05 October, 2025 01:22 PM IST | Mumbai | Alpa Nirmal
લક્ષ્મી અને કાલી મંદિર
કહે છે કે અહીંની લક્ષ્મીમાતાની મૂર્તિ કોલ્હાપુરનાં મહાલક્ષ્મીમાતાની પ્રતિમા જેવી છે. આથી આ માતાને દક્ષિણા કોલ્હાપુરદમ્મા પણ કહેવાય છે.
દુર્ગામાતાએ વિદાય લીધી છે અને લક્ષ્મીજી ભૂલોક આવવાની તૈયારી કરી રહ્યાં છે ત્યારે આપણે જઈએ દિવાળી પર્વમાં ખાસ સ્મરણ કરાતાં માતા લક્ષ્મી અને કાલી મંદિરમાં. હા, આ મંદિર કમલનયનીનું પ્રાચીન મંદિર તો છે એ ઉપરાંત અહીં સૌમ્ય કાલી માતાનું સ્વરૂપ છે જે રૅરેસ્ટ રૅર ગણી શકાય. એ સાથે જ અન્ય અનન્ય વાત એ છે કે રાજાશાહીના વખતમાં રાજાએ નહીં પણ એક વેપારીએ આ અદ્ભુત મંદિરનું નિર્માણ કરાવ્યું છે.
તો વાત ઈ. સ. ૧૧૧૩ની છે જ્યારે દક્ષિણ ભારતના આ વિસ્તારમાં હોયસલ રાજવીઓના સામ્રાજ્યનો સૂરજ તપતો હતો. પ્રજાવત્સલ અને પરાક્રમી રાજા વિષ્ણુવર્ધનના રાજ્યમાં વેપારીઓથી લઈ મજૂરો સુધીનો તમામ લોકવર્ગ સુખ-શાંતિથી રહેતો હતો. પાડોશી રાજ્યોની સરખામણીએ હોયસલ ડાઇનેસ્ટી શાસિત પ્રદેશ અનેકગણો વિશાળ હોવાથી રાજા તેમ જ પ્રજાને યુદ્ધ કે દુશ્મન દેશોની ચડાઈની ભીતિ નહોતી.
મોટા ભાઈ વીર બલ્લાલ પ્રથમના મૃત્યુ બાદ હોયસલ સામ્રાજ્યની સત્તા સંભાળનાર આ રાજાને ચૌલ રાજવીઓને પરાસ્ત કરવા માટે આજે પણ યાદ કરાય છે. ઇતિહાસકારોએ નોંધ્યું છે કે વિષ્ણુવર્ધનના દૂરંદેશી ભરેલા નેતૃત્વથી તેમના પ્રદેશને રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો. મૂળે જૈનધર્મી પરંતુ પાછળથી વૈષ્ણવ ધર્મ પાળતા આ રાજાના રાજ્યકાળમાં વેપાર-ધંધામાં પણ ખૂબ તેજી રહી. સ્થાનિક વેપારીઓ દૂર-દૂરના દેશો, રાજ્યો સાથે બેરોકટોક બિઝનેસ કરતા. એ દરમ્યાન કાશ્મીરના વેપારી કુલ્હન્ના રાહુતાએ એ સમયના મોટા નગર દોડ્ડાગડ્ડાવલીમાં મા લક્ષ્મી, મા કાલી, વિષ્ણુજી અને શંકર ભગવાનને સમર્પિત મંદિરનું નિર્માણ કરાવ્યું જે હજાર વર્ષથી એ ગાળાની સમૃદ્ધિની શાખ પુરાવે છે.
