08 July, 2025 05:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સામવેદ સોસાયટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સનાં સ્થાપક વિદુષી ઉમા ડોગરા અને ફેસ્ટિવલ ડાયરેક્ટર્સ તથા ટ્રસ્ટીઝ સુહાની સિંઘ અને ઇન્દ્રાયણી મુખર્જી
35માં રેઇનડ્રોપ્સ ફેસ્ટિવલનાં પડઘમ વાગી રહ્યાં છે. કથક નૃત્યગુરુ વિદુષી ઉમા ડોગરાએ 1990માં સ્થાપેલી સંસ્થા સામવેદ સોસાયટી ફોર પરફોર્મિંગ આર્ટ્સના રેઇનડ્રોપ્સ ફેસ્ટિવલનું 18 અને 19 જુલાઇના રોજ, મીની ઑડિટોરિયમ, રવિન્દ્ર નાટ્યમંદિર, પ્રભાદેવી ખાતે થશે. આ વર્ષે 35મા રેનડ્રોપ્સ ફેસ્ટિવલનો થીમ છે "વીરાંગના" જેમાં માત્ર સ્ત્રી કલાકારો પોતાની કળાની રજૂઆત કરશે.
ફેસ્ટિવલનો હેતુ અને તેની શરૂઆતની વાત કરતાં સામવેદ સોસાયટીના સ્થાપક અને ટ્રસ્ટી કલાગુરુ ઉમા ડોગરાએ જણાવ્યું કે, "આ વર્ષે ફેસ્ટિવલને 35 વર્ષ થઇ રહ્યાં છે અને આ માત્ર કથકને પ્રોત્સાહન આપતો ફેસ્ટિવલ નથી પણ તમામ શૈલીનાં શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપતો ફેસ્ટિવલ છે. બે કે ત્રણ દિવસનો આ ફેસ્ટિવલ કરવાનું જ્યારે મેં નક્કી કર્યું ત્યારે યુવાન કલાકારોને તેમાં મંચ આપવાનો નિર્ણય લીધો હતો. એવા કલાકારો જે નૃત્યસાધના ગંભીરતાથી કરતા હોય, તે જ ક્ષેત્રમાં કાર્યરત હોય અને યુવાન હોય. રેનડ્રોપ્સમાં હંમેશા સોલો પરફોર્મન્સ હોય છે, મંચ નૃત્યકારની અણિશુદ્ધ કલાને સમર્પિત હોય છે, તેનું નૃત્ત, નૃત્ય અને ભાવ તમામને- તેમની માર્ગમ શૈલીને- પુરી રીતે ન્યાય મળે તેની કાળજી રખાય છે." તેમણે ઉમેર્યું કે, "અત્યાર સુધી રેનડ્રોપ્સમાં 500થી વધુ કલાકારોએ ભાગ લીધો છે. મારાં ગુરુની સ્મૃતિમાં પંડિત દુર્ગાલાલ ફેસ્ટિવલ કરવાની શરૂઆત કરી તેને પણ ત્રણ દાયકાથી વધુ સમય થઇ ગયો છે. રેનડ્રોપ્સ એ નવી પેઢીને પ્રેરણા આપતો, તેમને મંચ આપતો ફેસ્ટિવલ છે જે ચોમાસાની ઋતુની શરૂઆતમાં યોજાય છે. ફેસ્ટિવલનું આયોજન સરળ નથી હોતું, તેનો પણ આગવો સંઘર્ષ હોય છે પણ આ પ્રકારનો ફેસ્ટિવલ થાય તે અનિવાર્ય છે."
સામવેદ સોસાયટીનાં ટ્રસ્ટી અને રેનડ્રોપ્સ ફેસ્ટિવલનાં ફેસ્ટિવલ ડાયરેક્ટર સુહાની સિંઘનું કહેવું છે, "આ ફેસ્ટિવલના ડાયરેક્ટર હોવાને કારણે નવા કલાકારોનું કામ જોવાની મારી મહેચ્છા હંમેશા વધી અને તે પુરી પણ થઇ. આ એક એવો મંચ છે જે દુર્લભ છે અને આવા વધુ મંચ હોય તે જરૂરી છે. 35 વર્ષથી થતા આ ફેસ્ટિવલમાં મુંબઈના આંગણે ઉત્તમ કલાકારોએ પરફોર્મ કર્યું છે. એ વાતનો સંતોષ થાય કે મારા ફેસ્ટિવલ ડાયરેક્ટરની જવાબદારીને સારી પેઠે પુરી કરી શકું છું. આ કલાકારો એવાં છે જે કદાચ સોશ્યલ મીડિયા પર છવાયેલા નથી પણ તેમની કલા લોકોને આંજી નાખે તેવી હોય છે - આજના સમયે સોશ્યલ મીડિયા પર તમારી હાજરી જાણે એક માપદંડ બની ગઇ છે અને માટે જ આ પ્રકારનો ફેસ્ટિવલ અને આ કલાકારો અગત્યનાં છે. આ ફેસ્ટિવલ થકી નવા કલાકારોની કલા જોવા મળે અને દર્શકોને પ્રભાવિત કરે તે પણ એક સિદ્ધિ છે. આ એક મોટી જવાબદારી છે અને મને આ વારસો ઉત્કૃષ્ટ રીતે આગળ લઇ જવાની મને ચિંતા અને ઇચ્છા બંન્ને છે. મુંબઈ જેવા સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ શહેરમાં શાસ્ત્રીય નૃત્યના દર્શકોને એક છત નીચે લાવવા અને તેમને ઉત્તમ કલાકારોની કલા દર્શાવવી એક જુદા જ પ્રકારની શાતા આપે છે."
