કર્મ જ્યારે પાકે ત્યારે ફળ આપે પણ હા, કેટલાંક કર્મ બહુ ઇન્સ્ટન્ટ ફળ આપે

27 February, 2026 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિવેક વગરની વ્યક્તિ પશુ સમાન છે. વ્યવહારમાં વિવેકથી આપણું પ્રત્યેક કર્મ આપણા મન પર અમીટ છાપ છોડી જાય છે

પ્રતીકાત્મક તસવીર

સત્કર્મના સાતત્યથી મન વિશુદ્ધ થાય અને સત્સંગના સાતત્યથી બુદ્ધિ દેવમયી થાય એટલા માટે સત્કર્મ અને સત્સંગ બન્ને બહુ મહત્ત્વનાં છે. આપણું પ્રત્યેક કર્મ આપણા મન પર અમીટ છાપ છોડી જાય છે. કર્મનું ફળ તો છે જ. જેવાં કર્મ કરશો એવું ફળ પામશો. પણ એ તો સામાન્ય વાત છે અને કર્મ ફળ આપ્યા વગર શાંત થતું નથી. સિવાય કે જ્ઞાની તેને પોતાના જ્ઞાનના અગ્નિમાં જલાવીને રાખ કરી દે, પરંતુ બધા જ્ઞાની હોતા નથી. તેથી કર્મનાં ફળ અવશ્ય ભોગવવાં પડે છે. 

ત્રણ કર્મ છે. ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. ક્રિયમાણ કર્મ એટલે આપણે જે કરી રહ્યા છીએ એ, સંચિત કર્મ એટલે જે કર્મ કરી ચૂક્યા છીએ પણ હજી જેનું ફળ નથી મળ્યું, જે જમામાં પડ્યાં છે એ કર્મ અને પ્રારબ્ધ એટલે જમા થયેલાં એ બધાં કર્મોનું એક કલેક્ટિવ આઉટકમ એટલે પ્રારબ્ધ. કર્મ ત્યારે ફળ આપે જ્યારે એ પાકે. દરેકને પાકતાં અલગ-અલગ સમય થાય. તમે અમુક વસ્તુ વાવો તો એ જલદી ઊગી જાય, અમુક વસ્તુને વાર લાગે. એમ કર્મ જ્યારે પાકે ત્યારે ફળ આપે. કેટલાંક કર્મ બહુ ઇન્સ્ટન્ટ પાકે, તરત ફળ આપે. અગ્નિમાં હાથ નાખો તો તરત દાઝો. કર્મનું ફળ તરત મળે. તમે જેમ-જેમ જમતા જાઓ એમ-એમ પ્રત્યેક ગ્રાસે તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષુધાનિવૃત્તિ એકસાથે થાય. દરેક ગ્રાસે તુષ્ટિ એટલે સંતોષ, પુષ્ટિ એટલે પોષણ અને ક્ષુધાનિવૃત્તિ એટલે દરેક ગ્રાસે ભૂખ મટે. એમ કેટલાંક કર્મ તરત ફળ આપી દે. કોઈકને ગાળ દીધી અને થપ્પડ મારી કે તરત ફળ મળે. કેટલાંક કર્મ એવાં હોય છે જેને પાકતાં વાર લાગે, પણ આ જન્મમાં ફળ મળે. તમે આજથી જ અનિયમિત જીવન શરૂ કરી દો અને પછી જન્ક ફૂડ, ફાસ્ટ ફૂડ ખાઓ. એ આજથી ખાઓ તો આવતી કાલે બીમાર ન પડો. એનું થોડા સમય પછી પરિણામ બહાર પડે. એ કર્મ પાકે ત્યારે એનું ફળ મળે. એટલે જીવનમાં વિવેક જરૂરી છે. 

વિવેક વગરની વ્યક્તિ પશુ સમાન છે. વ્યવહારમાં વિવેકથી આપણું પ્રત્યેક કર્મ આપણા મન પર અમીટ છાપ છોડી જાય છે. કર્મનું ફળ તો છે જ. જેવાં કર્મ કરશો એવું ફળ પામશો. કર્મ ફળ આપ્યા વગર શાંત થતું નથી એ કાયમ યાદ રાખવાની જરૂર છે સાથે-સાથે વેદાંત અભ્યાસ માટે જે સાધન ચતુષ્યની અપેક્ષા છે, એમાં પણ જે નિત્યાનિત્ય વસ્તુ વિવેક છે, સંપત્તિ અને દૃઢ મુમુક્ષા આ જે ચાર સાધન ચતુષ કહ્યાં એમાં પણ નિત્ય અને અનિત્યનો વિવેક એ પ્રારંભિક આવશ્યકતા છે.

- ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

(પ્રખર ભાગવતકાર ભાઈશ્રી ભાગવત-પ્રસાર ઉપરાંત પોરબંદરમાં સાંદીપનિ આશ્રમ દ્વારા નવી પેઢીમાં ધર્મભાવના જગાડવાનું કામ કરે છે)

culture news life and style lifestyle news exclusive vaishnav community