દેશ શક્તિશાળી બને છે ત્યારે વ્યક્તિગત શું કામ દુર્બળ રહેવાનું?

15 June, 2026 01:31 PM IST  |  Mumbai | Swami Satchidananda

તમે જુઓ કે દુનિયાના જે કોઈ શક્તિશાળી દેશો છે એ બધાનું સુરક્ષા-બજેટ કેવું તોતિંગ છે?

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શક્તિશાળી હોવાનો અર્થ એવો નથી કે કોઈની પણ સાથે લડ્યા કરીએ. શક્તિશાળી હોવાનો સીધો અર્થ એવો છે કે કોઈ આવીને આંગળીચાળો ન કરી જાય, કોઈ આવીને વગર વાંકે ધમકાવી ન જાય, કોઈ આવીને ખોટી ધાકધમકી આપી ન જાય અને અન્યાય સહન ન કરવો પડે. ભારતને આ વાત છેલ્લા દશકામાં સમજાઈ અને આ દશકામાં ભારતે સુરક્ષાના મુદ્દે શક્તિશાળી થવામાં રીતસર દોટ મૂકી. જૂની વિચારધારાના ઘણા લોકોને એવું લાગતું હોય છે કે આ બધા ખોટા ધુમાડા છે, પણ એવું માનવું ભૂલભરેલું છે. જેની ડાબે અને જમણે એમ બબ્બે તરફ મોટા દુશ્મનો હોય અને એ બન્ને દેશો માટે દુશ્મની જ સૌથી મોટું સબળ પાસું હોય એવા સમયે શસ્ત્રવિહીન બેસી રહેવું એ સમગ્ર દેશ અને દેશવાસીઓને જોખમમાં મૂકવા જેવી વાત છે. આવું જોખમ અગાઉની સરકારે લીધું અને આપણે જોયું પણ ખરું કે વારંવાર દેશ પર હુમલાઓ થયા અને એ હુમલાઓને લીધે દેશે પારાવાર આર્થિક અને શારીરિક નુકસાની ભોગવી. તમે જ જુઓ, છેલ્લા દશકામાં દેશમાં કેવી શાંતિ થઈ ગઈ! પહેલાં વારતહેવારે આતંકી હુમલા થતા, લોકો મરતા-કપાતા; પણ હવે એવું નથી થતું. આની પાછળનું કારણ એક જ છે, આપણે હવે શક્તિશાળી છીએ.

તમે જુઓ કે દુનિયાના જે કોઈ શક્તિશાળી દેશો છે એ બધાનું સુરક્ષા-બજેટ કેવું તોતિંગ છે? આપણે એક જ એવા હતા જે હથિયારો પાછળ પૈસા ખર્ચવા રાજી નહોતા. હથિયાર હોવું એ પણ તમારી શારીરિક ક્ષમતાઓને ઉજાગર કરે છે, તમે તાકાતવાન છો એવું સાબિત કરે છે. આ વાત જેટલી દેશને લાગુ પડે છે એટલી જ વ્યક્તિગત પણ લાગુ પડે છે.

જો તમે તમારી શારીરિક ક્ષમતાઓ વિકસાવો નહીં તો તમને કોઈ પણ આવીને હડધૂત કરી જાય. તમે જુઓ, આવું પંજાબી સાથે કોઈ નહીં કરે. છ ફુટ ઊંચા પંજાબીની હથેળી જુઓ તો ગુજરાતીઓનું આખું મોઢું એમાં સમાઈ જાય. હું કહીશ કે ગુજરાતી નેતાઓ દેશને શક્તિશાળી બનાવવાની દિશામાં છે ત્યારે ગુજરાતી પ્રજાએ પોતાના પર કામ કરીને શક્તિશાળી બનવાનું પ્રણ લેવું જોઈએ. ખાધાખોરાકી સુધારવાની સાથોસાથ શારીરિક વ્યાયામને હવે રોજબરોજના જીવનમાં અપનાવવો જોઈએ અને એનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. શારીરિક ચુસ્તતાનો મોટો ફાયદો એ છે કે હિંમત અને મક્કમતા પણ સાથોસાથ વધશે અને હિંમત-મક્કમતા જ્યાં હોય ત્યાં બહાદુરી આપોઆપ આવે જ આવે. નાની-નાની ન ગમતી વાતોથી ગુજરાતીઓ દૂર ભાગે છે, પણ જો શારીરિક ચુસ્તતા આવશે તો એ દૂર ભાગવાનું બંધ થશે, ન ગમતી પરિસ્થિતિનો સામનો કરવાની માનસિકતા મનમાં કેળવાશે અને એવું થશે તો આસપાસમાં રહેલી ગુનાખોરીમાં પણ અમુક અંશે ઘટાડો થશે એવું મારું માનવું છે.

culture news life and style lifestyle news columnists