વીર ભામાશાહની રાષ્ટ્રભક્તિઃ મેવાડના ઈતિહાસમાં ભામાશાહનું પ્રદાન અને પ્રતાપસિંહ રાણા સાથેનું જોડાણ

04 October, 2024 02:08 PM IST  |  Mumbai | Dr. Rashmi Bheda

ભામાશાહના જન્મ પછી બે વરસે એમના ભાઈ તારાચંદ્રનો જન્મ થયો. ભામાશાહ અને એના નાના ભાઈ તારાચંદ બંને મહારાણા પ્રતાપના અત્યંત વિશ્વાસપાત્ર હતા. બેઉ ભાઈઓએ પોતાનું સમસ્ત જીવન મહારાણા પ્રતાપ પ્રત્યે સ્વામીભક્તિ અને દેશભક્તિમાં અર્પણ કર્યું.

ભામાશાહ અને મહારાણા પ્રતાપ પ્રતીકાત્મક તસવીર - એઆઇ

પૂર્વકાળમાં જૈનીઓએ દેશ, સમાજની સેવામાં કેવો અગ્રભાગ બજાવ્યો એનું જીવંત ઉદાહરણ છે જૈન વીર નવરત્ન ભામાશાહ આજનો ભૌતિક યુગ હિંસાત્મક ઉપાયોથી વિશ્વમાં શાંતિની સ્થાપના કરવા માગે છે. અહિંસા એને કાયરતાની જનની લાંગે છે. પરંતુ અહિંસાના પુજારી પણ આવશ્યકતા પડે ત્યારે સ્વાધીનતાના સંગ્રામનો પ્રમુખ સેનાની બની શકે છે. અહિંસાના અનુયાયી ભારતીય વીરોએ શત્રુબળના વિધ્વંસ માટે હિંસાના શસ્ત્રનો ઉપયોગ કર્યો નથી પરંતુ સ્વદેશની રક્ષા માટે આવશ્યકતા પડતા એમણે શસ્ત્રો ઉઠાવ્યા છે. પોતાના દેશની સ્વતંત્રતાને અક્ષુણ્ણ રાખવા માટે. પોતાના ધર્મને સુરક્ષિત રાખવા માટે ભારતીય વીરોમાં ભામાશાહનું નામ અગ્રસ્થાને આવે છે.


ઇતિહાસ પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય યોદ્ધા મેવાડના મહારાણા પ્રતાપસિંહ સાથે કર્મવીર ભામાશાહનું નામ અભિન્નરૂપમાં જોડાયેલું છે. મહારાણા પ્રતાપ બાહુબળની, દઢ નિશ્ચયની, વિરોચિત સ્વભાવની અને લડાયક જુસ્સાની સાલાત મૂર્તિ હતા જ્યારે મંત્રીપીર ભામાશાહ મુત્સદીપણાની, બુદ્ધિચાતુર્યની અને યુદ્ધકુશળતાની સાક્ષાત મૂર્તિ હતા. મોગલોની ગુલામીના અસ્વીકાર કરી મહારાણા પ્રતાપે સ્વતંત્રતાની રક્ષા માટે સર્વ પ્રકારના એશ્વર્ય, પ્રલોભન અને સુખ સાહેબીની જિંદગી છોડીને પોતાના પત્ની અને બાળકો સાથે પહાડોમાં અને જંગલોમાં અત્યંત સાધારણ જીવન વીતાવતા આઝાદી માટે સંઘર્ષ કર્યો. મહારાણા પ્રતાપની સાથે પ્રધાન ભામાશાહે પણ પોતાના શાસકનું અનુકરણ કર્યું અને પોતાના સર્વ સંપત્તિને સ્વતંત્રતાના સંગ્રામ માટે સંમર્પિત કરી મેવાડના આ સ્વતંત્રતા સંઘર્ષમાં ભામાશાહ એક સાહસી તેમજ કુશળ યોદ્ધા એક સુવિજ્ઞ તેમજ ચતુર પ્રશાસક અને સક્ષમ, દુરદર્શી વ્યવસ્થાપક રહ્યા.


