પરસ્પરવિરોધી વિચારો વધી જતાં વૈદિકતા એ અસ્પષ્ટતાનો પર્યાય બની ગઈ છે

30 April, 2025 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈદિકતાના નામ નીચે એટલા પરસ્પરવિરોધી વિચારો તથા આચારો ભેગા થયા છે કે વૈદિકતા એ અસ્પષ્ટતાનો પર્યાય થઈ ગઈ છે. વાત પણ સાચી છે.

પ્રતીકાત્મક તસવીર

ધાર્મિક વૈચારિક ક્ષેત્ર મુખ્યત: પ્રથમ વર્ણ પાસે હતું અને પ્રથમ વર્ણ માટે ધર્મ એ આજીવિકાનું માધ્યમ હતું એટલે પ્રબળ સુધારકોની પ્રબળ છાયા જ્યારે પ્રજાના મોટા ભાગ પર ફરી વળે છે ત્યારે તેમના દ્વારા થતી આજીવિકાને ગુમાવવા કરતાં તેમની સાથે સમાધાન કરી લેવાનું વલણ તેમનામાં વિકસ્યું દેખાય છે. બૌદ્ધ-જૈન સાથે પ્રબળ વિરોધ કરીને અંતે તેમને અવતાર માનવામાં સમાધાન થઈ જ ગયું. સાંઈબાબા, રામદેવપીર અને બીજા કેટલાય પીરોને આપણે સ્વીકારી લીધા છે. જો ધર્મ આજીવિકાનું માધ્યમ ન હોત તો આવા સમાધાની વલણની જગ્યાએ સંઘર્ષનું વલણ તીવ્ર થયું હોત અને તો બહુ મોટો રક્તપાત થયો હોત જેવો યુરોપના દેશોમાં થયો હતો. એ ભારે અનિષ્ટથી આપણે બચી ગયા, પણ એની સાથે આપણે પ્રબળ પ્રજા બનવાની જગ્યાએ નિર્માલ્ય પ્રજા થઈને જીવન જીવતા રહ્યા એ પણ હકીકત છે.    

વેદપરંપરામાં અસંખ્ય સંપ્રદાયો નીકળતા રહ્યા. પ્રથમ એ સૌનો વિરોધ થતો રહ્યો, એ વેદબાહ્ય છે એમ કહેવાતું રહ્યું; પણ પછી એની પ્રબળતા થતાં જ એની સાથે સમાધાન કરી એને પણ વૈદિક માની લેવાની પરંપરા ચાલતી રહી. આ રીતે એક જ વેદના અનુયાયી તરીકે પરસ્પરમાં અત્યંત વિરોધી એવા અસંખ્ય સંપ્રદાયો અહીં થઈ શક્યા છે, થઈ રહ્યા છે. એ આપણી ઉદારતા નથી પણ લાચારી જ છે કે આપણે એને રોકી શકતા નથી એટલે પછી સ્વીકારી લઈએ છીએ. વૈદિક ધર્મના નામે અહીં શું નથી થતું? મૂર્તિપૂજા વેદમાં છે જ નહીં એવું માનીને મૂર્તિપૂજાની ઘોર નિંદા કરનારો પણ વૈદિક અને મૂર્તિપૂજા વેદોનું પરમ લક્ષ્ય છે એવું માનીને મૂર્તિઓને પૂજનાર પણ વૈદિક, ઈશ્વર છે એમ માનનારા પણ વૈદિક, ઈશ્વર અવતાર લે છે એવું કહેનારા પણ વૈદિક અને ઈશ્વરનો અવતાર થઈ શકે જ નહીં એવું કહેનારા પણ વૈદિક, ઈશ્વરને સગુણ-સાકાર માનનારા પણ વૈદિક અને ઈશ્વરને નિર્ગુણ-નિરાકાર માનનારા પણ વૈદિક. વૈદિકતાના નામ નીચે એટલા પરસ્પરવિરોધી વિચારો તથા આચારો ભેગા થયા છે કે વૈદિકતા એ અસ્પષ્ટતાનો પર્યાય થઈ ગઈ છે. વાત પણ સાચી છે.

જુદા-જુદા કાળમાં જુદા-જુદા સ્થાનમાં પશુપાલકોના રૂપમાં ભ્રમણ કરતા આર્ય લોકોએ પ્રારંભિક કાળના છંદોમાં ગદ્યમાં જે પ્રકૃતિસહજ ઉચ્ચારણો કર્યાં એ થયા વેદ. યજ્ઞોમાં આહુતિ આપવા માટે એનો વિનિયોગ થતો રહ્યો. એનાથી ભારતીય પ્રજાના જ્ઞાન-વિજ્ઞાનનો વિકાસ સધાયો હોય એવો કોઈ કાળ મને દેખાયો નથી. એના અર્થો પ્રથમથી જ અસ્પષ્ટ હતા તેથી એને સમજવા અંગ અને ઉપાંગો રચાયાં. આજ સુધી અનેક ભાષ્યકર્તાઓ થયા, પણ હજીયે એનો પ્રત્યેક મંત્ર સ્પષ્ટ થઈ શક્યો નથી, જેમ કે પ્રાચીનકાળના કેટલાક શિલાલેખો. આ અસ્પષ્ટતા અસંખ્ય સંપ્રદાયો શરૂ થવામાં આશીર્વાદરૂપ બની ગઈ.

life and style culture news gujarati mid-day