18 October, 2026 11:31 AM IST | Ahmedabad | Shailesh Nayak
ભાદરવા ગામે બનાવેલો વિશાળ ગબ્બર અને દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ.
એક સમય હતો કે ગુજરાતનાં ગામોમાં નવરાત્રિની ગરબી મુકાય કે ન મુકાય, દરેક શેરીમાં પોતાનો નાનો એક ગબ્બર જરૂર બને. માટીમાંથી ગબ્બર બનાવીને એની ટોચ પર માતાજીની છબિ મૂકી માતાજીની ભક્તિ કરવાની પરંપરા છેલ્લાં કેટલાંય વર્ષોથી લુપ્ત થઈ રહી હતી, પરંતુ હવે એ પાછી પુનર્જીવિત થઈ રહી છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માંય અંબા ઝૂલે છે...
મા પાવા તે ગઢથી ઊતર્યાં મહાકાળી રે...
આદ્યશક્તિ જગતજનનીનાં નવલાં નોરતાં રંગેચંગે ઊજવાઈ રહ્યાં છે ત્યારે ડુંગરાવાળી માતાજીના આ સહિતના કંઈકેટલાય ગરબા ગાઈને માઈભક્તો શક્તિની ભક્તિ કરી રહ્યા છે. આપણે ત્યાં માતાજીના ગબ્બરનું એક માહાત્મ્ય છે. ગબ્બર એ આસ્થાનું સ્થાનક છે. લોકવાયકા છે કે આરાસુરના ગબ્બર પર માતાજીનું હૃદય ધબકે છે તો પાવાગઢ પર્વત પર મહાકાળી માતાજીનો વાસ છે. શક્તિનાં આ સ્થાનકો શાશ્વત્ છે અને આસ્થાનો મુકામ છે. માતાજીનો મોટામાં મોટો ઉત્સવ એટલે નવરાત્રિ અને આ સમયમાં ગામ કે શહેરમાં જુદાં-જુદાં સ્થળોએ ગબ્બર બનાવીને જગદંબાની પૂજા-અર્ચના કરવાની વર્ષો જૂની પરંપરા રહી છે. જોકે છેલ્લા થોડાક દાયકાઓથી શેરીઓ અને સોસાયટીઓમાં ગબ્બર બનાવવાની પરંપરામાં ક્યાંક ઓટ આવી હતી, પરંતુ હવે નવરાત્રિમાં ગબ્બર બનાવવાનો વાયરો ફરી ફૂંકાઈ રહ્યો છે. માતાજીના ગબ્બરની પ્રતિકૃતિઓ ગામડાંઓ અને શહેરોમાં જોવા મળી રહી છે અને આ પરંપરા ફરી પુનર્જીવિત થઈ રહી છે.
ગુજરાતમાં શેરીગરબાની પરંપરા હતી ત્યારથી લોકો પોતાની પોળ, ગલી કે સોસાયટીઓમાં પર્વતની પ્રતિકૃતિ બનાવીને એના પર ગરબો મૂકતા હતા. આ પ્રથાને મા અંબાના આદિસ્થાન ગબ્બરની રચના કરીને માતાજીને પૃથ્વી પર પધારવાનું આમંત્રણ ગણવામાં આવતું. બાળપણની આ પરંપરા ગુજરાતનાં કેટલાંક શહેરોમાં ફરી પાછી પુનર્જીવિત થઈ રહી છે એટલું જ નહીં, હવે તો સાત સમંદર પાર અમેરિકામાં પણ બાળકો ગબ્બર બનાવી રહ્યાં છે અને માતાજીની ભક્તિ કરી રહ્યાં છે. જેમ મુંબઈમાં ગણેશપંડાલ અને બંગાળમાં દુર્ગાપંડાલ મોટા પાયે બને છે એવી જ રીતે ગુજરાતમાં ગબ્બરનો પંડાલ બને છે. ગબ્બરની પરંપરા અને ગુજરાતમાં ક્યાં વિશેષ ગબ્બર બન્યા છે એનો આજે સત્સંગ કરીએ.