ભામાશાહનો જન્મ 28 જૂન 1547ના રોજ ઓસવાલ પરિવારમાં થયો હતો. ભામાશાહના પિતા ભારમલ ઓસવાલ જાતિના કાવડિયા ગોત્રના હતા, અને અલવરમાં રહેતા હતા. એમની યોગ્યતા, લગનશીલતા જોઈ પહારાયા માંગાએ એમને રણથંભોર કિલ્લાના કિલેદાર નિયુક્ત કર્યા હતા. મહારાણા સંગ્રામસિંહ સાંગા પછી ભારબલ પોતાની સેવા અને સ્વામીભક્તિના લીધે મહારાણા ઉદયસિંહના વિશ્વાસપાત્ર બન્યા હતા. એમની પત્ની કર્પૂરીદેવી પ્રતિષ્ઠિત ધાર્મિક મહિલા હતી. ભામાશાહના જન્મ પછી બે વરસે એમના ભાઈ તારાચંદ્રનો જન્મ થયો.

ભામાશાહ અને એના નાના ભાઈ તારાચંદ બંને મહારાણા પ્રતાપના અત્યંત વિશ્વાસપાત્ર હતા. બેઉ ભાઈઓએ પોતાનું સમસ્ત જીવન મહારાણા પ્રતાપ પ્રત્યે સ્વામીભક્તિ અને દેશભક્તિમાં અર્પણ કર્યું. ભામાશાહ અને તારાચંદ્ર બેંક ભાઈઓની રામ-લક્ષ્મણની જેમ જોડી હતી. ભામાશાહમાં એમના પિતાની જેમ જ ત્યાગની ભાવના હતી. દેશપ્રેમની શિક્ષા પિતા ભારમલ પાસેથી જ એમને મળી હતી. 
ભામાશાહ યુવાવસ્થાથી જે રાજ્યની વ્યવસ્થામાં રૂચિ લેતા હતા. યુદ્ધકલા, તીરંદાજી અને તલવારબાજીની સાથે કુંવર પ્રતાપસિંહની સાથે રણનીતિનો પણા અભ્યાસ કરતા. સાલુમ્બર રાવ કૃષ્ણદાસ પાસે કુંવર પ્રતાપસિંહ, ભામાશાહ, તારાચંદ્ર તેમજ અન્ય સામંતપુત્રોએ શસ્ત્રવિદ્યા તેમજ યુદ્ધવિદ્યા શીખી હતી. યુદ્ધવિદ્યા શીખ્યા પછી કુંવર પ્રતાપસિંહ, ભામાશાહ તેમ જ તારામંદ્રે એકસાથે ચિત્તોડ છોડયું હતું અને પર્વતીય ક્ષેત્ર બાગડ, છપ્પન અને ચૌભટની વિજયયાત્રા પર નીકળ્યા હતા. અહીં પ્રતાપસિંહ અને ભામાશાહને પર્વતીય જીવનનો સારો અનુભવ મળ્યો. ભામાશાહનો વિવાહ ઉચ્ચ, શ્રીમંત પરિવારના ભૌમાં નાહટની પુત્રી સાથે થયો. ભૌમાં નાહટ પાસે એક દક્ષિણાવર્ત શંખ હતો જે એશે ભામાશાહને પોતાના પુત્રીના વિવાહ પ્રસ્તાવના નારિયળને સ્થાને શંખ ભેટ આપ્યો. ભામાશાહના પિતા ભારમલે  શંખને ચંદનની ચોકી પર રાખી એની પૂજા કરી જેના ફળસ્વરૂપ એમને અઢાર કોટિ (કરોડ) ધનરાશિ પ્રાપ્ત થઈ.  


