Nag Panchami 2022 : 30 વર્ષ પછી બની રહ્યો છે શિવયોગ

02 August, 2022 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જાણી લો આજના મુર્હત અને તહેવારનું મહત્વ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે નાગ પંચમી ઉજવવામાં આવે છે. આજના દિવસે નાગદેવની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવના પ્રિય શ્રાવણ મહિનામાં તેમના ગળામાં શોભતા આભૂષણ નાગ દેવતાની પૂજા કરવાથી ઘણા લાભ થાય છે, તેવું કહેવામાં આવે છે. જ્યોતિષાચાર્ય અનુસાર નાગ પંચમીના દિવસે મહાદેવની સાથે નાગની પૂજા કરવાથી જીવનના તમામ દોષો અને પાપોનો નાશ થાય છે. આ વર્ષે નાગ પંચમીનું વિશેષ મહત્વ છે કારણકે ૩૦ વર્ષ બાદ શિવયોગ બની રહ્યો છે. નાગ પંચમીની તિથિ મંગળવારે સવારે ૫.૧૫થી બુધવારે સવારે ૫.૪૦ સુધી રહેશે.

શિવયોગનું મહત્વ

આજના દિવસે શિવને દૂધ, દહીં, મધ અને જળથી અભિષેક કરવો શ્રેષ્ઠ રહેશે. આ વર્ષે નાગ પંચમી પર શિવયોગ બની રહ્યો છે. આજના દિવસે શિવયોગ ૩૦ વર્ષ પછી બની રહ્યો છે. આ ઉપરાંત સિદ્ધ યોગ અને ષષ્ઠ યોગ પણ રચાઈ રહ્યા છે. આ યોગોમાં કરેલી પૂજાનું પુણ્ય અનેકગણું વધી જાય છે.

નાગ પંચમીનું મહત્વ

પ્રાચીન સમયથી સાપને દેવતા તરીકે પૂજવામાં આવે છે. આ કારણથી નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાનું મહત્વ ઘણું છે. એવું માનવામાં આવે છે કે નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી વ્યક્તિને સાપ કરડવાના ભયથી મુક્તિ મળે છે.

અન્ય એક માન્યતા અનુસાર, નાગ પંચમીના દિવસે ઉપવાસ કરવો શુભ હોય છે. લોકો નાગદેવતાની કૃપા મેળવવા માટે આ દિવસે ઉપવાસ રાખે છે. આજના દિવસે નાગ દેવતાની પૂજા કરવાનો નિયમ છે. પૂજામાં શિવલિંગ પર પ્રતિક રૂપે ચઢાવેલા નાગ દેવતાને જળ અર્પણ કરવું જોઈએ અને મંત્રોના જાપ કરવા જોઈએ.

હિન્દુ ધર્મમાં નાગનું પૌરાણિક મહત્વ

સનાતન ધર્મમાં સાપનું વિશેષ મહત્વ છે. બ્રહ્માંડના સર્જક ભગવાન શિવના ગળામાં નાગ દેવતા છે. પૃથ્વી શેષનાગના ફણ પર ટકી છે. ભગવાન વિષ્ણુ પોતે ક્ષીરસાગરમાં શેષનાગની પથારી પર સુવે છે. શ્રી કૃષ્ણના જન્મ સમયે વાસુદેવે નાગની મદદથી યમુના પાર કરી હતી. સમુદ્ર મંથન વખતે વાસુકી નાગે પણ દેવતાઓની મદદ કરી હતી.

નાગ પંચમીની વાર્તા

પૌરાણિક કથા અનુસાર, એક રાજાને સાત પુત્રો હતા. તે બધાના લગ્ન થઈ ગયા હતા. તેમાંથી છ પુત્રોને બાળકો હતા. પરંતુ રાજાના સૌથી નાના પુત્રને કોઈ સંતાન નહોતું. આ કારણે, રાજાની પુત્રવધૂને તેની ભાભી વાંજિયામેણાં મારતી હતી. આ સાંભળીને રાજાની પુત્રવધૂ ખૂબ જ દુઃખી થઈ જતી. એક દિવસ તેણે તેના પતિને કહ્યું, દુનિયા મને સંતાન ન હોવાથી ટોણાં મારે છે. આ સાંભળીને તેના પતિએ કહ્યું, તેના પર ધ્યાન ન આપો. તમારી પોતાની દુનિયામાં ખુશ રહો. પતિની વાત સાંભળીને તેને દિલાસો મળ્યો. પરંતુ તેમ છતાં તે લોકોની વાતો સાંભળીને દુઃખી થઈ જતી હતી.

એક દિવસ નાગ પંચમીનો તહેવાર આવ્યો. ચોથી રાત્રે રાજાની પુત્રવધૂએ સપનામાં પાંચ નાગ જોયા. એક સાપે તેને કહ્યું, `દીકરી, કાલે નાગપંચમી છે, જો તમે અમારી પૂજા કરશો તો તમને પુત્રનું રત્ન મળશે’. આ સાંભળીને રાજાની પુત્રવધૂ ખૂબ પ્રસન્ન થઈ અને પોતાના પતિ પાસે જઈને બધી વાત કહી. તેની વાત સાંભળીને પતિએ કહ્યું કે, ‘જો તમે સાપ જોયા હોય તો સાપનો આકાર બનાવીને તેની પૂજા કરો. બધા નાગ દેવતાઓ ઠંડુ ખોરાક લે છે, તેથી તેમને કાચું દૂધ આપો’. નાગ પંચમીના દિવસે રાજાની પુત્રવધૂએ બરાબર એવું જ કર્યું. નાગ દેવતાની પૂજા કરવાથી રાજાની પુત્રવધૂને નવમા મહિને પુત્ર જન્મ્યો હતો. આ રીતે નાગ પંચમીનું વ્રત ઉજવવાની શરુઆત થઈ હતી.

life and style culture news