આ બધું મારાથી કેવી રીતે થાય?

01 October, 2022 04:44 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

આ જે વિચારધારા છે એ વિચારધારા જ માણસને જીવન માણવાને બદલે જીવનભર માગતા કરી દે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

એક પર્વતારોહક જ્યારે પર્વતના શિખરને સર કરે છે ત્યારે તે પર્વતના શિખર પર જીત નથી મેળવતો એટલે તેણે એવું માનવું જોઈએ નહીં. હકીકત એ છે કે શિખર સર કરીને તે પોતાની જાત પર જીત મેળવતો હોય છે, કારણ કે પર્વત પર ચડવાનું શરૂ કરતાં પહેલાં પોતાની જાત માટે પોતાના જ મનમાં એને શંકા હોય છે કે હું શિખર સુધી પહોંચી શકીશ ખરો? તેના મનમાં અવિશ્વાસ હોય છે, આ શિખર સુધી પહોંચવું અઘરું છે અને કદાચ તો નહીં જ પહોંચું. તેના મનમાં સતત ભય હોય છે, કોણ જાણે શું થશે? અને પહોંચતાં પહેલાં જ મારે પાછા આવવું પડશે, પણ જ્યારે તે ઉપર પહોંચી જાય છે ત્યારે તેને લાગે છે કે તે બહુ મોટો જંગ જીતી ગયો અને આમ તે પોતાના પર વિજય મેળવે છે.

આવું જ અધ્યાત્મના માર્ગ પર કદમ માંડવા માગતા સાધકની સાથે હોય છે. એ સાધકની મન:સ્થિતિ પણ એવી જ હોય છે જેવી પેલા શિખર સર કરવા નીકળેલા પર્વતારોહકની હોય છે. સતત અવિશ્વાસ, સતત અવઢવ અને સતત મનમાં ભય સાથે તે આગળ વધતો હોય છે. હું નિયમિત રીતે રેસ્ટોરાંમાં જનારો, આ તપ કરી શકીશ ખરો? ટીવી સામે બેસીને વિકારી દૃશ્યો જોનારો હું શું બ્રહ્મચર્યનું પાલન કરી શકું? એકેક રૂપિયા માટે ગમે તેની સાથે ઝઘડવા તૈયાર થઈ જતો હું, લાખોનું દાન કરવા તૈયાર થઈ જાઉં? 

અસંભવ, અશક્ય.

આવી શંકા-કુશંકા, ભય-અવિશ્વાસ વચ્ચે અટવાતો સાધક જ્યારે ‘યા હોમ’ કરીને કૂદી પડે છે અને ચોક્કસ ધર્મારાધના કરવામાં તે જ્યારે સફળ બનીને રહે છે ત્યારે તેનો આત્મવિશ્વાસ એટલી હદે વધી જાય છે કે પછી અન્ય કોઈ પણ ધર્મસાધનાની વાત આવે ત્યાં છલોછલ વિશ્વાસ સાથે અને ભરપૂર ઉત્સાહ સાથે તે ધર્મસાધનામાં જોડાઈને જ રહે અને એમાં તે સાંગોપાંગ પાર ઊતરીને જ રહે છે, પણ આમાં મહત્ત્વની શરત છે, શરૂઆત કરવાની. જો તમે પર્વતની તળેટી પર પણ કદમ મૂકવા તૈયાર થતા નથી તો પછી પર્વતના શિખરે પહોંચવાની બાબતમાં તમારે નાહી નાખવાનું જ રહે. જો તમે ધર્મસાધના શરૂ કરવા જેટલું પણ સત્ત્વ ફોરવવા તૈયાર નથી તો પછી ઊંચી ધર્મસાધના કરી લેવાનાં અરમાનો પર તમારે પૂર્ણવિરામ જ મૂકી દેવાનું રહે. 

આ જે વિચારધારા છે એ વિચારધારા જ માણસને જીવન માણવાને બદલે જીવનભર માગતા કરી દે છે અને માણસ જ્યારે માગતો થઈ જાય ત્યારે તે પરવશ થઈને રહે, જે ઈશ્વરને ક્યારેય મંજૂર નથી, માટે પરવશ નહીં થાઓ અને જીવનને આધ્યાત્માના રસ્તે માણવાનું શરૂ કરો.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists