ગંગાસ્નાન તન પવિત્ર કરે, પણ ભક્તિની ભાગીરથી તો જીવાત્માને નિષ્પાપ બનાવે

22 May, 2025 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રી હરિના ભજનમાં રસ છે. આનંદ છે. ભક્તો એ રસપૂર્વક સ્વીકારે છે.

પ્રતીકાત્મક તસવીર

સ્વાન્તઃ સુખનો બીજો અર્થ એવો પણ થાય છે કે ભગવાન સૌનો અંતર્યામી છે. ભક્ત જ્યારે ભગવાનનાં ગુણગાન કરે છે ત્યારે અંતરમાં બેસેલા પ્રભુને રીઝવવા માટે કરે છે.
બેસીને ગાય ત્યાં ઊભો-ઊભો સાંભળું ઊભો-ઊભો ગાય ત્યાં નાચું રે વૈષ્ણવ જનથી હું પળ નથી અળગો, ભણે નરસૈંયો સાચું રે.

નરસૈયાનો સ્વામી તો ત્યાં સુધી ગાય છે કે મારો ભક્ત આસન પર બિરાજીને મારાં ગુણગાન કરે છે તો હું ખડે પગે ઊભો રહીને કથાશ્રવણ કરું છું. તેમ જ જો મારો ભક્ત ઊભો-ઊભો નૃત્ય સંકીર્તન કરતો મારાં ગુણગાન કરે તો હુંય તેની સાથે નાચવા લાગું છું.

ભક્ત કદાચ વાણી વડે કે કાયા વડે સેવા ન પણ કરી શકે તો પણ પૂર્વજન્મમાં થયેલા પ્રભુમિલનનું સ્મરણ તેને સુખી બનાવી દે છે. ભક્તિનું સુખ કદી છૂટતું નથી. ભરતજી બીજા જન્મમાં હરણ થયા તોય ત્યાં તેમણે પૂર્વજન્મનાં સ્મરણ ભજનાદિકમાં જ ચિત્ત પરોવી રાખ્યું હતું, પોતાની મૃગ જનેતા કે અન્યમાં નહીં.

શ્રી હરિના ભજનમાં રસ છે. આનંદ છે. ભક્તો એ રસપૂર્વક સ્વીકારે છે. ભક્તિમાર્ગ વિવશતાનો માર્ગ નથી પરંતુ ભક્તોએ આનંદપૂર્વક સ્વીકારેલો માર્ગ છે.

ભગવાનની કૃપા થવામાં કદાચ વિલંબ થાય. પ્રભુ ધૈર્યની કસોટી કરે તોય ભક્તો સ્મરણ-ભજન છોડતા નથી કેમ કે રસપૂર્વક સ્વરુચિથી પૂર્વનાં સુખદ સ્મરણોથી પ્રેરાઈને જે માર્ગ સ્વીકાર્યો હોય એ કદી ન છૂટે.

ભક્તિધારા જ્યાં-ત્યાં નથી વહેતી, ભક્તિરૂપી ભાગીરથી તો સત્સંગમાં જ વહે છે. ભક્તિરૂપી ગંગાજી, જ્ઞાનરૂપ સરસ્વતીજી અને કર્મરૂપ કાલિંદીજીનો અહીં અપૂર્વ ત્રિવેણી સંગમ થાય છે.
ભક્તિ ગંગા છે. ગમેતેટલાં ઝરણાં, નાળાં કે નદીઓ ગંગાજીમાં આવી મળે પછી એ ગંગાજી કહેવાય છે એમ સર્વ સાધનો ભક્તિમાં મળે છે. ભક્તિ મહાધારા છે. અખંડ વહેતી અને ભગવાન સુધી વહાવી લઈ જનારી જીવનને નિષ્પાપ કરીને પ્રભુચરણે પધરાવનારી આ દિવ્ય નદી છે. એનું પ્રાગટ્ય શ્રી હરિનાં ચરણમાંથી જ છે.

ભાગીરથી ગંગામાં નહાવું હોય તો આપણે પ્રયાગ સુધી જવું પડે, પણ ભક્તિરૂપી ભાગીરથી તો આપણે જ્યાં હોઈએ ત્યાં આવીને આપણને પવિત્ર કરે છે. ભાગીરથી ગંગામાં નહાવા માટે દાન દક્ષિણા પણ કરવાં પડે. જ્યારે વિનામૂલ્યે આ ભક્તિની ભાગીરથીમાં સ્નાન કરી શકાય છે.

ગંગા માત્ર તન પવિત્ર કરે છે, જ્યારે આ ભક્તિની ભાગીરથી તો જીવાત્માને નિષ્પાપ બનાવે છે. માયાને તરવાનાં ઘણાં સાધનો છે પણ ભક્ત કેવળ ભક્તિથી અનાયાસે માયાને તરી જાય છે.

- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી

life and style culture news columnists vaishnav community