‘ટીવીએફ ઍસ્પિરન્ટ્સ’ પર વાર્તાની ઉઠાંતરીનો આરોપ

25 May, 2021 12:21 PM IST  |  Mumbai | Nirali Dave

સાહિત્ય ઍકૅડેમી અવૉર્ડ વિનર નૉવેલિસ્ટ નિલોત્પલ મૃણાલનું કહેવું છે કે તેમની નૉવેલ ‘ડાર્ક હૉર્સ’ પરથી ટીવીએફે ઍસ્પિરન્ટ્સ બનાવી છે

‘ધ ઍસ્પિરન્ટ્સ’નું પોસ્ટર

‘ધ વાઇરલ ફીવર’ની ટીમ તેમની નવી વેબ-સિરીઝ ‘ધ ઍસ્પિરન્ટ્સ’ની સફળતાની મજા માણી રહી છે. જોકે આ કોઈ ઓટીટી પ્લૅટફૉર્મ પર નહીં, બલકે ટીવીએફના અગાઉના શો અને એપિસોડ્સની જેમ સીધી યુટ્યુબ પર રિલીઝ થઈ હતી. આ મીઠાઈની મજા વચ્ચે કાંકરો આવ્યો હોય એમ ૨૦ મેએ સાહિત્ય ઍકૅડેમી અવૉર્ડ વિજેતા લેખક નિલોત્પલ મૃણાલે આરોપ મૂક્યો છે કે મારી ૨૦૧૫ના વર્ષમાં આવેલી નૉવેલ ‘ડાર્ક હૉર્સ’ની વાર્તા ચોરીને ‘ધ ઍસ્પિરન્ટ્સ’ બનાવવામાં આવી છે.

નિલોત્પલ મૃણાલે તેમની લાંબી ફેસબુક-પોસ્ટમાં ટીવીએફના ફાઉન્ડર અને ‘ધ ઍસ્પિરન્ટ્સ’ના ક્રીએટર અરુનભ કુમાર સાથેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘અરુણભ કુમાર જાણતા હતા કે ‘ડાર્ક હૉર્સ’ નામની નૉવેલ મારી છે અને એમાં દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં યુપીએસસીની તૈયારી કરતા યુવાનોની વાર્તા છે. પહેલાં પણ લેખકો સાથે અન્યાય થતો આવ્યો છે અને ફરી થઈ રહ્યો છે.’ નિલોત્પલે કહ્યું કે ‘આખી વેબ-સિરીઝ જોઈને હું એ કન્ક્લુઝન પર આવ્યો છું કે સિરીઝનો હાર્દ ‘ડાર્ક હૉર્સ’નો છે અને એ માટે હું કાયદાકીય કાર્યવાહી કરીશ. આના જવાબમાં ટીવીએફની ટીમે સત્તાવાર નિવેદન જાહેર કરતાં જણાવ્યું કે ‘કંપનીને આને લગતી નોટિસ મળી ગઈ છે.’

entertainment news Web Series web series nirali dave