27 June, 2025 07:43 AM IST | Assam | Gujarati Mid-day Correspondent
જનમેદની
આસામની રાજધાની ગુવાહાટીમાં આવેલું મા કામાખ્યાદેવીનું મંદિર તંત્રસાધનાની ભૂમિ ગણાય છે. અહીં બાવીસ જૂનથી પચીસ જૂન સુધી એક ખાસ મેળો ભરાયો હતો. અંબુબાચી મેળા તરીકે ઓળખાતા આ મેળામાં મંદિરનાં કમાડ બંધ રહે છે. મંદિરની બહાર જ ભક્તો મંત્ર, તંત્ર અને ભક્તિ-કીર્તનના કાર્યક્રમો કરે છે. એવું મનાય છે કે આ ૪ દિવસ દરમ્યાન મા કામાખ્યા રજસ્વલા ધર્મ પાળે છે. આ મેળા દરમ્યાન ગર્ભગૃહના દરવાજા બંધ હોય છે અને માતાનાં દર્શન નથી થતાં. એમ છતાં આ દિવસો દરમ્યાન તંત્રની ઊર્જા ખૂબ જ ચરમ પર હોવાની માન્યતાને કારણે લોકો આ મંદિરના પ્રાંગણમાં આવે છે અને ભક્તિ કરે છે. જ્યારે ગર્ભદ્વાર બંધ હોય છે ત્યારે અહીં સફેદ કપડાના કટકા રાખવામાં આવે છે. ૪ દિવસ પછી જ્યારે દ્વાર ખૂલે છે ત્યારે એના પર લાલ છાંટણાં થઈ ચૂક્યાં હોય છે. એને રજસ્વલા વસ્ત્ર કહેવામાં આવે છે.
પચીસમી જૂને અંબુબાચી મેળો પૂરો થતાં માતાજીનાં દર્શન ફરી શરૂ થયાં હતાં. આ મેળા પછી ભક્તોને પ્રસાદમાં આ લાલ છાંટણાંવાળું રજસ્વલા વસ્ત્ર ભેટમાં આપવામાં આવે છે જે સર્જન અને શક્તિનું પ્રતીક છે. આમેય આ મંદિરમાં દેવીની મૂર્તિ તો છે જ નહીં, સ્ત્રીની યોનિના આકારની મોટી ચટ્ટાનને દેવીસ્વરૂપ માનીને પૂજવામાં આવે છે. આ એ ૫૧ શક્તિપીઠોમાંનું એક સ્થાન છે જ્યાં સતીનો યોનિનો ભાગ પડ્યો હતો.