29 May, 2026 09:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ `બ્રાઉન`માં હેલન
લગભગ ૧૪ વર્ષ બાદ હેલન ફરી અભિનય ક્ષેત્રે પરત ફરી રહી છે. વેબ-સિરીઝ ‘બ્રાઉન’માં તે દમદાર રોલમાં જોવા મળશે. આ ક્રાઇમ થ્રિલર સિરીઝને લઈને પહેલેથી જ ભારે ઉત્સુકતા છે, કારણ કે આ સિરીઝ દ્વારા કરિશ્મા કપૂર પણ લગભગ ૬ વર્ષ બાદ વેબ-સિરીઝમાં કમબૅક કરી રહી છે. આ સિરીઝમાં કામ કરવાના અનુભવ વિશે હેલન કહે છે, ‘આ હળવી અને લાગણીસભર ભૂમિકાએ મને ફરીથી ઍકટિંગ સાથે જોડાવાનો મોકો આપ્યો. લાંબા સમય બાદ ફરી સેટ પર જવાની કલ્પનાથી જ હું ખૂબ ઉત્સાહિત થઈ ગઈ હતી. ઘણા સમયથી હું કૅમેરા સામે આવી નહોતી, એટલે નાની એવી ભૂમિકામાં ફરી અભિનય કરવો મારા માટે ખૂબ ખાસ અનુભવ રહ્યો. લોકો કદાચ મારા રોલની લંબાઈ વિશે વિચારે, પરંતુ મારા માટે મહત્ત્વની વાત એ હતી કે હું ફરી કોઈ ખાસ પ્રોજેક્ટનો ભાગ બની શકી. મારું પાત્ર સિરીઝમાં હળવાશની પળો લાવે છે. મને આ ભૂમિકા માટે પસંદ કરવામાં આવી એ માટે હું ખૂબ ખુશ છું, કારણ કે એના દ્વારા મને ફરી મારી કળા સાથે જોડાવાનો અને સેટ પર હોવાનો જાદુ ફરી જીવવાનો મોકો મળ્યો. શોમાં કરિશ્મા અને સોની રાઝદાન સાથે કામ કરવું ખરેખર આનંદદાયક રહ્યું. હું બન્નેને વર્ષોથી ઓળખું છું અને તેમની સાથે સ્ક્રીન શૅર કરવું ખૂબ સ્વાભાવિક લાગ્યું.
‘બ્રાઉન’ ટૂંક સમયમાં ઝી5 પર રિલીઝ થશે. સિરીઝમાં કરિશ્મા કપૂર કલકત્તામાં થયેલી ક્રૂર હત્યાઓની તપાસ કરી રહેલી આલ્કોહોલિક પોલીસ-અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. હેલનનું પાત્ર આ ગંભીર વાર્તામાં હળવાશ અને કૉમિક રિલીફ ઉમેરે છે. આ સિવાય ખુલાસો થયો છે કે આ ક્રાઇમ થ્રિલરમાં ગાયક શાન પણ પહેલી વાર અભિનય કરી રહ્યો છે.