કચ્છી સંગીતના મશાલચી

05 April, 2026 08:52 AM IST  |  Mumbai | Vasant Maru

કચ્છનાં ગામડાંઓમાં ડાયરાઓ દ્વારા લોકજાગૃતિનું કામ કરતા લાલ રાંભિયાના ૭૫મા જન્મદિવસની આજે જાહેર ઉજવણી થઈ રહી છે ત્યારે તેમની સફર પર એક નજર કરીએ

લાલ રાંભિયા

લોકસંગીતને આંતરરાષ્ટ્રીય તખ્તે લઈ જનાર કચ્છી લોકગાયક લાલ રાંભિયાના ૭૫મા જન્મદિવસની આજે જાહેર ઉજવણી થઈ રહી છે.

લાલ રાંભિયા નામના એક જૈન ઓસવાળના બચ્ચાએ કચ્છના સેંકડો ગામડાંમાં વણજારાની જેમ ફરીને ડાયરાઓ દ્વારા લોકજાગૃતિનું જબરદસ્ત કામ કર્યું છે. પોતે અદ્ભુત ગાયક તો છે જ, સાથે-સાથે કચ્છની સંસ્કૃતિ અને સાહિત્યના બહુ મોટા અભ્યાસુ છે એટલે પોતાના ડાયરામાં કચ્છનું ધબકતું લોકજીવન ગૂંથીને લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. મૂળ ઍડ્વર્ટાઇઝિંગ ફીલ્ડમાં વ્યવસાય કરતા લાલભાઈ લોકજાગૃતિ માટે આ મિશન ચલાવી રહ્યા છે.

લાલભાઈ તેમના ડાયરાઓમાં જળસંચય, પશુપાલન, ઑર્ગેનિક ખેતી, વૃક્ષારોપણ જેવા વિવિધ વિષયોને મનોરંજક રીતે રજૂ કરીને લોકમાનસ ઘડવાનું કામ કરે છે. લોકોને એના માટે સંકલ્પ લેવડાવે છે. આ મોજીલા માણસે નહીં-નહીં તોય અત્યાર સુધી સાડાત્રણસો ગામડાંઓમાં આ ડાયરાઓ કર્યા છે. જે ગામડામાં ડાયરો હોય એની આજુબાજુનાં ગામડાંઓના માણસો પણ હોંશે-હોંશે ડાયરામાં આવે. કચ્છનાં લોકસાહિત્ય અને સંસ્કૃતિમાં તરબોળ થઈ જાય. એમાં કવિના હુલામણા નામે ઓળખાતા કચ્છના કવિ ગોરધન પટેલ પણ પ્રસંગોચિત રજૂઆત કરે છે.

વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ફૉર રિસર્ચ અૅન્ડ ટ્રેઇનિંગ નામની સંસ્થાને જયારે ૧૦ વર્ષ પૂરા થયાં ત્યારે તુલસી ગજરાએ આ વિચાર લાલભાઈમાં રોપ્યો હતો. અને આયોજનમાં એક્કા એવા લાલભાઈ કચ્છની ધરતીના ઉદ્ધાર માટે કચ્છનાં ગામડાંઓને ખૂંદી વળ્યા. વર્ષો પછી એનાં મીઠાં ફળ આજે કચ્છને મળી રહ્યાં છે.

લાલભાઈનો જન્મ નાના ભાડિયા નામના ગામમાં માતા પાનબાઈની કૂખે થયો હતો. પિતા હીરજીભાઈ (ઉર્ફ વેલજીભાઈ) મુંબઈમાં અનાજની દલાલી કરતા હતા. લાલભાઈનું સાચું નામ કાંતિલાલ છે, પણ શ્યામ ભાટિયા નામના સદ‌્ગૃહસ્થે તેમનું નામ ટૂંકાવીને લાલ કરી નાખ્યું. લાલભાઈ ચોથું ધોરણ ભણીને મુંબઈના કૉટનગ્રીન વિસ્તારમાં રહેવા આવ્યા અને શરૂઆતમાં મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કર્યો.

લાલભાઈ ગામમાં હતા ત્યારથી તેમને સંગીત તરફ આકર્ષણ હતું. તેમના મામા બિદડા ગામના વસનજી હીરજી મારુ આજથી ૭૦ વર્ષ પહેલાં શાસ્ત્રીય સંગીતના કચ્છના પ્રથમ વિશારદ હતા. વસનજીભાઈ પંડિત ઓમકાર ઠાકુરના શિષ્ય હતા. સવાઈ ગાંધર્વ સાથે ગાતા હતા. મામાનો સંગીતનો ગુણ લાલભાઈના લોહીમાં ઊતરી આવ્યો છે. લાલભાઈના મોટા ભાઈ જયંતીલાલભાઈ પણ ભજનિક હતા. સાવ નાની વયે લાલભાઈને કૉટનગ્રીનમાં નવરાત્રિ વખતે બાળકલાકાર તરીકે ગાવાની તક મળી. થોડાંક ‍વર્ષ પછી તો તે રીતસર ઑર્કેસ્ટ્રામાં ગાવા લાગ્યા, પણ પિતાને દીકરો સંગીત કે ગાયન કરે એ ગમતું નહોતું. એ જમાનામાં કચ્છી છોકરો બાપના ધંધે બેસે અથવા બહુ ભણે, પણ કળા સામાજિક નજરે ખોટનો ધંધો હતો. એટલે જ લાલભાઈએ આજીવિકા માટે ઍડ્વર્ટાઇઝિંગ ફીલ્ડ પસંદ કર્યું. પીંછી અને રંગના મિશ્રણના અદ‌્ભુત કસબી બન્યા.