ઇ.સ. ૧૫૭૨માં મહારાજા ઉદયસિંહે ગોગુન્ડાના કિલ્લામાં દેહત્યાગ કર્યો. એના પછી પ્રતાપસિંહ મેવાડની ગાદી પર બેઠા ત્યારે તેમણે ભારમલના પુત્ર ભામાશાહને પોતાનો પ્રધાનમંત્રી બનાવ્યો. રાણા પ્રતાપમાં એક ખરા ક્ષત્રિયના સર્વ ગુણોનો વાસ હતો. બાપારાવળના વંશનું તેનામાં અભિમાન હતું, તેથી મેવાડનો ઉદ્ધાર કરવાનો અને બાપારાવલના સૂર્યવંશની કીર્તિનો ભારતભરમાં વિજયધ્વજ ફરકાવવાનો સંકલ્પ કર્યો હતો. એ સમયે અકબર બાદશાહ દિલ્લીના રાજસિંહાસને હતો. જે વખતે પ્રતાપસિંહ ગાદીએ આવ્યો એના પહેલા ઈ.સ. 1568માં અકબરે મેવાડની રાજધાની ચિત્તોડ પર હુમલો કરી તેને જીતી લીધી હતી. આ સમયે રાજસ્થાનના ઘણા રાજ્યોએ મોગલોની તાબેદારી સ્વીકારી લીધી હતી. મારવાડ, અબર આદિ દેશના રાજાઓએ પોતાની પુત્રીઓ મોગલ બાદશાહને આપી હતી. મારવાડનો રાજા ઉદયસિંહ, બિકાનેરનો રાજા રાયસિંહ, અંબરનો રાજા માનસિંહ તથા બુંદિનો રાજા આ બધાં મોગલ રાજા અકબરના પક્ષમાં ભળ્યા હતા. સમસ્ત રાજસ્થાનમાં મેવાડના મહારાણા પ્રતાપ સ્વતંત્ર હતા. તેમણે બાદશાહને નમવાની કે તેની તાબેદારી કરવાની ના પાડી. એના ઘણા સંબંધીઓ મોગલોના પક્ષમાં ભળી ગયા હતા તો પણ કેટલાક સ્વદેશભક્ત સરદારો - મંત્રી ભામાશાહ યંદાવન કૃષ્ણ, સલુંબરા સરદાર દેવલવરનો રાજા ઝાલાપતિ માનસિંહ અને વીર જયમલનો પુત્ર રણવીરસિંહ એ સર્વ પોતાની જન્મભૂમિ માટે પ્રાણ આપવા તૈયાર હતા અને રાણા પ્રતાપસિંહ સાથે હતા. 


