હૃદય છે બધા પાસે, પણ પ્રેમ કેટલાના હૃદયમાં?

09 March, 2024 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૃદય, એની ઉદાત્તતાને અને ઉત્તમતાને આ જગતમાં કોણ નથી અનુભવતું એ પ્રશ્ન છે છતાં એના સ્વરૂપને એક જ શબ્દમાં કહેવું હોય તો કહી શકાય, પ્રેમ

પ્રતીકાત્મક તસવીર

પરમાત્મા, જ્યારે પણ સ્મૃતિપથ પર આવી જાય એ તારકની એક વિશેષતા અચૂક યાદ આવી જાય અને એ વિશેષતા એટલે જ જગતના જીવમાત્ર પર તેમની સતત અનરાધાર વરસતી રહેતી કરુણા.

ધર્મ, જ્યારે પણ એને સમજવાનું કે આરાધવાનું મન થાય, એનું એક મુખ્ય સ્વરૂપ આંખ સામે આવી જાય, દયા.

કર્મ, જ્યારે પણ એના બંધ અને ઉદય પર વિચારણા કરવામાં આવે, ક્યારેક ન સમજાય એવા એના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે એની એક આગવી ક્ષમતા સ્મૃતિપથ પર આવી જાય, ન્યાય.

જીવન, જ્યારે પણ એની ક્ષમતા પર અને ગરિમા પર વિચાર કરવામાં આવે ત્યારે જે એક પરિબળ આંખ સામે આવી જાય એ પરિબળનું નામ છે, કર્તવ્ય.

મન, એની તાકાતને, એની કમજોરીને તો હજી કદાચ થોડી-ઘણી સમજી પણ શકાય છે અને અનુભવી પણ શકાય છે, પણ એના સ્વરૂપને સમજવું હોય તો કહી શકાય, અકળ.

હૃદય, એની ઉદાત્તતાને અને ઉત્તમતાને આ જગતમાં કોણ નથી અનુભવતું એ પ્રશ્ન છે છતાં એના સ્વરૂપને એક જ શબ્દમાં કહેવું હોય તો કહી શકાય, પ્રેમ.

ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે પરમાત્મા કરુણાપ્રધાન, ધર્મ દયાપ્રધાન, જીવન કર્તવ્યપ્રધાન, મન અકળતાપ્રધાન અને હૃદય પ્રેમપ્રધાન. આ જે પ્રધાનત્વ છે એ માણસ પોતાની પાસે અકબંધ રાખે તો જીવન કેવું સ્વર્ગ જેવું બની જાય. અરે, બધા પ્રધાનત્વ એ ન રાખી શકે તો કોઈ વાંધો નહીં, માત્ર પ્રેમપ્રધાન હૃદયને અકબંધ રાખે તો પણ જગત ખુશ્બૂદાર બની જાય. આજે હૃદય તો આ જગતમાં જીવી રહેલા તમામ જીવો પાસે છે, પણ પ્રેમ કેટલા આત્માઓ પાસે છે એ પ્રશ્ન છે.

કારણ?

પ્રેમ એ કોઈ વસ્તુ નથી કે જે બીજાને બતાવી શકાય, પણ પ્રેમ એ તો લાગણી છે કે જે અનુભવી શકાય છે અને સક્રિયતાના માધ્યમે સામાને એના અસ્તિત્વની પ્રતીતિ કરાવી શકાય છે. જ્યાં પણ તક મળે, જ્યારે પણ તક મળે ત્યારે એના અસ્તિત્વની પ્રતીતિ કરાવવાનું કામ કરજો. પોતાના હોય તેની સામે પણ કરજો અને પારકા હોય તેમની સમક્ષ પણ કરજો. કારણ કે પ્રેમ એકમાત્ર એવી લાગણી છે જેને ઈશ્વરે દિલમાં સ્થાન આપ્યું અને બાકી બધી જવાબદારી મનને સોંપી. દિલમાં રહેલા પ્રેમભાવને અકબંધ રાખનારો પરમાત્માને સહજ રીતે પામતો હોય છે.

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

life and style columnists