ભાદરવા ગામે ફરી ચાલુ થઈ ગબ્બરની પરંપરા
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા ભાદરવા ગામે યુવક મંડળ દ્વારા અંબાજી અને પાવાગઢનો ગબ્બર બનાવ્યો છે. આ વિશે વાત કરતાં દશરથસિંહ પરમાર ‘મિડ-ડે’ને કહે છે, ‘ગામની ભાગોળે અમે ૧૦ ફુટ ઊંચો મિની પાવાગઢ ગબ્બર બનાવ્યો છે, જેની પહોળાઈ ૨૪ ફુટ છે. અહીં અમે પાવાગઢની સાથે અંબાજીનો ગબ્બર પણ બનાવ્યો છે. ભાદરવા યુવક મંડળના ૪૦ જેટલા સભ્યો છે. ગણેશ મહોત્સવ સમયે અમે બધા યુવાનો બેઠા હતા ત્યારે વિચાર આવ્યો કે આપણે નવરાત્રિમાં ગબ્બર બનાવવાની જૂની પરંપરા ફરી ચાલુ કરીએ. બધા તૈયાર થઈ ગયા અને નવરાત્રિ પહેલાં ગબ્બર બનાવવાની શરૂઆત કરી હતી. વર્ષો પહેલાં અમે નવરાત્રિમાં ગબ્બર બનાવતા હતા. આ જૂની પરંપરા હતી એ છેલ્લાં દસથી ૧૫ વર્ષમાં લુપ્ત થઈ ગઈ હતી. નવરાત્રિમાં બધા ગરબા ગાવા જતા રહે એટલે પાવાગઢ ગબ્બર બનાવવાનું બંધ થઈ ગયું હતું. બીજું એ કે હવે કોઈની પાસે ટાઇમ નથી. આ વર્ષે અમે માના ગબ્બરની જૂની પરંપરા ચાલુ કરી છે. અમે નાના હતા ત્યારે વડીલો સાથે મળીને ગબ્બર બનાવતા હતા. આ નવરાત્રિમાં અમે માટી અને પથ્થરથી ગબ્બર બનાવ્યો છે. એક તરફ મહાકાળી માતાજીનું અને બીજી તરફ અંબાજી માતાજીનું મંદિર મૂક્યું છે. કિલ્લો બનાવ્યો છે. રોડ, બિલ્ડિંગ તેમ જ વાહનોની પ્રતિકૃતિ મૂકી છે. ગબ્બર બનાવતાં અમારા ગામ ઉપરાંત આસપાસનાં ગામોના લોકો પણ જોવા આવે છે અને દર્શન કરે છે.’
અમેરિકામાં લાગ્યું ગબ્બરનું ઘેલું
અમેરિકામાં ગબ્બર બનાવનાર ઓમ પંચાલ.
નવરાત્રિમાં માત્ર ગુજરાત કે ભારતમાં ગબ્બર બનાવવામાં આવે છે એવું નથી. હવે તો અમેરિકામાં પણ નવરાત્રિમાં ગબ્બર બનતા થયા છે અને આધુનિક સમયમાં, અત્યાધુનિક દેશ અમેરિકામાં પણ સંસ્કૃતિને જાળવી રાખી છે. અમેરિકાના મિશિગન સ્ટેટમાં આવેલા કૅન્ટોન (Canton)માં રહેતા ૧૨ વર્ષના ઓમ પંચાલે બ્લૉક્સમાંથી ઊંચો ગબ્બર બનાવ્યો છે. પોતે બનાવેલા ગબ્બર વિશે વાત કરતાં ઓમ પંચાલ ‘મિડ-ડે’ને કહે છે, ‘મારા પેરન્ટ્સ મને કહેતા હતા કે નાના હતા ત્યારે માટીમાંથી ગબ્બર બનાવતા હતા. એટલે મને વિચાર આવ્યો કે હું પણ માતાજીનો ગબ્બર બનાવું. જોકે અહીં ઠંડી પડે છે એટલે મેં મારા ઘરમાં જ મારી પાસે જે બ્લૉક્સ છે એમાંથી માતાજીનો ગબ્બર બનાવ્યો છે. રોજ હું મારા મિત્રો સાથે મળીને આરતી પણ કરું છું. આ ગબ્બર બનાવીને મને બહુ જ ખુશી થઈ છે. હું પણ માતાજીની ભક્તિ કરું છું.’
