25 October, 2025 11:49 AM IST | Mumbai | Alpa Nirmal
દેરાસરના પ્રવેશદ્વાર પર એની પ્રાચીનતાનો ઉલ્લેખ વાંચવા મળે છે.
આજે આખા મુંબઈમાં સાતસોથી વધુ શિખરબંધી દેરાસરો છે. ગૃહમંદિરો તો અલગ. વળી આ ગણનામાં નવી મુંબઈના વિસ્તારનાં જિનાલયો પણ ગણ્યાં જ નથી. મુંબઈ અને ગુજરાતમાં એક સિમ્પલ સમીકરણ છે, જ્યાં જૈનોની વસ્તી છે ત્યાં જૈન મંદિર હોય જ અને જ્યાં દેરાસર હોય ત્યાં જ જૈનોની વસ્તી હોય.
આજે આપણે જઈએ મુંબઈના ઓલ્ડેસ્ટ દેરાસરમાં, જે ૨૧૯ વર્ષ પહેલાં બન્યું હતું.
જ્યારે મુંબઈ સાત ટાપુમાં વિભાજિત હતું અને માહિમ હતું મુખ્ય બંદરગાહ
આજથી બે શતાબ્દી પહેલાં સાહસિક કચ્છી પ્રજા કામકાજની શોધમાં કચ્છ, જામનગર બંદરેથી વહાણવાટે વિવિધ વિસ્તારોમાં ગઈ. તેમાંના કેટલાક માહિમ બંદરે પણ આવ્યા અને અહીં ઠરીઠામ થઈ વિવિધ બિઝનેસ કરવા લાગ્યા. જૈન વેપારીઓનો નિયમ હોય છે કે તેઓ જ્યાં વસવાટ કરે ત્યાં તેમના ભગવાનને પણ લઈ જ જાય. એ ન્યાયે કચ્છી જૈનોએ ૧૮૦૬ની સાલમાં અહીં જૈનોના પ્રથમ તીર્થંકર આદેશ્વર ભગવાન, દ્વિતીય તીર્થંકર અજિતનાથ સ્વામી અને દસમા ભગવાન શીતલનાથ સ્વામી તેમ જ ધાતુની ચોવીશી એક કાષ્ઠના બંગલામાં પ્રતિષ્ઠિત કર્યા. શ્રી આદેશ્વરજી જૈન મંદિર-માહિમના ઉપપ્રમુખ મોતીભાઈ કોઠારી ‘મિડ-ડે’ને કહે છે, ‘એ વખતે અહીં વસતા જૈનોએ ખોજા પરિવારનો આખો બંગલો ખરીદ્યો અને બંગલાના ભોંયતળિયામાં આદેશ્વરજી સહિત ત્રણેય પ્રતિમાઓની સ્થાપના કરી. વખત જતાં અહીં રાજસ્થાનના જૈનો પણ આવ્યા અને જૈનોની વસ્તી વધી.’
વયસ્ક મોતીભાઈ એ સોનેરી યાદોને મમળાવતાં કહે છે, ‘મારા પિતાજી અનોપચંદભાઈ કહેતા કે બાંદરાથી લઈ દાદર ઈસ્ટ-વેસ્ટ સુધીના જૈનો અહીં ભગવાનનાં પૂજા-દર્શન કરવા આવતા. ભક્તોનો આવરો-જાવરો વધતાં લગભગ ૧૯૨૦ની સાલમાં આ જ બંગલાના ઉપરના મજલે એક ઓરડી જેવું બનાવી પાર્શ્વનાથ પ્રભુ, નેમિનાથ અને શાંતિનાથ પ્રભુને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. આ પ્રતિમાજીઓ પણ બીજેથી અંજન થઈને અહીં આવી હતી.’
ઘોડાની બગીઓ, મોટરમાં બેસી જૈનો ભગવાનનાં દર્શન કરવા આવતા
આજથી સો-સવાસો વર્ષ પહેલાં જ્યારે વાહનવ્યવહારના જૂજ આયામો હતા ત્યારે જૈન શ્રેષ્ઠીઓ, શેઠ-શેઠાણી પાંચ-સાત કિલોમીટર દૂરથી પણ બગી, મોટરમાં બેસી દરરોજ આ જિનાલયમાં પૂજા કરવા આવતા. એ ઉપરાંત આ વિસ્તારમાં વસતા કચ્છીઓના ૧૦૦-૧૨૫, હાલારીઓના પણ એટલા જ અને ૧૦૦થી વધુ રાજસ્થાની પરિવારો પણ આદેશ્વરજીનાં દર્શન કર્યા બાદ રોજિંદા કામે ચડતા.
આ જિનાલયના સભ્ય મોહનલાલભાઈ કહે છે, ‘એ સમયે અહીં બહુ જાહોજલાલી હતી. કાષ્ઠના એ બંગલામાં જૈન ધર્મકથાનાં ચિત્રો વગેરે મુકાયાં, બંગલાને અનુરૂપ લાકડામાંથી કોતરેલાં શિલ્પો ઉમેરાયાં અને રેગ્યુલર ધોરણે એ જિનાલયનું રીસ્ટોરેશન થતું રહ્યું.’
