ધરતી માતાના આમું મૂળ રાજા

09 August, 2026 03:27 PM IST  |  Tapi | Shailesh Nayak

આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પ્રકૃતિના પૂજક એવા ગુજરાતના આદિવાસી સમાજની દુનિયામાં એક ડોકિયું કરીએ

ધરતી માતાના આમું મૂળ રાજા

ધરતી માતાના આમું મૂળ રાજા, બિરસાને માન કાજ આમું લડનારા...

તાપી જિલ્લામાં રહેતા લોકકલાકાર પ્રીતમ વસાવાએ આદિવાસી દિવસની પૂર્વસંધ્યાએ આ સ્વયંરચિત ગીત લૉન્ચ કર્યું. જમીન સાથે જોડાયેલો આદિવાસી સમાજ આજે પણ તેમના પૂર્વજોને ભૂલ્યો નથી. એટલા માટે જ તેમની રચનાઓમાં ધરતી માતા તેમ જ સમાજના લડવૈયાઓને આજે પણ વિશેષ સ્થાન આપવામાં આવે છે. 
આજે વિશ્વભરમાં વિશ્વ આદિવાસી દિવસ ઊજવાઈ રહ્યો છે. આ આદિવાસી એટલે એવી પ્રજા જે આજના ઈ-યુગમાં પણ પોતાનાં મૂળિયાં સાથે જોડાયેલી રહી છે. પરંપરા, સંસ્કૃતિ, પ્રાકૃતિક ખેતી, સંગીત, વાદ્ય, ભાષા, રહેણીકરણીની સાદગી બધું જ હજી આદિવાસીઓમાં જળવાયેલું છે. એમ છતાં હવે આ વિસ્તારો વિકાસમાં પણ અગ્રેસર છે. 
દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદાથી લઈને મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને છેક ઉત્તર ગુજરાતના સાબરકાંઠા તથા અરવલ્લી સુધીના વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતો આવેલો આદિવાસી સમાજ ભાતીગળ બોલીઓ, પરંપરાઓ, લોકનૃત્યો, વાદ્યો અને વાર્તાઓથી સમૃદ્ધ છે. બની શકે કે આ વિસ્તારોમાં આધુનિક સુવિધાઓનો અભાવ હજીયે એટલો જ છે, પરંતુ કુદરતી સંસાધનો હજીયે આ વિસ્તારોમાં ભરપૂર છે. જૂની વિરાસતની સાથે સમૃદ્ધ ભવિષ્યનાં સપનાંઓ પણ આ સમાજ જોઈ રહ્યો છે. ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેળવનારી ઍથ્લીટ્સ સરિતા ગાયકવાડ અને ખો-ખો પ્લેયર ઓપિના ભિલાર જેવાં પ્રતિભાશાળી ખેલાડીઓ આ જ ભૂમિનાં સંતાનો છે.

કુદરતી સૌંદર્ય અને પ્રવાસન

ગુજરાત ઔદ્યોગિત રીતે ખૂબ વિકસ્યું છે, પણ જ્યારે બે ઘડી પોરો ખાઈને સ્વચ્છ હવા ફેફસાંમાં ભરી શકાય એવા ટૂરિઝમની વાત આવે ત્યારે ગુજરાતના આદિવાસી વિસ્તારો જ બાજી મારી જાય છે. ગુજરાતના ડાંગ, તાપી, નર્મદા, દાહોદ ઉપરાંત વલસાડ જિલ્લાના ધરમપુરથી લઈને છેક અંબાજી સુધીની આદિવાસી પટ્ટીમાં મોહક પહાડો, જંગલો, ધોધ અને હિલ-સ્ટેશનો આવેલાં છે. વનવિભાગની મહાલ અને કિલાદ જેવી ઇકો-ટૂરિઝમ સાઇટ્સ તેમ જ પદમડુંગરી જેવાં સ્થળો સહેલાણીઓ માટે પહેલી પસંદ બન્યાં છે. પહાડોની કોતરો અને ડુંગરો પર આવેલાં દેવસ્થાનો ધાર્મિકજનો માટે આસ્થાનું કેન્દ્ર છે.

