25 September, 2026 01:48 PM IST | Mumbai | Kajal Rampariya
ગણપતિબાપ્પાની મૂર્તિનું વિસર્જન
ઢોલ-નગારાંના તાલ, ગુલાલની છોળો અને ગણપતિબાપ્પા મોરયાના નાદ સાથે આપણે જે આસ્થા અને ધામધૂમથી બાપ્પાને ઘરે લાવીએ છીએ એટલા જ ઠાઠમાઠથી તેમને ભાવુક હૈયે વિદાય પણ આપીએ છીએ. મૂર્તિના વિસર્જનની આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ નથી, એમાં જીવન અને મન સાથે જોડાયેલો એક સુંદર સાંકેતિક અર્થ પણ છે. બાપ્પાની મૂર્તિના વિસર્જનની સાથે મનમાં એકઠા થયેલા નકારાત્મક વિચારો, જૂની કડવાશ, વણઉકેલાયેલો ગુસ્સો અને બિનજરૂરી તનાવનું પણ મેન્ટલ વિસર્જન કરવું જરૂરી છે.
આજની સ્ટ્રેસફુલ અને સતત બદલાતી લાઇફસ્ટાઇલમાં આ પાઠ વધુ મહત્ત્વનો બની જાય છે. કામનું પ્રેશર, સોશ્યલ મીડિયાની સતત તુલના, સંબંધોમાં બદલાવ, કરીઅર વિશેની અનિશ્ચિતતા, ડિજિટલ ઓવરલોડ અને ભૂતકાળની ઘટનાઓ વિશે વારંવાર વિચારવાની ટેવ - આ બધું મનને સતત વ્યસ્ત રાખે છે. પરિણામે ઘણી વખત પરિસ્થિતિ પૂરી થઈ ગઈ હોય છતાં એનો માનસિક ભાર આપણે સાથે લઈને ફરીએ છીએ. વિસર્જનને શું મનના આવા ભારને ઓળખવા અને છોડવાની એક સાંકેતિક પ્રક્રિયા તરીકે જોઈ શકાય? વિસર્જનની આ પરંપરાનાં સાઇકોલૉજિકલ પાસાં અને પરિવર્તન સામે મનની પ્રતિક્રિયા વિશે અનુભવી સાઇકોલૉજિસ્ટ જસ્મી પટેલ ચૌહાણ પાસેથી જાણીએ.
ગણેશ-વિસર્જનની સાંકેતિક વિધિ મન પર ઊંડી અસર કરી શકે છે, કારણ કે એ આપણી અસ્પષ્ટ લાગણીઓને સ્પષ્ટ આકાર અને માળખું આપે છે. ઉત્સવ દરમ્યાન આપણે બાપ્પાનું સ્વાગત કરીએ છીએ, તેમની સાથે ઇમોશનલી કનેક્ટ થઈ જઈએ છીએ અને વિસર્જન વખતે ભારે હૃદયે બાપ્પાને વિદાય આપીએ છીએ. આ પ્રક્રિયા આપણને એકસાથે બે વિરુદ્ધ લાગણીઓ સ્વીકારવાનું શીખવે છે : એ દુઃખ પણ હોઈ શકે અને સ્વીકાર પણ. જીવનમાં પણ આવાં અનેક વિસર્જન આવે છે. કોઈ સંબંધ પૂરો થાય, નોકરી બદલવી પડે, શહેર છોડવું પડે, બાળક ઘર છોડીને ભણવા જાય, મિત્ર દૂર થઈ જાય અથવા પોતાની કોઈ જૂની અપેક્ષા છોડી દેવી પડે ત્યારે દરેક વખતે મનમાં ખાલીપો ઊભો થઈ શકે છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ વર્ષો સુધી એક જ કંપનીમાં કામ કર્યા પછી નવી નોકરી સ્વીકારે છે. જૂની કંપનીમાં સહકર્મીઓ સાથે કમ્ફર્ટ આવી ગયેલી, એક મસ્ત મનગમતું રૂટીન બની ગયું હતું છતાં નવી નોકરીમાં સારી તક મળી હોવાથી જૂનું છોડવું પડી શકે છે. એવામાં જૂની જગ્યાની યાદ અને અસ્વસ્થતા રહે છે એ સ્વાભાવિક છે. જોકે અહીં જૂની જગ્યાનું મહત્ત્વ નકારવાનું નથી, પરંતુ જીવન આગળ વધારવા માટે બદલાવ સ્વીકારવો પડે છે. કંઈક છોડી દેવાનો અર્થ એ નથી કે એનું મહત્ત્વ નહોતું. એનો અર્થ એટલો છે કે એક અર્થપૂર્ણ સમયગાળો પૂરો થયો છે અને હવે નવી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાનો સમય છે.