કહેવાય છે કે ભારત કરતાં વિદેશમાં રહેતા ભારતીયોને પરંપરાઓની વૅલ્યુ વધુ હોય છે. ઓમ પંચાલના ઘરના બેઠકરૂમમાં બનાવેલા માતાજીના ગબ્બરનાં દર્શન કરવા માટે ગયા રવિવારે નવરાત્રિના પહેલા દિવસે ગુજરાતી સહિતના ભારતીયો બાળકો સાથે આવ્યા હતા. આ જોઈને પાડોશમાં રહેતા અમેરિકન લોકોને પણ કુતૂહલ થતાં તેઓ
પણ ગબ્બર જોવા આવ્યા હતા અને બ્લૉક્સમાંથી બનાવેલો ગબ્બર જોઈ દંગ રહી ગયા હતા.
સાંપા ગામનો ગબ્બર બન્યો દર્શનીય
દહેગામ તાલુકામાં આવેલા સાંપા ગામમાં પાવાગઢની થીમ પર ૧૦ ફુટ ઊંચો ગબ્બર બનાવ્યો છે. આ ગબ્બર સાંપા ગામ તેમ જ આસપાસનાં ગામોના રહીશોમાં દર્શનીય બની રહ્યો છે એટલું જ નહીં, ગબ્બરને કારણે રાતે મેળા જેવો માહોલ સર્જાય છે. કહેવાય છે કે આ ગબ્બર દહેગામ તાલુકાનો સૌથી મોટો ગબ્બર છે અને એ જોવા લોકો ઊમટે છે. આ ગબ્બર વિશે વાત કરતાં ૨૪ વર્ષનો પાર્થ પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘હું બીજા ધોરણમાં ભણતો હતો ત્યારે રમત-રમતમાં એક ટ્રૅક્ટર માટી લાવીને ગબ્બર બનાવ્યો હતો. અત્યારે ૫૦ જેટલાં ટ્રૅક્ટરો માટી લાવીને ૧૦ ફુટ ઊંચો, ૬૦ ફુટ લાંબો અને ૨૩ ફુટ પહોળો ગબ્બર ૩૦૦ ચોરસ ફુટ વિશાળ એરિયામાં બનાવ્યો છે. ગબ્બરમાં માટીની સાથે પથ્થરનો ઉપયોગ કર્યો છે. આ ગબ્બર પાવાગઢ થીમ પર બનાવ્યો છે. એમાં કેદારનાથ, સોમનાથ અને દ્વારકાનું મંદિર પણ બનાવ્યું છે. આ ઉપરાંત સુદર્શન સેતુ બનાવ્યો છે. પાવાગઢ જવા માટે હાલોલ-કાલોલ હાઇવે છે એ પણ બનાવ્યો છે અને એમાં ચાલતી કાર પણ મૂકી છે. મારી સાથે મારા ૪૦ જેટલા મિત્રોએ ગબ્બર બનાવવામાં મદદ કરી છે. નવરાત્રિમાં દહેગામ તાલુકામાં સૌથી મોટો આ ગબ્બર છે. આટલો ઊંચો કે પહોળો ગબ્બર અન્ય કોઈએ બનાવ્યો નથી. ગબ્બર બનાવવાની પરંપરા ચાલુ રહેવી જોઈએ. ગબ્બર બનાવીને નવરાત્રિમાં માતાજીનાં ગુણગાન ગાઈને ભક્તિ થઈ શકે છે. આ ગબ્બર જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટે છે, જેને કારણે મેળા જેવો માહોલ જામે છે. લોકો ગબ્બરનાં દર્શન કરીને અચરજ પામે છે.’