બદલાવ અને વિકાસ

બદલાયેલા સમય સાથે આદિવાસી સમાજમાં પણ મોટો બદલાવ આવ્યો છે. એ વિશે વાત કરતાં ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કામદ-વકાર્યા ગામના વતની અને વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર અને લોકસાહિત્યના સંશોધક પ્રો. પુંડલિક પવાર કહે છે, ‘અમારા આદિવાસી સમાજ માટે પહેલાંનો સમય જુદો હતો. હવે આદિવાસી સમાજમાં ધીરે-ધીરે શિક્ષણની ભૂખ ઊઘડી છે. પહેલાં શિક્ષણને એટલું મહત્ત્વ નહોતું અપાતું, પરંતુ હવે લોકો શિક્ષણ લેતા થયા છે. શિક્ષણનું સ્તર વધતાં લોકો શહેરો અને વિદેશ સુધી પહોંચ્યા છે, નોકરીઓ કરતા થયા છે અને સમાજના મુખ્ય પ્રવાહમાં સક્રિય રીતે જોડાઈ રહ્યા છે.’

વાઘ અને પ્રકૃતિની પૂજા

આદિવાસી સમાજ પ્રકૃતિપ્રેમી છે. આજે પણ ગામડાંઓમાં વાઘ તેમ જ સૂર્ય, ચંદ્ર અને તારા જેવા કુદરતી આકારોની ખાંભી જોવા મળે છે. તાપી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના કલા વિષયના લેક્ચરર યોગેશ ચૌધરી કહે છે, ‘આદિવાસી સમાજ પ્રકૃતિ અને જીવજંતુઓ સાથે સહઅસ્તિત્વમાં માને છે. પહેલાં વડીલો સાગના લાકડામાંથી ખાંભી બનાવતા જેમાં સૂર્ય, ચંદ્ર, મોર, વાઘ, નાગ અને વીંછી કોતરવામાં આવતા. જંગલમાં લાકડાં કે ઔષધિઓ લેવા જતાં પહેલાં લોકો ખાંભી આગળ પ્રાર્થના કરતા જેથી ઢોર-ઢાંખર અને મનુષ્યો સુરક્ષિત રહે. ડાંગના વઘઈ ગામનું નામ પણ ‘વાઘ આવ્યો’ પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. દિવાળીમાં વાઘબારસના દિવસે ખાસ પૂજા થાય છે. ધાન્ય પાકે ત્યારે અન્નપૂર્ણા સ્વરૂપ કંસરીમાતાજીને અનાજ ચડાવવામાં આવે છે.’

પરંપરાગત વાદ્યો અને લોકનૃત્યો

આદિવાસી સમાજમાં પાવરી નૃત્ય, માદળ નૃત્ય, ઠાકરિયા નૃત્ય અને ભાયા નૃત્ય જાણીતાં છે. સમાજ પાસે હાથબનાવટનાં પરંપરાગત વાદ્યો છે. જેમ કે થાળી વાદ્ય, ડેરા, ઢાક, ઘાંઘડી, નાલ, તુનતુની, કાહળ્યા સાબળે, કીરચી, માદળ અને પાવરી. ધાન્ય પાકે ત્યારે કંસરીદેવીને અન્ન અર્પણ કરતાં પહેલાં આખું ગામ ઉત્સાહથી ભાયા નૃત્ય કરે છે.
સંસ્કૃતિને પ્રાધાન્ય આપતું મ્યુઝિયમ (વઘઈ) ડાંગી કલ્ચરને લોકો જાણે એ માટે વઘઈમાં ‘રિસોર્સ સેન્ટર ફૉર આર્ટ ઍન્ડ ક્રાફ્ટ મ્યુઝિયમ’ બનાવવામાં આવ્યું છે. અહીં વાઘદેવની ખાંભી, અનાજ ભરવાની કોઠીઓ, ધનુષ જેવાં પરંપરાગત શસ્ત્રો, વારલી ચિત્રકળા અને સંગીતનાં પરંપરાગત વાદ્યો મૂકવામાં આવ્યાં છે. ભારતભરમાં માત્ર ડાંગના રાજાઓને જ આજે પણ સાલિયાણું ચૂકવવામાં આવે છે એની ‘ડાંગ દરબાર’ની ઝલક પણ અહીં જોવા મળે છે.
ભુલાતાં જતાં ગીતો અને લોકવાર્તાઓનું જતન દક્ષિણ ગુજરાતથી લઈને છેક ઉત્તર ગુજરાત સુધી વિસ્તરેલો આદિવાસી સમાજ અનેક બોલીઓ, પરંપરાગત લોકનૃત્યો, વાદ્યો અને લોકવાર્તાઓથી સમૃદ્ધ છે. ડોલવણ તાલુકાના ઉમરવાવદુર ગામના યુવાન અને હાલ કચ્છમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ. રોશન ચૌધરીએ આદિવાસી સમાજનાં ભુલાતાં જતાં પરંપરાગત ગીતો અને લોકવાર્તાઓ પર સંશોધન કર્યું છે. તેમણે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ચૌધરી સમાજનાં ૮૬ અસલ ગીતો એકઠાં કરીને પુસ્તક પ્રકાશિત કર્યું છે. ઉપરાંત વસાવા, ગામીત, ચૌધરી, ધોડિયા, કુંકણા અને વારલી જનજાતિઓની ૩૦ જેટલી લોકવાર્તાઓ શોધીને એના પર PhDની પદવી પ્રાપ્ત કરી છે.