માણસ સામાન્ય રીતે પરિચિત પરિસ્થિતિમાં વધુ સુરક્ષિતતા અનુભવે છે, કારણ કે પરિચિત વસ્તુઓ અનુમાનિત હોય છે. એનાથી વિપરીત અનિશ્ચિતતા અને પરિવર્તન મનમાં ચિંતા, ડર અથવા પ્રતિકાર ઊભો કરી શકે છે. વિસર્જનની પરંપરામાં એક રસપ્રદ બાબત એ છે કે આગમન સાથે જ વિદાયની જાણકારી પણ હોય છે. બાપ્પા આવશે અને ચોક્કસ સમય પછી વિસર્જન થશે. એટલે મનને શરૂઆતથી જ એક અંત માટે તૈયાર થવાની તક મળે છે. આપણે પણ સતત આવા બદલાવમાંથી પસાર થઈએ છીએ. આજે વર્ક ફ્રૉમ હોમ, કાલે ઑફિસ, એક પ્રોજેક્ટ પૂરો થાય અને બીજો શરૂ થાય, સોશ્યલ મીડિયા પર એક સર્કલ બને અને થોડા સમયમાં લોકોની વાતચીત ઓછી થઈ જાય. ટેક્નૉલૉજી પણ સતત બદલાય છે. નવી ઍપ, નવું પ્લૅટફૉર્મ, નવી વર્ક-સિસ્ટમ અને નવી ડિજિટલ આદતો. સતત આવાં પરિવર્તનો સામે દરેક વખતે પ્રતિકાર કરવાને બદલે એને સ્વીકારવાની ક્ષમતા વિકસાવવી જરૂરી છે. વિધિઓ મગજને કોઈ જાદુઈ રીતે રીવાયર કરી નાખતી નથી, પણ પરિવર્તનને અર્થપૂર્ણ માળખું આપી શકે છે. વારંવાર બદલાતી પરિસ્થિતિઓનો સ્વસ્થ રીતે સામનો કરવાથી સાઇકોલૉજિકલ ફ્લેક્સિબિલિટી વિકસાવવામાં મદદ મળી શકે છે.
મેન્ટલ વિસર્જનનો અર્થ દરેક નકારાત્મક વિચારને દબાવી દેવાનો નથી. એને બદલે એ ઓળખવું જરૂરી છે કે કયો વિચાર વર્તમાનમાં ઉપયોગી છે અને કયો વિચાર માત્ર મનમાં ફરી-ફરીને ઊર્જા ખર્ચી રહ્યો છે.
ઇમોશન્સને દબાવી દેવાનો કે બળજબરીથી ભૂલી જવાનો પ્રયાસ હંમેશાં અસરકારક નથી. નકારાત્મક વિચારો, ગુસ્સો કે તનાવ સાથે કામ કરવા માટે પહેલાં એને ઓળખવા અને પછી એના પર કામ કરવું જરૂરી છે.