કાંસામાં વડલાવાળો પાવાગઢ
વીસનગર પાસે આવેલા કાંસા ગામે જૂના પરામાં વડના વૃક્ષ પર પાવાગઢ ગબ્બર બનાવ્યો છે. ગામમાં ૧૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે. ગામમાં છેલ્લાં કેટલાંક વર્ષથી વડના વિશાળ વૃક્ષમાં ગબ્બર બનાવવામાં આવતાં એની ખ્યાતિ વધી છે અને એ હવે વડલાવાળા પાવાગઢ તરીકે ઓળખાય છે. ગામના મહાકાળી ભક્ત મંડળના કીર્તિ પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘નવરાત્રિમાં ગબ્બર બનાવવાની ગામમાં ૧૦૦ કરતાં વધુ વર્ષોથી ચાલી આવતી પરંપરા અમે જાળવી રાખી છે. ગબ્બર બનાવવાની પરંપરા જાળવી રાખવી જોઈએ, એ આપણી સંસ્કૃતિ છે. આધુનિક યુગમાં ગરબા હોય તો સંસ્કૃતિ જળવાઈ રહેશે, સંસ્કારો જળવાઈ રહેશે એવું અમે માનીએ છીએ. પહેલાં આ ગબ્બર ભોંયતળિયે બનાવવામાં આવતો હતો. પછી વિચાર આવ્યો કે વડ પર ગબ્બર બનાવીએ. એટલે ગામના વડીલોના સહયોગથી ગબ્બર બનાવીએ છીએ. અમારા મંડળના પચીસથી વધુ યુવાનો અગિયારસે મુહૂર્ત કરીને ગબ્બર બનાવવાનું કામ શરૂ કરીને નવરાત્રિ પહેલાં ગબ્બર બનાવી દઈએ છીએ.’ વૃક્ષ પર બનાવેલા ગબ્બરની વિશેષતા એ છે કે દર્શનાર્થીઓ વૃક્ષ પર બનાવેલા ગબ્બર પર ચડીને દર્શન કરી શકે છે, જેને કારણે જાણે કે ગબ્બર પર ચડતાં હોય એવો અનુભવ થાય છે. આ વિશે કીર્તિ પટેલ કહે છે, ‘જૂના પરાના મહાકાળી ભક્ત મંડળ દ્વારા છેલ્લાં પંદરેક વર્ષથી વડ પર ૨૦ ફુટ ઊંચો ગબ્બર બનાવીએ છીએ. વૃક્ષને લોડ ન પડે અને નુકસાન ન થાય એ રીતે થાંભલા ગોઠવીને સ્ટેપ્સ બનાવીએ અને મંદિર સામે પ્લૅટફૉર્મ બનાવીએ છીએ, જ્યાં દર્શનાર્થીઓ ઊભા રહીને માતાજીનાં દર્શન કરી શકે છે. પાવાગઢનો લુક આપીને ૨૦ ફુટથી ઊંચો ગબ્બર બનાવ્યો છે. ગબ્બર પર મહાકાળી માતાજીનું મંદિર છે. આ ઉપરાંત રોપવે, દૂધિયું તળાવ બનાવવા સહિત સુશોભન કર્યું છે. વડની નીચે માતાજીનું મંદિર પણ બનાવ્યું છે. વડ પર બનાવેલા ગબ્બર પર ચડીને લોકો દર્શન કરવા આવે છે અને લાઇન લાગે છે. આજુબાજુનાં ગામોના દર્શનાર્થીઓ પણ દર્શન કરવા આવે છે. કદાચ ગુજરાતમાં આ રીતે વડના વૃક્ષ પર કોઈએ ગબ્બર નહીં બનાવ્યો હોય.’
