05 November, 2025 04:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
વૃન્દાવનના પ્રતાપી પ્રજ્ઞાચક્ષુ સંત ગુરુ શરણાનંદજી મહારાજની પ્રવચનમાળા ચાલતી હતી એમાં એક શ્રોતાની ચિઠ્ઠી આવી કે હું પૂછું એનો સાચો જવાબ આપશો? તમે જેના ઘરે ઉતારો કર્યો છે એ તો ગામનો ઉતાર છે. કોઈ પાપ એવું નહીં હોય જે તેણે નહીં કર્યું હોય.
શરણાનંદજી મહારાજે જવાબ આપ્યો કે જે મહાનુભાવે ચિઠ્ઠી લખી છે તેમણે ચિઠ્ઠીમાં પોતાનું નામ નથી લખ્યું. મારી પાસે સત્યની અપેક્ષા રાખે છે પણ પોતે પોતાનું નામ લખવાની હિંમત કરી શકતા નથી. સત્ય અને સાધુ એક સિક્કાની બે બાજુ છે. મારે માત્ર એટલું જ કહેવું છે બગડેલા સુધરશે કે સુધરેલા સુધરશે? સારા માણસોને વધારે સારા કરવા એના કરતાં ખરાબ માણસને સારા કરવા વધારે સારું છે. સ્કૂલમાં ઠોઠ વિદ્યાર્થી પાછળ શિક્ષક વધારે સમય આપતો હોય છે. એ સભામાં પોતે જેના ઘરે ઊતર્યા હતા એ માણસ પણ બેઠો હતો. તે ઊભો થઈ રડવા લાગ્યો અને કહ્યું કે મહારાજ, આજથી હું પાણી લઉં છું કે કોઈ ખોટાં કામ નહીં કરું. એ જ સભામાં ચિઠ્ઠી લખનાર પણ બેઠો હતો. તે ઊભો થઈને બોલ્યો કે મહારાજ, આ ચિઠ્ઠી લખનાર હું જ છું. ઈર્ષાભાવથી મેં આ ચિઠ્ઠી લખી હતી, પણ હવેથી આવું કૃત્ય કદી નહીં કરું.
માણસ માત્રમાં અપાર સંભાવનાઓ પડેલી છે. કોડિયું, દીવેલ અને વાટ તૈયાર છે. જરૂર છે એક ચિનગારીની. ભાગવત પણ એક એવી ચિનગારી છે જે માણસને ઝળાંહળાં
કરી શકે છે. એક જ દે ચિનગારી દયામય, એક જ દે ચિનગારી
જીવન એક રાસ છે, દેહ ગોપી છે અને અંદરનું ચૈતન્ય કૃષ્ણ છે. આપણું જીવન કૃષ્ણકૃપાથી ચાલે છે. જેણે જીવન આપ્યું છે તેણે જીવન ચાલતું રહે એ માટે પણ વ્યવસ્થા કરી છે. યોગક્ષેમ વહામ્યહમ્. પત્નીની બધી જવાબદારી ઉપાડે તેને પતિ કહેવાય એમ આખા જગતની જવાબદારી ઉપાડે તેને જગતપતિ કહેવાય છે. ઈશ્વરે તો બહુ સરસ વ્યવસ્થા કરી છે પરંતુ આપણે પ્રકૃતિ પ્રમાણે નથી ચાલતા ત્યારે દુખી થઈએ છીએ. ઈશ્વરે જગત બનાવ્યું અને આપણે લોકોને બનાવીએ છીએ. જીવન સદ્ગુણોથી શોભે છે અને સદ્ગુણોનાં ઘરેણાં તમને કથા દ્વારા મળે છે. જીવન એક યાત્રા છે એનો પથ કલ્યાણનો પથ છે. જીવન એટલે ઈશ્વર દ્વારા રચાયેલું કાવ્ય. એ કાવ્યમય જીવનને સમજવા જરૂર છે માત્ર એક ચિનગારીની...