સેલ્ફ-અવેરનેસ : પ્રથમ પગલું એ છે કે કઈ આદત, વિચારધારા અથવા વર્તન આપણને અસર કરી રહ્યાં છે એ ઓળખવું. પોતાને પૂછો ‘હું આ વાત વિશે હજી પણ કેમ વિચારું છું? આ વિચાર વર્તમાન જીવનમાં ઉપયોગી છે કે માત્ર જૂની આદતને કારણે ચાલુ છે?’ ઉદાહરણ તરીકે, ઑફિસમાં કોઈ સહકર્મીએ વર્ષો પહેલાં કરેલી ટીકા આજે પણ વારંવાર યાદ આવતી હોય તો એ વિચાર વર્તમાન નિર્ણયોને ખરેખર મદદ કરે છે કે માત્ર જૂની લાગણીને જીવંત રાખે છે એ તપાસી શકાય.
વિચારોનું પરીક્ષણ : દરેક નકારાત્મક વિચાર હકીકત નથી હોતો. ‘મારી સાથે હંમેશાં આવું જ થાય છે’, ‘બધા લોકો મને જજ કરે છે’ અથવા ‘હું આ કામ કરી જ નહીં શકું’ જેવા વિચારોને ફૅક્ટ તરીકે સ્વીકારી લેવાને બદલે પૂછવું જોઈએ કે એના સમર્થનમાં વાસ્તવિક પુરાવા શું છે.
નાનાં પગલાંથી પૉઝિટિવ ચેન્જ : અસ્વસ્થ આદતો એક જ દિવસમાં બદલાતી નથી. જો કોઈ વ્યક્તિ સતત ફોન ચેક કરે છે તો અચાનક આખો દિવસ ફોનથી દૂર રહેવાને બદલે ચોક્કસ સમય માટે નોટિફિકેશન બંધ કરવું, સૂતાં પહેલાં સ્ક્રીન-ટાઇમ ઘટાડવો અથવા દિવસમાં થોડો સમય ડિજિટલ બ્રેક લેવો જેવા નાના ફેરફાર વધુ વ્યવહારુ બની શકે છે.
ભાવનાત્મક સ્વીકૃતિ : સ્વીકૃતિનો અર્થ પરિસ્થિતિ સામે શરણાગતિ નથી. એનો અર્થ છે ‘આ પરિસ્થિતિ હાલમાં આવી છે’ એ હકીકતને સ્વીકારીને હવે શું કરી શકાય એ નક્કી કરવું.
વિસર્જનનો પ્રસંગ બાળકો સાથે ભાવનાત્મક શિક્ષણ માટે પણ ઉપયોગી બની શકે છે. બાળક બાપ્પાના વિસર્જનથી દુઃખી થાય ત્યારે ‘રડીશ નહીં’ અથવા ‘દુઃખી થવાની જરૂર નથી’ એવું કહેવાને બદલે તેની લાગણીને માન્યતા આપી શકાય. બાળકને કહી શકાય કે ‘તને દુઃખ થાય છે, કારણ કે તું બાપ્પાને પ્રેમ કરે છે. કોઈ પ્રિય વસ્તુથી દૂર થવાથી દુઃખ થવું સામાન્ય છે, પરંતુ આ લાગણી હંમેશાં એવી જ રહેતી નથી.’ આ જ વાત જીવનની બીજી પરિસ્થિતિઓ સાથે જોડાઈ શકે છે. જેમ કે મિત્ર સ્કૂલ બદલે, મનપસંદ રમકડું તૂટી જાય, પરિવારે ઘર બદલવું પડે અથવા બાળકને નવી સ્કૂલમાં જવું પડે. દરેક વખતે પરિવર્તન અટકાવી શકાય એવું નથી. આ રીતે બાળકોને સમજાવી શકાય કે લેટિંગ ગો એટલે લાગણી ગુમાવવી નહીં પરંતુ લાગણી સાથે જીવતાં શીખવું. ભૌતિક વસ્તુ કરતાં એની સાથે જોડાયેલી યાદ અને અનુભવનું મહત્ત્વ સમજાવવાથી પણ બાળકમાં સ્વસ્થ અનાસક્તિ વિકસાવવામાં મદદ મળી શકે છે.