અકબરે ઇ.સ. 1576માં સેનાપતિ માનસિંહને હરીથી મેવાડ ઉપર ચઢાઈ કરવા મોકલ્યો હતો. હલ્દીઘાટનાં મેદાનમાં મોગલ અને રજપુત સેનિકો વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું. પ્રતાપસિંહ તથા તેના સરદાર અને સૈનિકોએ આ યુદ્ધમાં અપ્રતિમ શૌર્ય દાખવ્યું હતું. પરંતુ આ યુદ્ધમાં રાજપુતોનો પરાજય અને મોગલોનો વિજય થયો હતો. પ્રતાપસિંહના પણા સરદારો અને ચૌદ હજાર સૈનિકો મૃત્યુના શરણે થયા હતા. પ્રતાપસિંહ પોતાના મંત્રી અને સરદારની સલાહથી રણભૂમિનો ત્યાગ કરી ગયા હતા. પરંતુ અકબર એમને નમાવી શક્યો હતો.
હલ્દીયાટના યુદ્ધ પશ્ચાત મહારાણા પ્રતાપનું મુગલ બાદશાહ સાથે એક દીર્ઘકાલીન કઠિન પર્વતીય યુદ્ધ પ્રારંભ થયું જે લગભગ ૧૨ વર્ષ સુધી ચાલ્યું. આ સંઘર્ષમાં અવિચલ અને વફાદાર સહયોગી રહ્યા. એમણે ચપ્પનાના પ્રદેશના થયેલ યુદ્ધમાં રાણા પ્રતાપને મોગલ સરદાર ચંદ્રસિંહના તલવારના ઘાનો ભોગ થતા બચાવ્યો હતો. ભામાશાહે મેવાડના સૈન્યનું નેતૃત્વ કર્યું એ યુદ્ધની બુહરચનામાં અત્યંત કુશળ સેનાની હતા. એમણે શાહી પ્રદેશો પર આક્રમણ કરીને સ્વતંત્રતાના સંઘર્ષ માટે ધન પ્રાપ્ત કર્યું. આ આક્રમણ ગુજરાત, માલવા, ઉત્તર મેવાડના સરહદના પ્રદેશ માલપુરા અને દિવેરના યુદ્ધ તરીકે પ્રસિદ્ધ છે. ઇ.સ.1578માં ભામાશાહ અને તારાચંદે માલવા પર આક્રમણ કરી ત્યાંથી ઘણું ધન લુટ્યું અને મહારાણા પ્રતાપને સ્વાતંત્રસંગ્રામ માટે ૨૫ લાખ રૂપિયા અને વીસ હજાર અશર્ફિઓ ભેટ કરી. મહારાણા પ્રતાપના પ્રધાન હોવાથી પ્રશાસનની વ્યવસ્થા, સૈન્ય, સંગઠન, યુદ્ધની નીતિ અને આક્રમણની યોજના આદિમાં ભામાશાહની મહત્વની ભૂમિકા રહી. મહારાણા પ્રતાપના તામ્રપત્ર, પરવાના વગેરે પર ભામાશાહનો ઉલ્લેખ મળી આવે છે.
મુગલ બાદશાહ અકબર પોતાની ભેદનીતિ દ્વારા રાજપૂતોને એક બીજા વિરુદ્ધ કરી પોતાના દરબારમાં ઉચ્ચ પદ આપતો. આ જ ભેદનીતિથી એણે ભામાશાહને પણ રાણા પ્રતાપથી અલગ કરવાનો પ્રયત્ન કર્યો. ઇ.સ. ૧૫૮૧ના અકબરના ચતુર કુટનીતિજ્ઞ ખાનખાનાએ ભામાશાહ સાથે મુલાકાત કરી અને એને પ્રલોભન આપી અકબરના સેવામાં આવવાનું કહ્યું. આ સમયે મહારાણા પ્રતાપ અત્યંત સંઘર્ષમય જીવન વ્યતીત કરી રહ્યા હતા. ભામાશાહે અકબર બાદશાહ દ્વારા પ્રલોભાયેલું ઐશ્વર્યપૂર્ણ જીવન ઠુકરાવ્યું અને પોતાના સ્વામીની સહાયતા માટે એની સાથે સંકટપૂર્ણ જીવનનો સ્વીકાર કર્યો. રાણા પ્રતાપે પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી ચિત્તોડને જીતવામાં ન આવે ત્યાં સુધી સઘળા મોજશોખનો ત્યાગ કરી બ્રહ્મચર્ય પાળવું. ધાસની શૈયામાં શયન કરવું. દાઢીના વાળ વધારવા અને પાંદડામાં ભોજન કરવું.
મુગલોના એકસરખા આક્રમણોથી મેવાડના બધા દુર્ગ પર અકબરનો અધિકાર થઈ ગયો હતો ત્યારે મેવાડમાં મહારાણાને સુરક્ષિત રહેવા માટે કોઈ સ્થાન ન બચ્યું ત્યારે મોગલોથી બચવા મહારાણા પ્રતાપસિંહ પોતાના પરિવારજનો સાથે આબૂથી ચાર ગાઉ દૂર પશ્ચિમમાં આવેલ સુંધાના પહાડોમાં આવીને નિવાસ કર્યો હતો. અકબર કોઈ પણ હિસાબે રાણાપ્રતાપને પકડવા માગતો હતો એટલે રાણા પ્રતાપ જ્યાં જ્યાં પહાડી ઈલાકામાં આશરો લેતા ત્યાં મોઘલ સૈનિકો રાણાને શોધતા આવી પહોંચતા એટલે રાણાએ મેવાડનો ત્યાગ કરી અન્યત્ર જવાનું વિચાર્યું. ત્યારે ભામાશાહે રાશાને મેવાડનો ઉદ્ધાર કરી એની સ્વતંત્રતા પુનઃ પ્રાપ્ત કરવાની રાણામાં જવાબદારી તેમજ એમની પ્રતિજ્ઞાની યાદ દેવડાવી ત્યારે રાજાએ મેવાડના ઉદ્ધાર માટે જરૂરી ધન, સૈનિકો અને યુદ્ધના સાધનો કશુંજ ન હોવાથી પોતાની અશક્તિ દર્શાવી. આવા કપરા વખતે ભામાશાહે ઘણી જ ઉદારતાથી રાણાને મેવાડના ઉદ્ધાર માટે પોતાની સંપત્તિ અર્પણ કરી. જે ધનથી પચીસ હજાર સૈનિકોને બાર વર્ષ સુધી નભાવી શકાય. ભામાશાહની આ સંપૂર્ણ સ્વદેશભક્તિ અને અલૌકિક સ્વાર્પણ હતું. તેમણે પોતાની જન્મભૂમિના ઉદ્ધાર માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવાને પોતાનો પ્રથમ ધર્મ માન્યો, પોતાની ફરજ માની. એમના પત્ની પણ ખરા અર્થમાં એમના અર્ધાંગિની હતા. પોતાના પતિનો સાથ નિભાવતા એમણે પણ રાષ્ટ્રરક્ષા માટે પોતાના બધા આભૂષણો અર્પણ કર્યા. રાણા પ્રતાપે આ સંપત્તિથી પાછું લશ્કર જમાવ્યું. બીજા ઠાકોરોએ પણ એમના સૈન્યો પ્રતાપસિહની મદદમાં આપ્યા. ભામાશાહને મુખ્ય સેનાપતિની પદવી આપી. થોડા જ સમયમાં મહારાણા પ્રતાપે ચિત્તોડ, અજમેર અને માંડલગઢ સિવાયના મેવાડના તમામ પ્રદેશોને જીતી લીધા.
આ રીતે મેવાડને પુનઃ મેળવવાની આશા પ્રતાપસિંહને રહી ન હતી. તે ભામાશાહના અલૌકિક સ્વાપર્ણથી મંવાડનું સ્થિત્યંતર થયું તેથી મેવાડના ઉદ્ધારક તરીકે ભામાશાહને પ્રત્યેક ઇતિહાસકાર સ્વીકારે છે. એક જૈન-દયા ધર્મ પાલનારા વણિકને હાથેથી મેવાડની સ્વતંત્રતા સચવાઇ, તેની પ્રજાનું રક્ષણ થયું, અને રાજપૂતોની આબરૂ ઉજજળ રહેવા પામી એ સમસ્ત જૈનો માટે ગૌરવનો વિષય છે. જ્યારે અન્ય રાજપૂતો બાદશાહ અકબરના ચરણોમાં પોતાનું મસ્તક નમાવી રહ્યા હતા ત્યારે મેવાડના મહારાણા પ્રતાપસિંહ જ માત્ર  પોતાનું મસ્તકને ઉન્નત રાખી શક્યા હતા. મહારાણા પ્રતાપસિંહે પોતાની રાજધાની ઉદયપુરમાં રાખીને પોતાનો રાજ્ય કારભાર મલાવ્યો. મંત્રીશ્વર ભામાશાહે કરેલી સહાયને પાદ કરીને તેમને મેવાડના ભાગ્યવિધાતા અને એમના વંશજોને મેવાડના ઉદ્ધારકર્તાની માનવંત ઉપાધિ (પદવી) અર્પણ કરી. 
ભામાશાહ એક સચ્ચા દેશભક્ત અને ત્યાગી પુરુષ હતા. અત્યંત કઠિન પરિસ્થિતિમાં પણ અવિચલ અને દ્રઢ રહેનારા યોદ્ધા હતા. એમના જીવનનો પ્રત્યેક અંશ સ્ફટિકની જેમ નિર્મળ હતો. એમો સિદ્ધાન્ત રક્ષાને સદેવ પ્રથમ સ્થાન આપ્યું. પોતાના કર્તવ્ય પર મેરૂ પર્વત સમાન અટલ રહ્યા. પ્રલોભનની આંધી એમને તસુભર પણ ચળાવી ન શકી.
ભામાશાત 52 વર્ષની ઉંમરે 27  જાન્યુઆરી 1600ના દિવસે અવસાન પામ્યા. ભામાશાહના અપૂર્વ ત્યાગના સંબંધમાં હિંદીના પ્રસિદ્ધ કવિ ભારતેન્દુ હરિશ્ચંદ્ર કહે છે- 

