ઈશ્વર આપણી સાથે છે એમ માનવાનું, પરંતુ તે આપણા માટે જ છે એવું નહીં ધારવાનું

03 July, 2026 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીવન એક યાત્રા છે. યાત્રા એને જ કહે છે જેનું કોઈ લક્ષ્ય હોય. આપણે યાત્રિક છીએ.

પ્રતીકાત્મક તસવીર

જીવન એક યાત્રા છે. યાત્રા એને જ કહે છે જેનું કોઈ લક્ષ્ય હોય. આપણે યાત્રિક છીએ. લક્ષ્ય તરફ આગળ વધવું એને જ યાત્રા કહે છે. જીવનનું લક્ષ્ય શું છે? કહે છે કે જ્ઞાનીઓ માટે મોક્ષ અને ભક્તો માટે ભગવાન એ જ જીવનનું લક્ષ્ય છે. તે લોકો એ દિશામાં જ આગળ વધશે.

આપણું જીવન પ્રભુનું આપેલું કાવ્ય છે. આપણે સૌએ એ ગાવાનું છે. જન્મથી શરૂ થયેલી જીવનયાત્રા મૃત્યુની મંઝિલે પૂરી થાય છે. જન્મ થયો ત્યારથી જ મૃત્યુ તરફની આપણી યાત્રા શરૂ થઈ ચૂકી છે. જેનું નામ છે - યાત્રા. આ યાત્રા શબ્દનો અર્થ સમજવા જેવો છે. ‘યા’ એટલે જા અને ‘ત્રા’ એટલે ત્રાસ વેઠવાની ત્રેવડ. કહેવાનો ભાવાર્થ એ કે જીવનની યાત્રામાં મુશ્કેલીઓ તો આવવાની જ છે. યાત્રિક લક્ષ્ય નક્કી કરીને નીકળે છે.

શરીર અને સંસારને સંબંધ છે, આત્મા અને પરમાત્માને સંબંધ છે. શરીરથી બની શકે એટલી સમાજની સેવા કરીએ. કહે છેને ‘પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ.’ એટલે સમાજની સેવા કરવી, પરહિત સાથે આગળ વધતા જવાનું અને પરમાત્માને પામવાનો પ્રયાસ કરતા જવાનું.

સરિતા સાગરને મળવા જાય એવી જીવની શિવને પામવાની યાત્રા છે. વહેતી સરિતા પોતાની યાત્રા દરમ્યાન અનેક તૃષાકારોને તૃપ્ત કરે છે, સંતૃપ્તને શીતળતા આપે છે, મિલનને મલહીન કરે છે. છતાં એને કર્તૃત્વનું અભિમાન નથી. હેતુરહિત બનીને અન્યનું હિત કરે છે. એવું જ હરિને ભજવામાં છે. હરિને ભજે તો તેનું હિત આપોઆપ થાય. જીવનની ઢળતી સંધ્યાએ સંતોષનો શ્વાસ લઈ જીવનયાત્રા પૂર્ણ કર્યાનો આનંદ લઈને અવિનાશી પાસે પહોંચે. પરમાર્થિક પરિશ્રમ એને પાવન બનાવે અને પરમાત્મા એને પ્રિય બનાવે.

સંસાર તો અનંતની યાત્રા છે. તમારામાં જો આત્મવિશ્વાસ નહીં હોય તો તમે સંસારયાત્રામાં સફળ નહીં થઈ શકો. અધ્યાત્મ માર્ગના પ્રવાસી માટે આત્મવિશ્વાસની સાથે-સાથે પરમાત્મવિશ્વાસની પણ જરૂર છે. આત્મવિશ્વાસ ક્યારેક અહંકારને જન્માવે છે જે સફળતા મેળવવામાં બાધક છે. જોકે શરણાગતિનો ભાવ કેળવીને, ભગવાન પર ભરોસો રાખીને સાધક ચાલે તો તેની યાત્રા સફળ થાય.

સંસારની યાત્રામાં ભગવાન આપણી સાથે છે એમ સમજીને વર્તીએ; પરંતુ એ કેવળ તમારા માટે જ બેઠો છે એવું માનવાને બદલે, એવું ધારવાને બદલે હરપળ અને હરદમ તમારી સાથે છે એવી ભાવના રાખો. આમ ઈશ્વર આપણી સાથે જ છે એમ માનીને સંસારમાં વર્તવાનું છે, પરંતુ એ આપણા માટે જ છે અને આપણા વતી બધું કામ કરશે એમ માનીને બેસવાનું નથી. 

- ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

culture news dharmik content lifestyle news life and style columnists