કૉટનગ્રીનથી જયારે મુલુંડ રહેવા ગયા ત્યારે તેમને વસનજી પાલણ શાહ અને ગુલાબ દેઢિયા સાથે મિત્રતા બંધાઈ. ત્રણેય મિત્રો કચ્છીયતના ચાહક, કચ્છી ભાષામાં સંગીત રજૂ કરવાનાં સપનાં જોતા. પરિણામે ત્રણેયે મળીને કચ્છી ભાષામાં સંગીતનાં નાનાં-નાનાં આયોજન શરૂ કર્યાં, પણ ત્યારે ક્યાં ખબર હતી કે આ કચ્છી સંગીતની નાનકડી સફર લાલભાઈને ભારતનાં વિવિધ શહેરોમાં સેંકડો કચ્છી ડાયરાઓ કરવા તક આપશે અને એક દિવસ તેમનું કચ્છી સંગીત વિદેશોમાં પણ રજૂ થઈ લોકોને મંત્રમુગ્ધ કરી દેશે.

કચ્છ યુવક સંઘ નામની જાણીતી સંસ્થાએ આજથી ૩૫ વર્ષ પહેલાં ષણ્મુખાનંદ હૉલમાં કચ્છી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવા લાલભાઈને આમંત્રણ આપ્યું. એ સમયમાં ષણ્મુખાનંદ હૉલમાં કાર્યક્રમ કરવો એ બહુ મોટી વાત હતી, પણ કચ્છી ભાષા માટે તરસ્યા પ્રજાજનોએ હૉલને છલકાવી દીધો. આ લેખ લખનારને પણ એ કાર્યક્રમમાં કચ્છી નાટ્યકાર તરીકે રજૂ કર્યો. આ મસમોટા કાર્યક્રમનું આયોજન લાલભાઈ માટે ટર્નિંગ-પૉઇન્ટ સાબિત થયું.

લોકડાયરાઓ વખતે તેમણે જોયું કે કચ્છનાં ગામડાંઓમાં અસંખ્ય એવા કલાકારો છે જેમને મંચ આપવામાં આવે તો કાઠું કાઢી શકે એમ છે એટલે તેમણે કલા-વારસો નામની સંસ્થા શરૂ કરી. આ સંસ્થામાં ગામડાંમાં વસતા અઢીસોથી વધુ કલાકારોને તાલીમ આપી છે. એમાંથી દોઢસો કલાકારોએ અત્યારે સંગીતમાં કારકિર્દી બનાવી છે. લેખક તરીકે લાલભાઈનાં ૯ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તો તેમણે આપેલા કચ્છના વિષય પર BBCએ ૩ વિવિધ ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે.

કલાકાર તરીકે જવાબદારી સમજીને કચ્છના ધરતીકંપ વખતે નવનિર્માણ અભિયાનમાં જોડાઈને તેમણે પુનઃ વસનનું કામ કર્યું છે. આ અનુભવનો લાભ ઇન્ડોનેશિયા અને સિલોનના ધરતીકંપ વખતે એ દેશોને મળ્યો હતો.

BScના અભ્યાસ દરમ્યાન ખાલસા કૉલેજમાં દેવયાનીબેન સાથે પ્રણય થયો અને સમય જતાં લગ્ન થયાં. દેવયાનીબેન, ચંદ્રકાન્તભાઈ ગોગરી, કાંતિસેનભાઈ શ્રોફ જેવા પાવરહાઉસને કારણે લાલભાઈ કચ્છના લાલ બની કચ્છી સંગીતના મશાલચી બની ગયા છે.

પહેલી એપ્રિલે લાલભાઈએ ૭૫મી વર્ષગાંઠ ઊજવી. એ ઉજવણીમાં કચ્છી પ્રજાને સામેલ કરવા માટુંગાના મૈસૂર ઑડિટોરિયમમાં લીલાધર ગડા, સુમન સાવલા, નવીન ગડા ઇત્યાદિ મિત્રો આજે સાંજે એક વિશેષ કાર્યક્રમ ‘લાલજી ગાલ’ (લાલની વાત) રજૂ કરી રહ્યા છે.

વસંત મારુ

culture news kutchi community kutch gujarati community news gujarat gujarat government indian music indian classical music