20 November, 2025 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`પર્ફેક્ટ ફૅમિલી`નું પોસ્ટર
મીડિયા રીપોર્ટ અનુસાર `પર્ફેક્ટ ફૅમિલી` (Perfect Family)નું ટ્રેલર આખરે રિલીઝ કરવામાં આવ્યું છે. રમૂજી પંજાબી પરિવારની જાણે પ્રથમ ઝલક લોકોની સામે આવી છે. આ ફિલ્મમાં નેહા ધુપિયા, ગુલશન દેવૈયા, મનોજ પાહવા, સીમા પાહવા અને ગિરિજા ઓક ગોડબોલે લીડ રોલ ભજવવાના છે. આ સિરીઝમાં બતાવ્યું છે કે કઈ રીતે ભારતીય પરિવારો પણ મેન્ટલ હેલ્થ અને તેના ઉપચારો જેવા ગંભીર વિષયોને હળવાશથી લે છે. આમ, સિરીઝમાં પારિવારિક સંબંધોની વાતો પણ સરસ રીતે ગૂંથવામાં આવી છે.
`પર્ફેક્ટ ફૅમિલી` (Perfect Family)માં ટોટલ આઠ એપિસોડ છે. ઇન્ડીયન ડિજિટલ મનોરંજનની દુનિયામાં આ સિરીઝે એક નવો અધ્યાય ખોલ્યો છે. `જેએઆર સિરીઝ` તરીકે પ્રસ્તુત અને અજય રાય (જેએઆર પિક્ચર્સ) અને મોહિત છાબરા દ્વારા નિર્મિત આ સિરીઝ ભારતમાં પ્રથમ વખત ફિક્સ્ડ પેમેન્ટ મોડલ સાથે ડાયરેક્ટ યુટ્યુબ પર રિલીઝ થનારી પ્રથમ લાંબા ફોર્મેટની સિરીઝ બની ગઈ છે.
ઍક્ઝેક્ટલી શું છે આ સિરીઝમાં?
પલક ભાંબરી દ્વારા નિર્મિત અને સચિન પાઠક દ્વારા નિર્દેશિત આ સિરીઝ (Perfect Family) ૨૭મી નવેમ્બરે જેએઆર સિરીઝની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવશે. પહેલા બે એપિસોડ ફ્રી હશે. જ્યારે બાકીના એપિસોડ જોવા માટે દર્શકોએ ૫૯ રૂપિયા ચૂકવવા પડશે. ગુલશન દેવૈયા, નેહા ધુપિયા, મનોજ પાહવા, સીમા પાહવા અને ગિરિજા ઓક ગોડબોલે સહિતના સ્ટાર્સને ચમકાવતી આ સિરીઝ એક પંજાબી પરિવારની આસપાસ ફરે છે. સિરીઝમાં એક અણધારી બીના પછી પરિવાર ઉપચાર માટે જાય છે ત્યારે હાસ્ય, લાગણીઓ, મૂંઝવણ અને મીઠી લાગણીઓથી ભરેલી સફર બની જાય છે. રમૂજ અને સંવેદનશીલતાનો મિક્સ ભાવ આ સિરીઝમાં જોવા મળે છે. આ શો એ દર્શાવે છે કે ભારતીય પરિવારો દ્વારા કઈ રીતે મેન્ટલ હેલ્થ પ્રત્યે બેદરકારી રાખવામાં આવે છે. આ જ વાતને કૉમેડીનો આશરો લઇ સરળ બનાવીને રજૂ કરાઈ છે.
ગુલશન દેવૈયાએ જણાવ્યું કે, "પર્ફેક્ટ ફૅમિલી (Perfect Family) એક એવી સ્ટોરી છે જે મનોરંજક તો છે જ, મહત્વપૂર્ણ પણ છે. ભારતમાં આપણે કુટુંબમાં મેન્ટલ હેલ્થ વિશે ભાગ્યે જ ખુલીને વાત કરીએ છીએ. આ શોએ આ ખચકાટને ખૂબ જ દિલથી અને હાસ્ય સાથે દર્શાવ્યો છે. મારું પાત્ર મનોરંજક છે. મને લાગે છે કે દર્શકો દરેક પાત્રમાં પોતીકાપણાનો અહેસાસ કરી શકશે. જ્યારે મેં પહેલીવાર આ સ્ટોરી સાંભળી હતી ત્યારે મને તરત જ તેની પ્રામાણિકતા, કૉમેડી અને પરિવારોની સાચી ઝલક ગમી ગઈ હતી. મને જે સૌથી વધુ ગમ્યું હતું કે આ શોએ ઉપચાર જેવા વિષયને જબરજસ્ત બનાવ્યો છે અને સહજતાથી રજૂ કર્યો છે. આ ટીમ સાથે કામ કરવાની મજા પડી"