૪૦ ફુટ લાંબો ગબ્બર અમદાવાદમાં
મદાવાદમાં આવેલા આંબલી ગામમાં પણ પાવાગઢ થીમ પર ગબ્બર બનાવ્યો છે. એની વાત કરતાં અનિલ ઠાકોર ‘મિડ-ડે’ને કહે છે, ‘ગબ્બર બનાવવાની પરંપરા આજે પણ અમે જાળવી રાખી છે. નવરાત્રિ પહેલાં ૫૦થી વધુ યુવાનો સહિત નાનાં બાળકો સાથે મળીને રાતે ગબ્બર બનાવવાનું કામ કરીએ છીએ. ગબ્બર બનાવતાં ૧૫ દિવસ લાગે છે. અમે પાવાગઢ થીમ પર ગબ્બર બનાવ્યો છે, જેમાં દૂધિયું તળાવ, માંચી, મંદિરો, રોપવે પણ બનાવ્યાં છે. રાતે લાઇટિંગ કરીએ છીએ એમાં આ ગબ્બર ઝળહળી ઊઠે છે. ૭ ફુટ ઊંચો, ૪૦ ફુટ લાંબો અને ૩૦ ફુટ પહોળો ગબ્બર કંતાન અને લાકડા જેવી ચીજોનો ઉપયોગ કરીને બનાવ્યો છે. ગબ્બર પર મહાકાળી માતાજીનું અને ભદ્રકાળી માતાજીનું મંદિર બનાવ્યું છે. ઘેરબેઠાં પાવાગઢનાં દર્શન થતાં હોવાથી લોકો અહીં દર્શન કરવા આવે છે. આજના સમયે હવે લોકો ગબ્બર બનાવવાનું ભૂલતા ગયા છે, પરંતુ જ્યાં સુધી અમારાથી બનશે ત્યાં સુધી અમે નવરાત્રિમાં ગબ્બર બનાવતા રહીશું.’
ગબ્બર બનાવી જગદંબાની પૂજાનું માહાત્મ્ય
ગબ્બરની પ્રતિકૃતિ બનાવવામાં આવે એમાં માતાજીનું મંદિર કે માતાજીની છબિ કે મૂર્તિ મૂકીને એની પૂજા-અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિમાં ગબ્બર બનાવવા પાછળનું કારણ જણાવતાં મૂળ કાંસા ગામના અને વીસનગરમાં રહેતા સ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ અને સંશોધનકર્તા ડૉ. રાજુજી પરમાર ‘મિડ-ડે’ને કહે છે, ‘૯ દિવસ માતાજીનાં જુદાં-જુદાં સ્વરૂપોની પૂજા-અર્ચના થાય છે. જોકે ૫૧ શક્તિપીઠની ઉત્પત્તિ થઈ એમાં માતાજીનું હૃદય અંબાજી ગબ્બર પર પડ્યું હતું એટલે ગબ્બરનું વિશેષ મહત્ત્વ છે. માતાજીનો મોટામાં મોટો ઉત્સવ એટલે નવરાત્રિ, જેમાં નવરાત્રિમાં ગબ્બર બનાવીને જગદંબાની પૂજા થાય છે. ઘણા લોકો ભાદરવી પૂનમના મેળામાં અંબાજી માતાજીને નવરાત્રિ માટે આમંત્રણ આપવા જઈ શકતા નથી તેઓ પોતાના ગામમાં, પોતાના આંગણે, પોળમાં, સોસાયટીમાં ગબ્બરની પ્રતિકૃતિ બનાવીને ઉપર ગરબો મૂકી માતાજીની છબિ મૂકીને મનોમન એવું વિચારે છે કે અમે માતાજીનું મંદિર બનાવીને તેમને આમંત્રણ આપ્યું. આમ વિચારીને નવરાત્રિમાં માતાજીની ભક્તિ કરે છે અને માતાજીનો ગબ્બર બનાવીને તેડાવ્યાનો હરખ કરતા હોય છે.’