સ્થાનિક લોકોની માન્યતા અનુસાર કુલ્હન્ના હીરા, રત્નોના વેપારી હતા. કાશ્મીરમાં તેમની માલિકીની અનેક ખાણો હતી જ્યાંથી મળતાં કીમતી નીલમ, પન્ના, માણેક, પુખરાજ, હીરા તેઓ દક્ષિણ ભારતના રાજાઓ, વેપારીઓ, શાહુકારોને ઊંચી કિંમતે વેચતા. જોકે કેટલાકના મતે રાહુતા મહારાષ્ટ્રના નાગરિક હતા. એ જે હોય તે, પણ હકીકત એ છે કે કુલ્હન્નાને દક્ષિણી રાજ્યોમાં રત્નોની મોંમાગી રકમ મળતી. આથી ખુશ થઈને તેમણે અને તેમનાં પત્ની સહજાદેવીએ આ પ્રદેશના લોકોને મા લક્ષ્મીનું મંદિર ભેટ આપવાનું વિચાર્યું અને આ યુગલે મંદિરના બાંધકામમાં સ્વયં ધ્યાન રાખી એને ઉત્કૃષ્ટ બનાવડાવ્યું. આ મંદિરની વાસ્તુકલા અને નિર્માણ શૈલી રિયલી અનુઠી છે અને કહે છે કે આ મંદિર પછી હોયસલા રાજ્યકાળમાં જેટલાં મંદિરો કે સ્થાપ્ત્યો બન્યાં એની પ્રેરણા દોડ્ડાગડ્ડવલીના મંદિરમાંથી લેવામાં આવી છે.
હવે પ્રવેશ કરીએ આ મંદિરમાં. ભારતીય પુરાતત્ત્વ ખાતાને અધીન આ મંદિરની બહારની બાજુએ સરસ ટ્રિમ્ડ લૉન મુલાકાતીઓનું સ્વાગત કરે છે. મંદિરમાં જવાની વ્યવસ્થિત પગદંડી છે. ત્યાર બાદ મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશ કરો એટલે આખું ટેમ્પલ કૉમ્પ્લેક્સ નજરે ચડે છે. યસ, અહીં ૯ નાનાં-મોટાં મંદિર છે જેમાં મુખ્ય દેવળ ચતુષ્કુટા છે. એકબીજાથી કનેક્ટેડ પણ ચારેય દિશામાં એક-એક એમ ચાર મંદિરના સમૂહને ચતુષ્કુટા મંદિર કહેવાય છે. આ ચતુષ્કુટા મંદિરમાં અનેક સ્તંભયુક્ત પોર્ચ દ્વારા દાખલ થવાય છે. જનરલી અન્ય મંદિરોમાં સ્તંભો પર ધર્મકથા કે દેવી-દેવતાનાં શિલ્પો જોવા મળે. જ્યારે અહીંના સ્તંભો પર સર્ક્યુલર આડી લાઇનો છે જે જોવામાં બ્યુટિફુલ લાગે છે. વળી એની સ્ટાઇલ પણ અનોખી છે. પોર્ચ વટાવી મુખ્ય મંદિરમાં દાખલ થતાં પહેલાં કાલી માતાને પગે લાગવાનું હોય છે (ઓહ, આ નવું!). ઉત્તર દિશામાં આવેલા કાલીમાતાના ગર્ભગૃહની બહાર જાયન્ટ સાઇઝના વિકરાળ વેતાળો દ્વારપાલની ફરજ બજાવે છે. ઊંડી મોટી આંખો, હાડપિંજર જેવું શરીર, એક હાથમાં ચોટીથી પકડેલું મનુષ્યનું માથું અને રાક્ષસ જેવા બે દાંત, કલાકારે એવું આબેહૂબ લાઇફ-સ્ક્લ્પ્ચર કંડાર્યું છે કે સાચુકલો વેતાળ ઊભો હોય એવું જ ભાસે. વેતાળની સરખામણીએ ગર્ભગૃહમાં બિરાજમાન કાલીમાતાની મૂર્તિ સૌમ્ય છે. અહીંના પૂજારી કહે છે, ‘કલકત્તામાં રહેલાં કાલીમાતા રૌદ્ર છે પરંતુ અહીં કાલીમાઈ શાંત છે કારણ કે તેમની સામે શિવલિંગ છે (ઓર એક ખાસિયત). કાલીમાતાની બાજુમાં પૂર્વદિશી લક્ષ્મીમાતાનું મંદિર છે અને એ બેઉ મંદિરના ત્રિકોણમાં ભોલેબાબા બિરાજે