માનસિક રીતે કોઈ વાતને સતત પકડી રાખવાની અસર માત્ર વિચારો પૂરતી મર્યાદિત રહેતી નથી. એ કામ, ઊંઘ, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને સંબંધો પર પણ અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે, ઑફિસમાં થયેલો વિવાદ વ્યક્તિ ઘરે આવ્યા પછી પણ મનમાં વારંવાર રીપ્લે કરે તો તે પરિવાર સાથેના સમયનો આનંદ લઈ શકતી નથી. સોશ્યલ મીડિયા પર થયેલી કોઈ નાની નકારાત્મક ટિપ્પણી આખો દિવસ મનમાં ચાલતી રહે તો કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની શકે છે. એટલે મેન્ટલ વિસર્જનનો અર્થ ‘હંમેશાં પૉઝિટિવ રહેવું’ નથી. દરેક નકારાત્મક લાગણીને દૂર કરવાની જરૂર પણ નથી. ગુસ્સો, દુઃખ, નિરાશા અને ખાલીપો પણ માનવીય લાગણીઓ છે. પ્રશ્ન એ છે કે આપણે એમને અનુભવીએ છીએ કે તેઓ આપણું વર્તમાન જીવન ચલાવે છે. ભૂતકાળના વિચારો જ્યારે સતત તનાવનું કારણ બને, રોજિંદા કામકાજમાં નોંધપાત્ર અસર કરે અથવા લાંબા સમય સુધી વ્યક્તિ માટે સંભાળવા મુશ્કેલ બને ત્યારે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલની મદદ લેવી યોગ્ય છે.
ગણપતિ-વિસર્જન આપણને કદાચ એટલું યાદ અપાવે છે કે જીવનમાં દરેક વસ્તુ કાયમ માટે રહેતી નથી. આગમન છે તો વિદાય પણ છે, જોડાણ છે તો ક્યારેક અલગ થવાનું પણ છે અને એક તબક્કો પૂરો થાય એટલે બીજો શરૂ થાય છે. મેન્ટલ વિસર્જન એટલે લાગણીહીન બની જવું નહીં. એનો અર્થ છે લાગણીઓને સ્વીકારવી, જે બદલાઈ ગયું છે એને ઓળખવું અને જે આગળ છે એના માટે મનમાં જગ્યા બનાવવી.
સંબંધો અને યાદો સાથેનું જોડાણ માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે ભૂતકાળ સાથેનું જોડાણ વર્તમાન જીવનમાં અડચણ બનવા લાગે. હેલ્ધી કનેક્શન વ્યક્તિને સંબંધ અને યાદોને માન આપવાની સાથે વર્તમાનમાં જીવવાની ક્ષમતા આપે છે. બીજી તરફ અતિશય અટૅચમેન્ટમાં વ્યક્તિ વારંવાર ભૂતકાળમાં અટવાઈ શકે છે અને બદલાતી પરિસ્થિતિનો સ્વીકાર કરવો મુશ્કેલ બની શકે છે. આ વાત આજના સંબંધોમાં પણ જોવા મળે છે. કોઈ જૂનો સંબંધ પૂરો થયા પછી વ્યક્તિ વારંવાર જૂના ફોટો, ચૅટ અથવા સોશ્યલ મીડિયા પ્રોફાઇલ તપાસતી રહે તો સંબંધ પૂરો થઈ ગયો હોવા છતાં માનસિક રીતે એમાંથી બહાર આવવાનું મુશ્કેલ બની શકે છે. એ જ રીતે કરીઅરમાં પણ કોઈ જૂની ઓળખ સાથે વધારે જોડાણ બદલાવને મુશ્કેલ બનાવી શકે છે. ‘હું તો હંમેશાં આ જ કામ કરીશ’ જેવી માન્યતા ત્યારે સમસ્યા બની શકે જ્યારે વ્યક્તિને નવી ટેક્નૉલૉજી અથવા નવી જવાબદારીઓ અપનાવવી જરૂરી હોય. હેલ્ધી કનેક્શનમાં સંબંધ મહત્ત્વનો રહે છે, પરંતુ વ્યક્તિની પોતાની ઓળખ અને આત્મનિર્ભરતા પણ જળવાઈ રહે છે.