વિવિધ આદિવાસી બોલીઓ

ગુજરાતીમાં કહેવત છે કે બાર ગાઉએ બોલી બદલાય. ઉત્તરથી દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલા આદિવાસી સમાજમાં વિવિધ જ્ઞાતિ-જાતિ મુજબ અલગ-અલગ બોલીઓ બોલાય છે: 
ડાંગ : ડાંગી બોલી (મહારાષ્ટ્રની સરહદ નજીક હોવાથી મરાઠીની અસર જોવા મળે છે) 
ધરમપુર (વલસાડ) : કોકણી બોલી 
સુરત : ધોડિયા બોલી 
વ્યારા : ચૌધરી અને ગામીત બોલી 
ભરૂચ/નર્મદા : તડવી અને વસાવી બોલી 
છોટાઉદેપુર : રાઠવી બોલી 
સાબરકાંઠા : ગરાસિયા ભીલી બોલી
નર્મદા ઃ દહેવાલી બોલી, કઠાલી બોલી, ડોગરી બોલી શહેરી વિસ્તારમાં કેટલાક લોકો બોલી બોલવામાં સંકોચ અનુભવે છે, પરંતુ મોટા ભાગના લોકો પોતાની મૂળ સંસ્કૃતિ અને આત્મીયતા જાળવી રાખવા સ્થાનિક બોલીનો ઉપયોગ કરે છે.

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગીતની રચના

ઉકાઈ તાલુકાના એકલખામ ગામના લોકકલાકાર પ્રીતમ વસાવાએ વિશ્વ આદિવાસી દિવસ માટે વસાવા બોલીમાં સ્વયંરચિત ગીત ‘ધરતીમાતાના આમું મૂળ રાજા...’ કમ્પોઝ કરીને ગાયું છે. આ ગીતમાં તેમની સાથે સર્જના વસાવા અને ધીરજ ગામીતે સાથ આપ્યો છે. આ ગીતનો મુખ્ય હેતુ સમાજ પોતાના ક્રાન્તિકારી લોકનાયકો (જેમ કે બિરસા મુંડા) અને સંસ્કૃતિ વિશે જાગ્રત થાય એ છે. આંબુડી બોલી, ધાણકી બોલી

આદિવાસી જનજાતિઓનાં પરંપરાગત હાલરડાં પર ડૉ. જિતેન્દ્ર ગવળીનું સંશોધન

‘મારે બાલુડો હુવણે હો રળે, મારે બાલુળો હુઈ જાય... હાલી... હાલી...’
આહવા તાલુકાના પીપલયામાળ ગામના ૩૪ વર્ષના આદિવાસી યુવાન ડૉ. જિતેન્દ્ર ગવળીએ દક્ષિણ ગુજરાતની ૯ જનજાતિઓ (કુકણા, વસાવા, ચૌધરી, ગામીત, ધોડિયા, વારલી, હળપતિ, તડવી અને કોટવાળિયા)નાં ૧૫૨થી વધુ પરંપરાગત હાલરડાં પર સાડાત્રણ વર્ષ સુધી સંશોધન કરીને PhD પૂરું કર્યું છે. તેમણે ડાંગ, તાપી, સુરત અને નર્મદાના ગામડે-ગામડે ફરીને આશરે ૪૦૦ જેટલાં માતા-બહેનો અને વડીલો પાસેથી આ હાલરડાં એકઠાં કર્યાં હતાં. તેમના આ ભગીરથ કાર્ય બદલ તેમને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે PhDની ડિગ્રી અને સર્વશ્રેષ્ઠ રિસર્ચ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

 

lifestyle news life and style culture news gujarat gujarati mid day