May, 2021 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંચાવન લોકોનો ભોગ લેનાર ૧૯૯૭ની ઉપહાર સિનેમાની આગના પીડિત પરિવાર પરના ઘા હજીય અકબંધ છે

‘ધ લાસ્ટ શો’નું પોસ્ટર

ઑનલાઇન વિડિયો સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ‘ઉલ્લુ ઍપ’ પર ‘પેશાવર’, ‘પેપર’, ‘અસ્સી નબ્બે પૂરે સૌ’ જેવા સત્યઘટના પર આધારિત શો રિલીઝ થયા બાદ હવે ‘ધ લાસ્ટ શો’ નામની સિરીઝ આવવાની છે, જે પણ વાસ્તવિક ઘટનાથી પ્રેરિત છે. પહેલી જૂને આવનારી સિરીઝ ‘ધ લાસ્ટ શો’ ૧૯૯૭માં થયેલા દિલ્હીના ઉપહાર સિનેમા અગ્નિકાંડ પરથી પ્રેરિત છે. ઉપહાર સિનેમામાં ‘બૉર્ડર’ ફિલ્મના આફ્ટરનૂન શોમાં સિનેમાગૃહની બેદરકારીથી થિયેટરના બેઝમેન્ટમાં લાગેલી આગને કારણે થયેલી નાસભાગમાં પંચાવન જેટલા લોકો માર્યા ગયા હતા. ભોગ બનેલાના પરિવારજનો કઈ રીતે ૧૫ વર્ષ સુધી ન્યાય માટે લડ્યા અને આપણી ન્યાય વ્યવસ્થા ક્યાં નિષ્ફળ જાય છે એ વાત ઉલ્લુ ઍપ રજૂ કરવાનું છે.

આ શોમાં શફક નાઝ, રાજુ ખેર, અમન વર્મા, નસીર કાઝી, રોહિત ચૌધરી, સોનલ ઝા, કાર્તિક સબરવાલ વગેરે કલાકારો છે. ટીવી અને ફિલ્મોના અભિનેતા રાજુ ખેર આ શોમાં સિનેમા ઓનરના રોલમાં છે તો અમન વર્મા સિનિયર લૉયર તરીકે અને નસીર કાઝી વિક્ટિમની ફૅમિલીના સપોર્ટમાં જોવા મળશે.

entertainment news Web Series