૧૯૭૩માં કરવામાં આવ્યું નવનિર્માણ
મોતીભાઈ કહે છે, ‘ભક્તોની આસ્થા અને ચાહનાને અનુલક્ષી એ પુરાણા બંગલાને તોડી નવું પાકું જિનાલય બનાવવામાં આવ્યું. કહે છે કે જ્યારે જૂની ઇમારત તોડી અને પાયા માટે ખાડો ખોદાયો ત્યારે જમીનમાંથી અનેક હાડકાંઓ નીકળ્યાં હતાં જે બની શકે કે દરિયાની ભરતીમાં અહીં સુધી પહોંચી ગયાં હોય. પહેલાં જેમનું નિવાસસ્થાન હતું એ લાકડાનું હતું જેથી એ માટે પાયા ઊંડા ખોદવા જરૂરી નહોતા, પરંતુ અમારે પાકું આરસપહાણનું દેરાસર બનાવવું હતું. આથી ખાડા વધુ ઊંડા ખોદવા પડ્યા હતા. જોકે હાડકાં નીકળવાથી જિનાલય બનાવવા પૂર્વે અમે આચાર્ય શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજસાહેબની પ્રેરણાથી સંપૂર્ણ ભૂમિશુદ્ધિની વિધિ કરી હતી અને તેમના જ હસ્તે પહેલાંના ભગવાનોની પ્રતિષ્ઠા કરીને નીચે ભોંયરામાં વાસુપૂજ્ય સ્વામીની નૂતન પ્રતિમા પધરાવી. આજે આ દેરાસર ત્રિમજલીય છે ને કોતરણીયુક્ત કમાન, ગુંબજ, શિખર, સ્તંભ તથા ત્રણેય માળે ભગવાનની પાછળ ચાંદીના કારીગરીયુક્ત પૂંઠીયા છે.’
૩૫૦-૪૦૦ પરિવારની સામે આજે અહીં ફક્ત ૧૫-૨૦ જૈન કુટુંબો છે
એક સમયે જ્યાં જૈન ધર્મીઓની મોટી વસ્તી હતી અને આ જિનાલયમાં ભીડ રહેતી હતી ત્યાં આજે એની આજુબાજુ ૧૫થી ૨૦ પરિવારો રહે છે અને દરરોજ એટલા જ જણ સવારે પૂજા કરવા આવે છે. દેરાસરનાં કાર્યોમાં કનેક્ટેડ વિનોદભાઈ કહે છે, ‘જેમ-જેમ મુંબઈનો વિકાસ થતો ગયો એમ-એમ અહીંથી જૈન પરિવારો હિજરત કરતા ગયા અને અહીં સંખ્યા ઘટતી ગઈ. જેઓ આ એરિયામાં મોટા થયા છે એ જૈનો હજી વારતહેવારે દેરાસરની વર્ષગાંઠે અહીં આવે છે ખરા.’
ઓછી વસ્તી હોવા છતાં અહીં દરેક ધાર્મિક પ્રવૃત્તિ થાય છે
આ જૈન સઘ અંતર્ગત સાધુ-સાધ્વીજી મહારાજસાહેબ માટેનાં ઉપાશ્રય છે જ્યાં તેમના ચાતુર્માસ થાય છે. એ ઉપરાંત કાયમી આયંબિલ ખાતું છે. બાળકો-બહેનો માટેની પાઠશાળા તેમ જ યુવાનોનું બૅન્ડ પણ છે. મોતીલાલભાઈ ઉમેરે છે કે ગોડીજીના સંઘનું બૅન્ડ બન્યું એ પછી તરત અમારું પણ બૅન્ડ બન્યું. પરંતુ પરિવારો અહીંથી નીકળતા ગયા આથી એ ઑન ઍન્ડ ઑફ ચાલતું રહ્યું.
જોકે હજી એનું અસ્તિત્વ છે અને યુવાનો-બાળકો તન-મનથી ચલાવે છે. ભલે જૈનોની સંખ્યા ઓછી હોય, અહીં દરેક ધાર્મિક પ્રવૃત્તિ તેમ જ પર્યુષણ પર્વ, મહાવીર જન્મ, દેરાસરની સાલગિરી ખૂબ ધામધૂમથી ઊજવાય છે.
દેરાસરમાં રહેલા મણિભદ્રવીર બહુ પ્રાચીન છે
જૈનોના આરાધ્ય દેવ મણિભદ્રવીર ભગવાન આવ્યા ત્યારથી જ છે એ સાથે શાસનદેવી અને ગૌમુખ યક્ષ પણ એ કાળના જ છે. પુન:પ્રતિષ્ઠા વખતે નાકોડા ભૈરવ અને અન્ય દેવ-દેવીઓની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. સવારે ૫.૩૦થી બપોરે ૧૨.૩૦ અને સાંજે ૫થી ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ પ્રાચીન જિનાલયમાં દર ગુરુવારે ૨૦૦થી વધુ જૈન શ્રદ્ધાળુઓ આદેશ્વરદાદા તેમ જ મણિભદ્રવીરનાં દર્શન કરવા આવે છે.