ભગવાનના ચોપડામાં બધા ભક્તોનાં નામ છે, પણ મારુતિનું નામ નહીં

04 August, 2022 08:36 AM IST  |  Mumbai | Morari Bapu

મારુતિ તો મોટા ભક્ત કહેવાય, રામદૂત તેમને નામ મળ્યું છે અને એ પછી પણ પ્રભુના ચોપડામાં તેમનું નામ જ નથી!

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

નારદજી એક વાર હનુમાનજીને મળ્યા. હનુમાનજી તો ભજન કરવામાં મસ્ત અને વ્યસ્ત. નારદજીએ થોડી વાર રાહ જોઈ. હનુમાનજીનું એક ભજન પૂરું થયું એટલે તેમણે આંખો ખોલી. સામે નારદજી. હનુમાનજીને આંખો ખોલેલા જોઈને નારદજીએ તેમને કહ્યું, ‘મહારાજ, તમે બહુ જ ભજન કરો છો. હું ભગવાન પાસે જઈ રહ્યો છું, મારી ઇચ્છા છે કે તમે કાંઈક કહો તો હું ત્યાં જઈને જોઉં.’
હનુમાનજીએ વિનમ્રતા સાથે હાથ જોડ્યા અને કહ્યું, ‘હા, ઠીક છે. તમે જઈ રહ્યા છો તો ત્યાં એક રજિસ્ટર રાખ્યું છે એમાં ભક્તોનાં નામ છે. તમે ત્યાં જઈને એ વાંચી લો અને પછી મને કહેજો.’
નારદજી તો રવાના થયા અને પહોંચ્યા ભગવાન પાસે. ભગવાન પાસે જઈને નારદજીએ તેમને કહ્યું, ‘મહારાજ, તમારા ભક્તોનાં નામ તમારી પોથીમાં છે. મને જરા બતાવો તો એમાં કોણ-કોણ ભક્ત છે?’

વાત આગળ વધારતાં પહેલાં તમને એક વાત કહું, ભગવાન પાસે એક ચોપડો છે જેમાં તેમના ભક્તોનાં નામ છે.

નારદજીએ એ ચોપડો જોયો. તેમણે એમાં જોયું તો એમાં તેમનું પોતાનું નામ પણ જોયું અને સાથોસાથ તેમણે એ ચોપડામાં અમરીશનું નામ પણ જોયું, પ્રહ્‍લાદનું નામ પણ જોયું અને એ સિવાયનાં પણ ઘણાં નામો તેમણે એમાં જોયાં, પણ નારદજીને એમાં હનુમાનજીનું નામ ક્યાંય મળ્યું નહીં.

નારદજીને દુઃખ થયું, પણ સાથોસાથ તેઓ થોડા રાજી પણ થયા કે મારું નામ એ ચોપડામાં છે, પણ તેમને દુઃખ એ વાતનું થયું કે મારુતિનું નામ કેમ નથી. તેમણે વિચાર્યું કે મારુતિ તો મોટા ભક્ત કહેવાય, રામદૂત તેમને નામ મળ્યું છે અને એ પછી પણ પ્રભુના ચોપડામાં તેમનું નામ જ નથી!

નારદજી ફરી આવ્યા હનુમાનજી પાસે. હનુમાનજી તો વ્યસ્ત અને મસ્ત ભગવાનનું નામ લેવામાં. થોડી વાર નારદજીએ રાહ જોઈ. હનુમાનજીએ આંખો ખોલી. સામે નારદજી. હનુમાનજી કંઈ કહે કે પૂછે એ પહેલાં તો નારદજીએ જ તેમને કહ્યું, ‘મહારાજ, અત્યંત દુઃખની વાત છે કે ભગવાન પાસે જે ચોપડો છે એમાં બધાનાં નામ છે, પણ તમારું નામ નથી, મેં ખુદ જોયું છે, પણ એમાં તમારું નામ નથી.’

આ સાંભળીને હનુમાનજી એકદમ ખુશ થઈ ગયા અને નાચવા લાગ્યા. હનુમાનજીની એ ખુશીનું કારણ શું હતું એની વાત કરીશું આપણે આવતા બુધવારે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Morari Bapu