છે (વિશેષતા નંબર ૩). આ બે દિશા ઉપરાંત દક્ષિણ દિશામાં વિષ્ણુજીને સમર્પિત મંદિર છે. હાલમાં અહીં ગરૂડ પર શિવલિંગ સ્થિત છે. કહે છે કે અહીંની ઓરિજિનલ વિષ્ણુની મૂર્તિ ચોરાઈ ગઈ ત્યાર બાદ આવું વિશિષ્ટ શિવલિંગ સ્થાપિત કરાયું (જોકે અહીં એની કોઈ નોંધ નથી). ચોથી અને વેસ્ટ ડિરેક્શનમાં ભૂતનાથ બિરાજમાન છે. આ દરેક મંદિરનાં ગર્ભગૃહ સરખામણીએ સાદાં છે પરંતુ મંદિરના રંગમંડપ ખાસ કરીને, એની છત પર ખૂબ જ અદ્વિતીય નકશીકામ કરેલું છે. કુબેરજી, શિવ-પાર્વતી, નવગ્રહ, ઐરાવત પર બે પત્ની સહિત બેઠેલા ઇન્દ્ર, રુદ્ર તાંડવ વગેરેનાં શિલ્પો માર્વેલસ છે. અગેઇન, કૅરલેસનેસ અને ઉપેક્ષાનાં કારણે ઘણાં સ્ક્લ્પ્ચર ખંડિત છે. છતાંય સૉફ્ટ પથ્થરમાંથી બનેલું મંદિરનું આખુંય માળખું ૧૦૦૦ વર્ષથી અડીખમ છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
ઉત્તર ભારતની સરખામણીએ દક્ષિણ ભારતમાં પૌરાણિક સ્થાનો ઓછાં છે. અહીં ભગવાન પધાર્યા હોય એવી કહાનીઓ પણ કમ છે. છતાંય અહીંનો સમૃદ્ધ ઇતિહાસ, વાસ્તુશિલ્પ ભક્તોને વધુ આકર્ષે છે કારણ કે અહીં મંદિરોની કલાત્મકતા સારી રીતે સચવાયેલી છે. રંગો, તેલ, સિંદૂર, અત્તરના થપેડા લગાવીને સ્થાપત્યોને ક્ષતિ નથી પહોંચાડાઈ. ઉપરાંત દર્શન-પૂજા વગેરેની અલાયદી સુવિધાઓ હોવાથી સાઉથના ટેમ્પલમાં નૉર્થના ટેમ્પલની તુલનાએ ઓછી અરાજકતા સર્જાય છે.
મંદિરના સ્થાપત્યમાં ગોળાકાર સ્તંભો યુનિક છે.
વાત કરીએ અટપટું નામ ધરાવતા દોડ્ડાગડ્ડુવલી ગામે પહોંચવાની તો એક સમયે જાહોજલાલીયુક્ત આ નગર આજે ટિપિકલ કર્ણાટકી ગામડું બની ગયું છે જ્યાં જવા મુખ્ય શહેરથી પાતળા રોડ છે. જોકે આ ગામ મુખ્ય શહેર હસ્સનથી ફક્ત ૨૦૦ કિલોમીટર, હલેબિડુ (સ્થાપત્યનું કાશી)થી ૧૬ કિલોમીટર અને જાણીતા નગર બેલુરથી ફક્ત ૨૫ કિલોમીટર જ દૂર છે છતાં બહુ ઓછા દર્શનાર્થી અને યાત્રીઓને આ મંદિરની જાણ છે. મુંબઈથી મૈસૂર જતી ટ્રેનો હસ્સન ઊભી રહે છે અને ૨૩થી ૨૭ કલાકની એ જર્ની ન કરવી હોય તો માતા લક્ષ્મીના આશિષ લેવા ભારતની સિલિકૉન વૅલી મુંબઈથી બૅન્ગલોરની ફ્લાઇટ લેવાની રહે છે. પાટનગરથી દોડ્ડાગડ્ડવલ્લીનું અંતર ૨૦૦ કિલોમીટર છે. એમ તો મૈસૂરમાં પણ ઍરપોર્ટ છે. પરંતુ ફ્લાઇટ ઑપ્શન અને ફ્રીક્વન્સીની દૃષ્ટિએ બૅન્ગલોર રાઇટ ચૉઇસ બની રહે. રહેવા અને જમવા માટે હલેબીડુ, હસ્સન કે બેલુરમાં રિસૉર્ટ, હોટેલ્સ, લૉજ-ગેસ્ટહાઉસના ઘણા ઑપ્શન મળી જાય છે. આ વિસ્તારમાં બારે મહિના નૅશનલ-ઇન્ટરનૅશનલ ટૂરિસ્ટ, યાત્રાળુઓની અવરજવર રહેવાથી ભારતીય અને કૉન્ટિનેન્ટલ ફૂડ મળી રહે છે.