જન્મદિન વિશેષ: માણો રાજેશ વ્યાસની કેટલીક અદ્ભુત ગઝલો

16 October, 2021 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તેમણે સાહિત્ય સર્જનની શરૂઆત ૧૯૬૦માં જ કરી હતી. તેમણે ૧૯૭૩માં કવિલોકમાં તેમની પ્રથમ કવિતા પ્રસિદ્ધ કરી હતી.

રાજેશ વ્યાસ. ફોટો સૌજન્ય રાજેશ વ્યાસ `મિસ્કીન` ફેસબુક પેજ

અમદાવાદમાં જન્મેલા કવિ રાજેશ વ્યાસ તેમના ઉપનામ મિસ્કીનથી વધુ જાણીતા છે. રાજેશ વ્યાસે ગુજરાતી સાહિત્યમાં ડોક્ટેરટની પદવી મેળવી છે. તેમના અભ્યાસની વાત કરીએ તો તેમને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ વર્ષ ૧૯૭૮માં માનસશાસ્ત્ર, વર્ષ ૧૯૮૧માં ગુજરાતી સાહિત્યમાં બી.એ. અને ૧૯૮૩માં એમ.એ.ની પદવીઓ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. વર્ષ ૧૯૮૫માં ગુજરાત વિદ્યાપીઠમાંથી તેમણે એમ.ફીલ. પણ પૂર્ણ કર્યું હતું અને ત્યાર બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી ચંદ્રકાન્ત ટોપીવાળાના માર્ગદર્શન હેઠળ ગુજરાતી ગઝલ તેના વિવિધ પરિપ્રેક્ષ્યમાં પી.એચડી. કર્યું હતું.

વિકિપીડિયા પર ઉપલબ્ધ માહિતી અનુસાર તેમણે સાહિત્ય સર્જનની શરૂઆત ૧૯૬૦માં જ કરી હતી. તેમણે ૧૯૭૩માં કવિલોકમાં તેમની પ્રથમ કવિતા પ્રસિદ્ધ કરી હતી. ત્યારબાદ પરબ, કુમાર, કવિલોક, નવનીત સમર્પણ, શબ્દસૃષ્ટિ  અને તાદર્થ્ય જેવા અનેક સામયિકોમાં પોતાની કવિતાઓ પ્રગટ કરી હતી.

તેમને ગુજરાતી સાહિત્યને તુટેલો સમય (૧૯૮૩), છોડીને આવ તુ (૨૦૦૫), કોઇ તારુ નથી (૨૦૦૭), એ પણ સાચું આ પણ સાચું (૨૦૦૮), પહેલી નજર (૨૦૦૮), બદલી જો દિશા (૨૦૦૯), એ ઓરડો જુદો છે (૨૦૧૩), પાણિયારા ક્યાં ગયા? (૨૦૧૫), "એ સમથિંગ છે..."(૨૦૧૯) "મળેલાં જ મળે છે..." (૨૦૧૭), બા નો સાડલો (૨૦૧૫) છે.

તેમના આ અદ્ભુત સર્જન બદલ તેમને વર્ષ ૨૦૦૫માં હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર, ૨૦૦૯માં શૂન્ય પાલનપુરી પુરસ્કાર અને કલાપી પુરસ્કાર, ૨૦૧૦માં કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ૨૦૦૫માં તેમના પુસ્તક છોડીને આવ તું ને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દિલિપ મહેતા પુરસ્કાર મળ્યો હતો. ૨૦૧૪માં તેમને વલી ગુજરાતી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આવો માણીએ મિસ્કીનની કેટલીક ગઝલો.

તારું કશું ન હોય તો છોડીને આવ તું

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,
હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું.

પહેર્યું છે એ ય તું જ છે, ઓઢ્યું છે એ ય તું,
મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.

સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.

‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.

મૃગજળ

ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,
શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.

આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,
સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે.

સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,
આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે.

અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા,
કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ?

કેટકેટલું મથે ? દેહ પાછળ ને પાછળ,
મન હંમેશાં આગળ થઈને ચાલ્યું આઘે.

પથ્થરનો અવતાર મળ્યો આ જન્મે મિસ્કીન,
શું ય હશે જે ખળખળ થઈને ચાલ્યું આઘે…

આવી હશે

એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.

ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે,
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે.

હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.

શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.

ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.

ગુલાલ મળે

જુદા જુદા ધરમ મળે જુદા ખયાલ મળે,
નવાઈ છે કે સૌનું લોહી તો ય લાલ મળે.

એ ખજાનો હશે ખુશીનો ઉઘાડી જોજે,
તને જે આદમી ઉપરથી પાયમાલ મળે.

ઉપાય એ જ હશે તારી સૌ સમસ્યાનો
પાતાળ સાત તોડી જે તને સવાલ મળે.

આ કોણ આવીને બેઠું છે મારી આંખમાં,
ભરું હું મુઠ્ઠી ધૂળની અને ગુલાલ મળે.

કોણ અક્ષર નથી ઓળખતું ઓ ખુશી, તારા
અધૂરા સરનામે ય પણ મને ટપાલ મળે.

આંગણે કોડિયું ‘મિસ્કીન’ એક મૂકવું છે,
ફક્ત જો એક ઘડીભર વીતેલ કાલ મળે.

રેતીના મિનારા નીકળ્યા

જે પળે આયુષ્યના ખાલી પટારા નીકળ્યા,
સૌ ઉપરછલ્લા ઘડીભરના ઠઠારા નીકળ્યા…

સ્હેજ જ્યાં ભીતર ગયા સંબંધ શું છે જાણવા,
આ સગાંવ્હાલાંય ઝાકળના ઝગારા નીકળ્યા…

કોણ બીજું જાય વરસી? એ જ અંધાર્યા હતા,
ભરદુકાળે વાદળાં જેવા મૂંઝારા નીકળ્યા…

કેટલાં વરસો થયાં’તાં આમ તો એ વાતને,
કોઈ ફૂંકીને ગયું તાજા તિખારા નીકળ્યા…

કોઈની પાસે કરી બે વાત મન ખોલી અહીં,
ગઈ વગાડી બોલનારા સૌ નગારાં નીકળ્યાં…

હરવખત લાગ્યું અચાનક ધાડ પાડીને ગયા,
દોસ્ત! પોતાનાંય આ આંસુ લુંટારા નીકળ્યાં…

મ્હેલ સોનાના ગગનચુંબી જે દેખાતા હતા,
આંચકો આવ્યો તો રેતીના મિનારા નીકળ્યા…

culture news gujarati mid-day