શું ચાતુર્માસમાં ખરેખર પોઢી જાય છે દેવો? તેઓ આવતી કાલે ફરી ઊઠશે?

11 November, 2024 08:45 AM IST  |  Mumbai | Mukesh Pandya

દશેરાથી જ દેવો અને ગ્રહોની શક્તિ પૃથ્વી પર પધારવા માંડે છે એટલે દશેરા પણ શુભ કાર્ય અને શક્તિપૂજા માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે.

પ્રતીકાત્મક તસવીર

આવતી કાલે વર્ષની પહેલી એકાદશી જે દેવઊઠી એકાદશીના નામે ઓળખાય છે. સંપૂર્ણ વર્ષ દરમિયાન એકાદશી તો કુલ ૨૪ આવતી હોય છે અને અધિકમાસ હોય એ વર્ષમાં આ આંક ૨૬ સુધી પહોંચી જતો હોય છે. પરંતુ વર્ષની આ તમામ એકાદશીઓમાં જેનું અદકેરું જ મહત્ત્વ છે એ છે પ્રબોધિની એકાદશી અર્થાત દેવઊઠી એકાદશી. ગુજરાતી પંચાંગ અનુસાર દેવઊઠી એકાદશી વર્ષની સર્વપ્રથમ એકાદશી છે. કારતક માસના સુદ પક્ષમાં આવતી આ અગિયારસનું એક આગવું જ મહત્ત્વ છે.

દેવઊઠી એકાદશીથી જ શુભ કાર્યોનો પ્રારંભ થતો હોય છે. આ દિવસે તુલસી-શાલિગ્રામના વિવાહ થાય છે અને માંગલિક કાર્યોનો પણ આારંભ થાય છે

ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ અષાઢ માસની સુદ પક્ષની એકાદશીથી ચાર મહિના માટે પોઢી જાય છે. ત્યાર બાદ એ કારતક માસની સુદ પક્ષની એકાદશીએ જાગે છે. કહે છે કે આ જ તિથિએ શ્રીહરિ વિષ્ણુ રાજા બલિના રાજ્યમાંથી ચાતુર્માસનો વિશ્રામ પૂર્ણ કરીને વૈકુંઠમાં પાછા આવે છે.

એક કથા અનુસાર દેવતાઓની સહાયતા માટે શ્રીહરિએ વામન રૂપ ધરી બલિરાજા પાસે દાનનું વચન લીધું અને પછી ત્રણ વિરાટ પગલાં દ્વારા ત્રિભુવનને માપીને બલિની સત્તામાંથી મુક્ત કર્યું.  બલિરાજાને પાતાળ લોકમાં મોકલ્યા તો સામે બલિરાજાએ પણ શ્રીવિષ્ણુ પાસે વચન માગી લીધું કે તે સદૈવ તેમની સાથે રહી પાતાળલોકની સુરક્ષા કરશે. વચનના લીધે શ્રીવિષ્ણુ પાતાળલોકમાં રહેવા લાગ્યા પરંતુ વૈકુંઠમાં વસતાં દેવી લક્ષ્મીને વિષ્ણુ વિરહ સહન ન થતાં રાજા બલિને રાખડી બાંધી ભગવાન વિષ્ણુને વચનમુક્ત કરાવ્યા. લક્ષ્મીનારાયણ વૈકુંઠ પરત ફર્યા પણ કહે છે કે રાજા બલિનું માન રાખવા શ્રીહરિ દર વર્ષે ચાર માસ માટે પાતાળ લોકમાં જાય છે અને તે કારતક મહિનાની પ્રબોધિની એકાદશીએ પાતાળ લોકમાંથી બહાર આવે છે. એ જ કારણ છે કે આ અવસર શ્રીહરિની કૃપાને પ્રાપ્ત કરવા માટે સૌથી શ્રેષ્ઠ મનાય છે.

દેવઊઠી એકાદશીના દિવસે તુલસીવિવાહ કરવામાં આવે છે અને ત્યાર બાદ સામાન્ય માણસ પણ લગ્ન-વિવાહ કરી શકે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર રાજસૂય યજ્ઞ કરવાથી જેટલું પુણ્ય મળે એનાથી વધુ પુણ્ય આ એકાદશીનું વ્રત કરવાથી મળે છે. કહે છે કે દેવઊઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

દેવપોઢી-દેવઊઠી એકાદશી અને ભૌગોલિક તાત્પર્ય

પૌરાણિક માન્યતા અનુસાર જગતના પાલનહાર શ્રી વિષ્ણુ ચાર મહિના યોગનિદ્રામાં પોઢવા  અષાઢ સુદ એકાદશીએ આપણાથી દૂર પાતાળ લોકમાં જાય છે.

