25 September, 2026 01:57 PM IST | Mumbai | Darshini Vashi
વનતારા ગણપતિ થીમ
કાંદિવલીમાં રહેતા ચિંતન મહેતાના ઘરે છેલ્લાં ૩૭ વર્ષથી ગણપતિબાપ્પાની પધરામણી કરવામાં આવે છે. આ વર્ષે તેમણે ઘરમાં ગણેશજીની દોઢ ફુટની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિની સ્થાપના કરી હતી. એની થીમ હતી ‘જામનગર રિફાઇનરીથી વનતારા સુધી – ઉદ્યોગ અને વન્યજીવ સંરક્ષણનો અનોખો સંગમ’.
આ થીમ હેઠળ તેમણે ઘરમાં જામનગરની ઝલક ઊભી કરી હતી. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગરની રિફાઇનરીથી પ્રેરણા લઈને એક વિશાળ અને નાનામાં નાની વિગતો સાથેની મિનીએચર ઑઇલ રિફાઇનરી તૈયાર કરી હતી. એમાં ઑઇલ રિફાઇનરી કેવી રીતે કાર્ય કરે છે એની વિવિધ બાબતો દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત એમાં ઇન્ડસ્ટ્રિયલ સ્ટ્રક્ચર્સ, પાઇપલાઇન્સ, પાણીનો પ્રવાહ અને ડિસ્ચાર્જ સિસ્ટમ તેમ જ અન્ય અનેક નાની-નાની વિગતો સામેલ કરવામાં આવી હતી જેથી આખી રિફાઇનરી લાઇવ વર્કિંગ રિફાઇનરી જેવી અનુભૂતિ આપે.
એવી જ રીતે વનતારાની પણ સુંદર અને વિગતવાર રચના કરવામાં આવી હતી. એમાં પ્રાણીઓની સંભાળ, સારવાર અને સંરક્ષણની દુનિયાને ગણપતિના શણગારમાં રજૂ કરવામાં આવી હતી. એમાં હાથી માટે હૉસ્પિટલ બનાવવાની સાથે એમના માટેનું સારવાર અને કૅર સેન્ટર, સ્વિમિંગ-પૂલ, રમતગમતનો વિસ્તાર, પ્રાણીઓ માટેનાં વિવિધ હૅબિટેટ્સ અને ઝૂ એરિયા, વૉટર લાઇન્સ અને લાઇવ ઇફેક્ટ્સ, વિવિધ ઍનિમલ કૅર સુવિધાઓ વગેરે બનાવ્યાં હતાં.
ચિંતન મહેતાએ કહ્યું હતું કે ‘જામનગર રિફાઇનરી અને વનતારાને એકસાથે રજૂ કરવાનો અમારો વિચાર એ છે કે ઉદ્યોગ અને વન્યજીવ સંરક્ષણ જેવી બે અલગ દુનિયાને એક જ સર્જનાત્મક થીમમાં સુંદર રીતે જોડવામાં આવે. ગુજરાતની ધરતીની ઝલક દર્શાવવાની સાથે અમે આ થીમની સાથે વધુ જોડાવા કપડાં પણ જામનગરનાં પ્રખ્યાત એવાં બાંધણીનાં જ પહેર્યાં હતાં તેમ જ દર્શન માટે આવનારા લગભગ ૩૦૦ જેટલા લોકોને જામનગરી અને સૌરાષ્ટ્રનો પ્રખ્યાત નાસ્તો પીરસ્યો હતો. અમારા પરિવાર માટે ગણપતિ માત્ર તહેવાર જ નથી; લાગણી, પરંપરા અને ૩ પેઢીને એકસાથે લાવતો સુંદર ઉત્સવ છે. દર વર્ષે અમારા ઘરની ૩ પેઢી ગણપતિનું તમામ ડેકોરેશન જાતે અને સાથે મળીને જ કરે છે. આજ સુધી અમે ક્યારેય બહારના કોઈ ડેકોરેટરને બોલાવ્યો નથી. ડિઝાઇન અને પ્લાનિંગથી લઈને નાની-નાની દરેક વસ્તુ બનાવવી, રંગકામ કરવું, ઍસેમ્બલ કરવું અને અંતિમ ફિનિશિંગ સુધીનું સમગ્ર કામ પરિવારના સભ્યો પોતાના હાથે કરે છે. અમારું માનવું છે કે ઉજવણી સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ એટલી જ મહત્ત્વની છે. તેથી દર વર્ષે અમે શક્ય એટલી ઇકો-ફ્રેન્ડ્લી વસ્તુઓનો ઉપયોગ કરીને ગણપતિનો શણગાર તૈયાર કરીએ છીએ. એક મહિના પહેલાંથી અમે આ થીમ પાછળ મહેનત કરી હતી. બધા સભ્યો પોતાની યથાશક્તિ મુજબ સતત મદદ કરતા હતા. અમારું સમગ્ર ડેકોરેશન આશરે ૮ ફુટ × ૪ ફુટના વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.’
- દર્શિની વશી