जा धन हित नारि नजै पति,
पून तजै पितु शीलहि सोई। 
भाई सो भाई लरै रिषु से पुनि,
मित्रता मित्र तजै दुख जोई।। 
ता धन को बनिवाँ है गिन्यो न, 
दियो दुःख देश के ओरत होई ।
स्वारथ आर्य तुम्हारोई है,
तुमरे सम और न था जर कोई।। 

સંદર્ભ ગ્રંથ:
૧. જૈન નરરત્ન ભામાશાહ - પ્રસિદ્ધકર્તા : શ્રી જેન આત્માનંદ સભા, ભાવનગર
૨. ભાષાશા કાવડિયા-રામવલ્લભ સોમાની
૩. બલિદાન ઔર શોર્ય કી વિભૂતિ ભામાશાહ - ડૉ.દેવીલાલ પાલીવાલ 
૪. ભામાશા - ધન્યકુમાર જૈન ‘સુધેશ`
૫. શ્રી મહાજન વૈશ્ય શિરોમણી દાનવીર શેઠ ભામાશાહ - ડૉ. ચંદ્રપ્રકાશ ગુપ્તા
(મુંબઈ સ્થિત જૈન ધર્મના અભ્યાસુ ડૉ. રશ્મી ભેદાએ `જૈન યોગ` આ વિષયમાં મુંબઈ યુનિવર્સિટીથી પી.એચડી કર્યું છે. તેઓ જૈન જ્ઞાનસત્રોમાં નિયમિત ભાગ લે છે. તેઓના જૈન ધર્મ પર ત્રણ પુસ્તકો પ્રકાશિત થયા છે.) 

religion dharmik content jain community rajasthan history samay darshan