ઇન્દ્રાયણી મુખર્જી પણ સામવેદ સાથે ટ્રસ્ટી અને ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે જોડાયેલાં છે તેઓ વિદુષી ઉમા ડોગરાનાં શિષ્યા રહી ચૂક્યાં છે. તેઓ કહે છે, "સામવેદ સાથે હું નાનપણથી જોડાયેલી છું, એક વિદ્યાર્થીની તરીકે અને ઉમાજીની શિષ્યા તરીકે સામવેદનાં વિશ્વ સાથે મારો વધુ પરિચય થતો રહ્યો. બે ફેસ્ટિવલ્સની શરૂઆત થઇ અને બંન્નેનો હું શરૂઆતથી ભાગ હતી. મને હંમેશા એ વાતનું આશ્ચર્ય થયું છે, આજે પણ થાય છે કે કઇ રીતે ઉમાજી દરેક કાર્યક્રમનું આયોજન કરતાં આવ્યાં છે, હજી પણ કરે છે જેમાં કલા અને સમાજનું મૂળ તત્વ યથાવત રહે છે. 35 વર્ષ લાંબો સમય છે, સમય સાથે ઉષ્મા અને ઊર્જા વધ્યાં છે અને જે ભાવથી સામવેદની શરૂઆત થઇ હતી તે આજે પણ યથાવત્ છે. આજે શાસ્ત્રીય કલા અનેક પગલાંઓમાંથી પસાર થઇને જ્યાં પહોંચી છે તેનું શ્રેય રસિકાઓ, ગુરુઓના યોગદાનને જાય છે અને તેમણે સમયના પ્રવાહ સાથે આ કલા સાચવી રાખી છે અને તેમાં ઉમાજીનું યોગદાન અમૂલ્ય છે. તેઓ જ્યારે મુંબઈ આવ્યાં ત્યારે અહીં નવા હતા, તેમણે સામવેદની સ્થાપના કરી અને પોતાની કારકિર્દી સાથે આ કામ સંભાળ્યું. નેવુંના દાયકામાં એક યુવા નૃત્યકાર તરીકે ફેસ્ટિવલ્સ સંભાળવા અને પોતાની કલાને પણ આગળ વધારવી સરળ નહોતું પણ તેમણે આ મક્કમતાથી કર્યું. હું અને સુહાની આ મૂલ્યોને જાળવવા અને તેમના માર્ગે ચાલી શકીએ તે માટે પ્રયત્નશીલ છીએ. તેમની ગતિ જેવી જ ગતિ ન મળી શકે પણ અમે એ રથનાં પૈડાં છીએ જેના સારથી ઉમાજી છે."
આ વર્ષે રેઇનડ્રોપ્સ ફેસ્ટિવલમાં શુક્રવાર 18 જુલાઇએ શીખા શર્મા કથક, ક્રિષ્ણાભદ્રા નમ્બુથીરી ભારતનાટ્યમ, અમર્ત્યા ચેટર્જી ઘોષ કથક અને શાયોમિતા દાસગુપ્તા ઓડિસી નૃત્ય રજુ કરશે. બીજા દિવસે શનિવાર 19મી જુલાઇએ કલામંડલમ પૂજા કુચીપુડી, તારીણી ત્રિપાઠી કથક, મેધા હરી ભારતનાટ્યમ અને અનુકૃતિ વિશ્વકર્મા કથક નૃત્ય રજુ કરશે. શુક્રવારે કાર્યક્રમ સાંજે 6.30 વાગ્યે ચાલુ થશે અને શનિવારે સાંજે 4.00 વાગ્યે કાર્યક્રમ શરૂ થશે. ફેસ્ટિવલનો સિઝન પાસ રુ.600 અને એક દિવસનો પાસ રૂ.400 છે જે માટે 9819387077 પર ડિજીટલ પેમેન્ટ કરી શકાશે.