10 October, 2025 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
હવે દિવાળીનું પર્વ ખૂબ જ નજીકમાં છે ત્યારે લોકોએ ખરીદી વગેરેની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. આ વર્ષની દિવાળીએ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અનેક સુંદર યોગ પણ બની રહ્યા છે. તેમાંય ખાસ પાંચસો વર્ષ બાદ આ દિવાળીએ શનિની વક્રી (Shani Vakri 2025) રહેવાની છે. આ એક સુંદર સંયોગ જ માનવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે શનિદેવને કર્મના દેવ માનવામાં આવે છે. દરેક વ્યક્તિને તેમનાં કાર્યો અનુસાર શનિદેવ ફળ આપતા હોય છે. આ સાથે જ શનિની વક્રી ચાલ એટલે કે અવળી ચાલ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે માનીએ તો જ્યારે જ્યારે શનિ વક્રી થાય છે ત્યારે તેની ગતિ મંદ પડી જાય છે અને આ જ કારણોસર લોકોના જીવનમાં તેની સારી અસર પડતી હોય છે. પણ શનિ ઊંધી દિશામાં ગતિ કરે છે, ત્યારે તે તમામ રાશિઓને સકારાત્મક અને નકારાત્મક બંને રીતે અસર કરે છે. ત્યારે આવો, જાણી લઈએ કે આ વર્ષે દિવાળીએ થનાર શનિની વક્રીથી કઈ રાશિના જાતકો માટે ફાયદા થવાના છે.
મકર રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે દિવાળી દરમિયાન થનાર શનિની વક્રી ચાલ (Shani Vakri 2025) મકર રાશિના જાતકો માટે શૈક્ષણિક અને કારકિર્દીની તકો લઈને આવવાની છે. આ જાતકોને તેમના પરિવાર તરફથી સારા સમાચાર મળી શકે છે. આ સાથે જ વિદ્યાર્થીવર્ગ માટે આ સમય સરસ માનવામાં આવે છે. આ જાતકોને આ સમય દરમિયાન નોકરીની નવી તકો મળી શકે છે. વિદેશ મુસાફરીના પણ યોગ બની રહ્યા છે.
મિથુન રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિની વક્રી ચાલ (Shani Vakri 2025) મિથુન રાશિના જાતકો માટે કારકિર્દી અને વ્યવસાયમાં નવી તકો લઇ આવશે. આ જાતકોની કૌટુંબિક પ્રતિષ્ઠા પણ વધે તેવા યોગ છે. નોકરી કરતા વર્ગ માટે નવી વ્યવસાયિક તકો દેખાઈ રહી છે. આ સાથે જ જે જે લાંબા સમયથી પ્લાન પડી રહ્યા છે તે પુરા થશે અને ફળશે. નોકરિયાત વર્ગને પ્રમોશન પણ મળવાની સંભાવના છે.
કુંભ રાશિ
કુંભ એ શનિની પોતાની રાશિ છે માટે જ્યારે શનિ વક્ર (Shani Vakri 2025) રહેશે ત્યારે આ રાશિના જાતકો માટે વિશેષ લાભ મળવાની શક્યતા છે. કુંભ રાશિના જાતકો માટે જીવનમાં જવાબદારીઓ વધી શકે છે પણ સાથે જ તેમની સાથે સફળતા પણ ખેંચાઈને આવવાની છે. કુંભ રાશિના લોકો માટે કારકિર્દીમાં મોટી તક મળશે. આ સમયે જો આ રાશિના જાતકો રોકાણ કરે તો તેમને પણ ફાયદો થશે. સમાજમાં માન-સન્માન વધશે. ટૂંકમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાશે.
(ખાસ નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આની પુષ્ટિ કરતું નથી.)