ઇન્દોરના આશિકની કહાની ‘ઇન્દોરી ઇશ્ક’માં શું હશે?

31 May, 2021 12:08 PM IST  |  Mumbai | Nirali Dave

‘ઠરકી’ નામની નૉવેલ પર બેઝ્ડહ વેબ સિરીઝમાં ‘ફ્લૅમ્સ’ અને ‘લાખોં મેં એક’ ફેમ રિત્વિક સાહોરે આલ્કોહૉલિક પ્રેમીના પાત્રમાં જોવા મળશે

ઇન્દોરી ઇશ્ક

ઇન્દોરમાં રહેતા અને સ્કૂલમાં ભણતા કુણાલને તારા નામની છોકરી ગમે છે. તે તેનો પ્રેમ જીતવાની કોશિશ કરે છે. અંતે એક દિવસ કુણાલ તારાને પ્રપોઝ કરે છે અને તેમની લવ-સ્ટોરી શરૂ થાય છે. સ્કૂલ પૂરી થયા બાદ કુણાલ ઇન્દોર છોડીને મુંબઈની કૉલેજ જૉઇન કરે છે. બીજી બાજુ તારા તેને છેતરે છે અને પોતાની લાઇફમાં આગળ વધી જાય છે. સીધાસાદા કુણાલની આદતો બગડે છે અને તે અવળા રસ્તે ચડી જાય છે. આલ્કોહૉલિક અને સ્મોકર કુણાલ પાસે એક જ કામ હોય છે, તારાને યાદ કરવાનું! આ વાર્તા છે એમએક્સ પ્લેયર પર ૧૦ જૂને રિલીઝ થનારી સિરીઝ ‘ઇન્દોરી ઇશ્ક’ની. ‘ફ્લૅમ્સ’ અને ‘લાખોં મેં એક’ ફેમ ઍક્ટર રિત્વિક સાહોરે અને છેલ્લે આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં દેખાયેલી ઍક્ટ્રેસ વેદિકા ભંડારી કુણાલ અને તારાના પાત્રમાં છે. સમીત કક્કડ ડિરેક્ટેડ ‘ઇન્દોરી ઇશ્ક’માં આ ઉપરાંત અક્ષય કુલકર્ણી, ધીર હીરા, ડોના મુનસી, તિથિ રાજ અને મીરા જોશી સહિતના કલાકારો છે. ‘કબીર સિંહ’ના લાઇટ વર્ઝન જેવી આ સિરીઝ મૂળ તો કુણાલ મરાઠેની નવલકથા ‘ઠરકી’ પરથી બનાવેલી છે. તેના નવેનવ એપિસોડ એકસાથે એમએક્સ પ્લેયર પર ફ્રીમાં ઑન ઍર થશે.

entertainment news Web Series web series nirali dave