સેલ્ફી વિથ રાખીના વિનર્સને અભિનંદન

05 September, 2021 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હજારો સંદેશાઓને ધીરજપૂર્વક વાંચીને પસંદગી કરવાનો અનુભવ કેવો રહ્યો એ હિતેનભાઈના જ શબ્દોમાં વાંચો... 

રક્ષાબંધન, રાખી વિથ સેલ્ફી કૉન્ટેસ્ટ

ત્રણ બહુ જ સુંદર મેસેજ મોકલનાર વિનર્સને ‘મિડ-ડે’ના અભિનંદન. તેમને ક્રાઉન ફૂડ્સનું ગિફ્ટ હૅમ્પર્સ તો મળે જ છે, પણ સાથે મળે છે સ્ટ્રે્ન્ડ ડેન્માર્કની બે સુપર્બ રિસ્ટ વૉચ. સાથે આભાર માનીએ અમારા જજ હિતેન આનંદપરાનું. મૂળ ​કવિ હિતેનભાઈએ પસંદ કરેલા ત્રણ બેસ્ટ મેસેજિસ નીચે આપ્યા છે. 

પ્રેમલતા શાહ અને બકુલ દોશી
હેતને અવનિ પર ઊતરવું હતું, સ્નેહને સરવું હતું સૃષ્ટિ ઉપર, વિશ્વકર્માને નિર્દોષતાની નાની આકૃતિ સર્જવી હતી ત્યારે બ્રહ્માએ સર્જન કર્યું મારી બહેન તારું. હેત, સ્નેહ અને નિર્દોષતાની ત્રિમૂર્તિ.

પ્રણવ અને પ્રતીક્ષા અમલાણી
બહેન રાખડી બાંધે ભાઈ ભેટ આપે સાથે એકબીજાને 
વચન આપે કે 
ભાઈ તું મમ્મી પપ્પાને ક્યારેય વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે પાક્કું 
બહેન તું પણ તારા પતિને માબાપથી અળગો નહીં કરે

દક્ષા માલદે અને હિરેનભાઈ તથા રાજુભાઈ
ભાઈ-બહેનનું પ્રતીક આંખના એક પલકારામાં એ વર્ષો વીતી ગયાં. જીવનની આટીઘૂંટીમાં ક્યાંક ખોવાઈ ગયા. ચાલને ભાઈ આપણે આજે પાછાં એ વર્ષોને જીવી લઈએ, નાનપણની જેમ પાછાં આપણે લડી લઈએ.

જજનું શું કહેવું છે?

સેલ્ફી વિથ રાખી કૉન્ટેસ્ટમાં હજારો વાચકોએ ભાઈ-બહેનના પ્રેમની ઉજવણીના અવસરમાં ‘મિડ-ડે’ને સાક્ષી બનાવ્યા અને તેમના અંતરની લાગણીઓ સંદેશરૂપે શૅર કરી. સેલ્ફીની સાથે લખેલા સંદેશાઓમાંથી બેસ્ટમબેસ્ટ મેસેજિસની પસંદગીની કપરી જવાબદારી નિભાવી હતી ‘મિડ-ડે’ના કૉલમિસ્ટ, કવિ, નાટ્યલેખક હિતેન આનંદપરાએ. સ્વ. સુરેશ દલાલની નિશ્રામાં કવિતાજગતમાં કદમ માંડનારા હિતેનભાઈએ ગુજરાતી ફિલ્મો અને સિરિયલોનાં ગીતો તેમ જ સંવાદલેખનનું પણ કામ કર્યું છે. છ જેટલી બાયોગ્રાફીનું લેખન, સંપાદન તેમણે કર્યું છે. 
હજારો સંદેશાઓને ધીરજપૂર્વક વાંચીને પસંદગી કરવાનો અનુભવ કેવો રહ્યો એ હિતેનભાઈના જ શબ્દોમાં વાંચો... 
‘સેલ્ફી વિથ રાખી માટે મળેલા પ્રત્યેક સંદેશામાં ભાઈ-બહેનનો અપ્રતિમ ઉમળકો અને ઉત્સાહ છલકાતો જોવા મળ્યો. ક્યાંક સંદેશ કૉપી-પેસ્ટ લાગ્યો તો ક્યાંક લાગણીની પીંછીમાં અંતરનો સાદ સંભળાતો હતો. સાહજિક છે કે બાળકો અને યંગસ્ટર્સનો મેસેજ વડીલોએ લખ્યો હોય, પણ આ કારણે બે-ત્રણ પેઢી સંકળાઈ એ આનંદની બીના છે. ઘણા મેસેજ સારા હતા, પણ ૩૦૦ શબ્દોની મર્યાદા વળોટી ગયા. કેટલાક મેસેજ સારા હતા, તો તસવીરમાં ટેક્નિકલ સમસ્યાઓ હતી. ખેર, આ બધામાં મૂળ વાત તો અભિવ્યક્તિની છે. ઉલ્લેખનીય કહી શકાય એવી બાબતમાં એક દીકરીએ ગણપતિને ભાઈ બનાવ્યા એ વાત સ્પર્શી ગઈ, તો બે બહેનોએ એકબીજાને રાખડી બાંધી ભાઈની કમી પૂરી કરી બતાવી. આખરે આ કૉન્ટેસ્ટમાં ભાગ લેનારા તમામ અભિનંદનના અધિકારી છે. આ ચાર પંક્તિ સાથે ભાઈ-બહેનના અનેરા સંબંધને વંદન.’
સ્નેહ સૂતરનો સવાયો હોય છે  
પ્રેમ તંતોતંત સમાયો હોય છે 
એટલે તો બહેન મૂકે છે ભરોસો  
કેમ કે માડીનો જાયો હોય છે 
- હિતેન આનંદપરા 

raksha bandhan