આ દિવસથી ભગવાનનો પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી  જાય છે એટલે આપણે એને દેવશયની અથવા દેવપોઢી એકાદશી તરીકે ઓળખીએ છીએ. હકીકતમાં થાય છે એવું કે ભારતમાં ચાતુર્માસ અર્થાત ચોમાસાના ચાર મહિના એટલે વરસાદના દિવસો. આ સમયમાં ભગવાન વિષ્ણુનું સૃષ્ટિપાલનનું  કાર્ય જેનાથી શક્ય બને છે એ તમામ દૈવી શક્તિઓ સૂર્ય, ચંદ્ર, તારા અને મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ જેવા ગ્રહો સતત વાદળો પાછળ ઢંકાયેલાં રહે છે અને આપણે એમનાં શક્તિરૂપી કિરણોથી વંચિત રહીએ છીએ. એને કારણે બધા દેવો સૂઈ ગયા હોય એવી લાગણી થાય છે એટલે વર્ષાઋતુના પ્રથમ મહિના અષાઢમાં આવતી એકાદશી દેવપોઢી એકાદશી તરીકે પ્રખ્યાત થઈ. સામાન્ય રીતે આપણે દરેક સાંસારિક કે સામાજિક કામ ભગવાનની સાક્ષીએ કરતા હોઈએ છીએ.

પણ આ ઋતુમાં વાદળાં અને વરસાદને કારણે દૈવી શક્તિની હાજરી વર્તાતી નથી એટલે કોઈ શુભ કાર્યની શરૂઆત કરતા નથી. આ ચાર માસમાં ઉપવાસ-પૂજાપાઠ અને સંયમ વ્રતો દ્વારા પ્રભુની ઉપાસના તેમ જ સત્સંગમાં વ્યસ્ત રહીએ છીએે.

જોકે અષાઢ-શ્રાવણ-ભાદરવો-આસો આ ચાર માસ વાદળાં વરસી ગયા પછી નવા વર્ષે સૂર્ય-ચંદ્ર સહિતની બ્રહ્માંડની તમામ શક્તિઓ પૂર્ણપણે આપણા સંપર્કમાં આવે છે.

જાણે કે તમામ દેવો અને તેમની અત્યાર સુધી રોકાઈ રહેલી શક્તિ (કૉસ્મિક એનર્જી)થી આશીર્વાદ આપવા બમણા વેગે પૃથ્વી પર આવે છે. એમ લાગે છે કે ચાતુર્માસ પછી આ દેવો ફરી જાગૃત થયા. આથી કારતક સુદ એકાદશી દેવઊઠી એકાદશી તરીકે પ્રખ્યાત થઈ છે.

દૈવી શક્તિની હાજરીમાં કોઈ પણ શુભ કાર્યને સફળ બનાવવામાં મદદ મળે છે. દશેરાથી જ દેવો અને ગ્રહોની શક્તિ પૃથ્વી પર પધારવા માંડે છે એટલે દશેરા પણ શુભ કાર્ય અને શક્તિપૂજા માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે.

દેવઊઠી એકાદશીથી પૂર્ણિમા (દેવદિવાળી) સુધી ભારતમાં અનેક જગ્યાએ પાલનહા૨ વિષ્ણુનાં શાલિગ્રામરૂપે અતિ પવિત્ર તુલસી સાથે લગ્ન કરાવવામાં આવે છે. ત્યાર બાદ મનુષ્યો પણ લગ્ન,  સગાઈ કે અન્ય શુભ કાર્યોનો પ્રારંભ કરે છે. વિષ્ણુને તુલસી ચડાવવાથી તે પ્રસન્ન રહે છે. આ જ તુલસીનું શિયાળામાં આપણે ઔષધરૂપે સેવન કરીએ તો આપણાં તન-મન પણ સ્વસ્થ અને પ્રસન્ન  રહે છે.

culture news life and style columnists diwali festivals