પ્રાપ્તિને બદલે પાત્રતા પર જે પસંદગી ઉતારે તેના વિચારોમાં તમને સૌમ્યતા દેખાશે

14 October, 2025 01:22 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

જ્યારે પ્રાપ્તિને બદલે પાત્રતાના વિકલ્પ પર જેણે પણ પસંદગી ઉતારી તેની વિચારશૈલી, સ્વભાવશૈલી અને જીવનશૈલી એ ત્રણેયમાં તમને સંવાદિતા જોવા મળ્યા વિના નહીં રહે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

એક વિકલ્પ છે પ્રાપ્તિનો, બીજો વિકલ્પ છે પાત્રતાનો. પ્રાપ્તિના વિકલ્પ પર જેણે પણ પસંદગી ઉતારે તે રાત-દિવસ, ઘર-બહાર એની પ્રાપ્તિ માટે સહુની સાથે સંઘર્ષો કરતો જ રહેવાનો. પ્રાપ્તિ ખાતર તે નહીં જુએ ધર્મ શું અને અધર્મ શું. તે નહીં વિચાર કરે પુણ્યનો પણ અને પાપનો પણ, તે નહીં જુએ સજ્જન કે દુર્જનને. કોઈ પણ રસ્તે, કોઈ પણ વ્યક્તિ સાથે મેળ પાડી દેવા તે તૈયાર થઈ જશે જો તેને ઇચ્છિતની પ્રાપ્તિ થઈ જતી હશે તો અને એમાં જો કોઈક ગરબડ ઊભી થયાનું તેને દેખાશે તો સજ્જન શિરોમણિનો ત્યાગ કરી દેતાંય તે પળનો વિલંબ નહીં કરે.

જ્યારે પ્રાપ્તિને બદલે પાત્રતાના વિકલ્પ પર જેણે પણ પસંદગી ઉતારી તેની વિચારશૈલી, સ્વભાવશૈલી અને જીવનશૈલી એ ત્રણેયમાં તમને સંવાદિતા જોવા મળ્યા વિના નહીં રહે. તેના વિચારોમાં તમને સૌમ્યતા દેખાશે, તેના સ્વભાવમાં તમને શીતળતાનો અનુભવ થશે, તેના જીવનમાં તમને મર્યાદાનું પાલન દેખાશે. કારણ આ એક જ, તેની નજર પોતાની પાત્રતાને વિકસિત કરવા તરફ જ કેન્દ્રિત થયેલી હશે.

અરે, પ્રાપ્તિનો યશ પણ તે પોતાની પાત્રતાને નહીં આપતાં સામેની ઉદારતાને આપતો હશે અને અપ્રાપ્તિના મૂળમાં તે પોતાની અપાત્રતાને જ જવાબદાર માનતો હશે. આવો આત્મા પોતાની પાત્રતાને વિકસિત કરવા ગલત રસ્તે જવા તૈયાર નહીં થતો હોય, પ્રાપ્તિ માટે તે ‘કંઈ પણ’ કરી લેવાના વિચારવાળો નહીં હોય.

એક બાજુ પ્રાપ્તિ-પાત્રતાવાળા જીવોથી આ સંસાર વ્યાપ્ત છે તો બીજી બાજુ ફરિયાદ-ધન્યવાદની વૃત્તિવાળા જીવોથી પણ આ સંસાર વ્યાપ્ત છે. ગમેતેટલું મળે પણ ઓછું જ લાગે, આવા જીવો આવવાના ફરિયાદી વૃત્તિવાળામાં તો અલ્પ પણ મળે તો પણ ઘણું જ લાગે, આવા જીવો આવવાના ધન્યવાદની વૃતિવાળામાં. ફરિયાદી વૃત્તિવાળા સદાય રહેવાના દુખી અને ધન્યવાદની વૃત્તિવાળા સદાય રહેવાના સુખી. પ્રથમ નંબરવાળાને પ્રભુ પણ પ્રસન્ન નહીં કરી શકે તો બીજા નંબરવાળાને ગુંડો પણ અપ્રસન્ન નહીં બનાવી શકે. તપાસતા રહેજો મનને. આપણો નંબર શેમાં છે? પ્રાપ્તિ પાછળ જ પાગલ બન્યા રહેનારામાં કે પછી પાત્રતાને વિક્સિત કરવા પ્રયત્નશીલ બન્યા રહેનારામાં? સતત ફરિયાદ કરતા રહેનારામાં કે પછી ધન્યવાદની લાગણી અનુભવતા રહેનારામાં?
તમારો નંબર જો જાણી શકશો તો જ તમને ખબર પડશે કે તમારે કઈ દિશામાં હવે જાતને લઈ જવાની છે. પહેલા નંબરવાળામાં જો જાતને જુઓ તો હજી પણ સમય છે એવું સમજીને આજથી જ સુધારો કરવાનું શરૂ કરી દેજો અને જો જાત બીજા નંબરવાળામાં હોય તો પરમાત્માનો આભાર માનીને પ્રસન્નતાનો સાક્ષાત્કાર કરજો.

culture news life and style lifestyle news columnists