યોગ્ય સલાહકાર રાખનારો શાસક સાચા નિર્ણય લઈ શકતો હોય છે

01 August, 2022 12:01 PM IST  |  Mumbai | Swami Satchidananda

અન્યાય અને પક્ષપાતી થવું એ શાસકનું–સત્તાનું દૂષણ છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

સત્તાનું દૂષણ અહંકાર, ગર્વ, ઘમંડ જેવાં અહિતકારી તત્ત્વો છે તો સત્તાનું બીજું દૂષણ અન્યાય છે. અન્યાયી રાજા કે નેતા, પ્રજાપ્રિય નથી થઈ શકતો. તે હંમેશાં પક્ષપાત કરતો રહે છે. કોમવાદ કે સંપ્રદાયવાદના ધોરણે એ નિર્ણય કરે છે. આવા નિર્ણયોથી પ્રજામાં અસંતોષ વધે છે, જે કાળે કરીને વિસ્ફોટક બની શકે છે.

અન્યાય અને પક્ષપાતી થવું એ શાસકનું–સત્તાનું દૂષણ છે. જો એનો ત્યાગ કરીને શાસક ન્યાયી અને સમભાવી થઈ શકે તો તે મહાન શાસક રાષ્ટ્ર અને પ્રજા માટે કલ્યાણકારી થઈ શકે છે. ન્યાયની શરૂઆત પોતાના ઘરથી જ કરવાની હોય છે. અપરાધીઓ જો પોતાનાં સગાંસંબંધીઓ હોય તો તેમને પણ સંકોચ કે મોહ વિના પૂરેપૂરો દંડ ફટકારનાર પ્રભાવશાળી શાસક થઈ શકતો હોય છે. પોતાના સ્વજનોને છૂટ આપનાર કે અપાવનાર શાસક પક્ષપાતી બને છે. તે કદી સારો શાસક થઈ શકતો નથી.

ઘણી વાર સત્તાધીશ શાસક દમનકારી બની જતો હોય છે. તે વગર કારણે કે પછી અલ્પ કારણોથી પણ પ્રજાનું ઉત્પીડન કરતો રહે છે. કાયદાનો દુરુપયોગ કરીને અથવા ખોટાં અર્થઘટન કરીને લોકોને કેમ પીડવા એની પેરવી તે કર્યા કરે છે. તેના હાથમાં સત્તા છે એટલે તે પ્રજાનું ઉત્પીડન પણ કરી શકે છે. આ સત્તાનું દૂષણ છે. આવો ઉત્પીડક શાસક પણ લોકપ્રિય થઈ શકતો નથી. અતિરેક કરનાર આવા જુલમી શાસકનો લોકો નાશ ઇચ્છે છે. પ્રજા પોતે અથવા કોઈ અન્ય રીતે તે આવા શાસકનો નાશ કરી નાખે છે. શાસકે પ્રજાનું ઉત્પીડન કરવા માટે સત્તાનો ઉપયોગ કરવાનો નથી, પણ પ્રજાને સુખી કરવા માટે કાયદાનું અર્થઘટન અને કાર્યસાધક પરિણામ કરવાનું છે.

સત્તાધીશ તુંડમિજાજી કે કાચા કાનનો ન હોવો જોઈએ. તુંડમિજાજી આવેશમાં ખોટા નિર્ણય કરી બેસતો હોય છે, જે ઘણી વાર ફેરવવા પડતા હોય છે. વારંવાર બોલેલું બદલવું કે લીધેલા નિર્ણયો બદલવા એ અક્ષમ શાસકની નિશાની છે. આવો શાસક પ્રૌઢતા વિનાનો અપક્વ શાસક બની જતો હોય છે. પ્રજામાં તે હાસ્યાસ્પદ બનીને માનહીન પણ બની જતો હોય છે. જેમ-જેમ શાસકનું કાર્યક્ષેત્ર ઊંચું અને વિશાળ થતું જાય તેમ-તેમ તેણે વિશ્વાસપાત્ર કુશળ સલાહકારો જરૂર રાખવા જોઈએ. ‘પોતે સંપૂર્ણ છે’ એવો ભ્રમ તેણે કદી ન કરવો, પણ મારે પણ તજ્જ્ઞોની સલાહની જરૂર છે, એમ માનીને તેણે સલાહકારો જરૂર રાખવા. યોગ્ય અને સાચા સલાહકારો રાખનાર શાસક મોટા ભાગે સાચા નિર્ણય લઈ શકતો હોય છે. તેનામાં પ્રૌઢતા આવે છે. આ જ શાસકની યોગ્યતા કહી શકાય એટલે શાસકે તુંડમિજાજીપણાનું દૂષણ છોડવું જોઈએ, સત્તા નહીં.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists