✕

હનુમાનજી બાળપણથી જ સૂર્યની એટલે કે પ્રકાશ, જ્ઞાન અને વિદ્યાની ભૂખ લઈને જન્મ્યા છે

13 November, 2026 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હનુમાનજી રુદ્રાવતાર છે અને હનુમાનજીના ચરિત્રની જે પ્રસિદ્ધ કથા છે એ અનુસાર બાળપણથી જ તેમણે જે પરાક્રમનાં દર્શન કરાવ્યાં એમાં સૂર્યને ગળવાની વાત આવે છે. સૂર્ય પ્રકાશ છે. સૂર્ય જ્ઞાનનું પ્રતીક છે અને હનુમાનજી મહારાજ બાળપણથી જ સૂર્યની ભૂખ લઈને જન્મ્યા.

ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

જ્યારે પણ સંકટમાં હોઈએ ત્યારે સોગંદ ખાઈને આત્મરક્ષા કરવામાં પાપ નથી લાગતું. ધર્મનું એક ચરણ છે, સત્ય. સત્યને મહાન ધર્મ કહ્યો છે. રામચરિત માનસમાં કહેવામાં આવ્યું છે કે સત્યથી પૃથ્વી ધારણ થાય છે, સત્યથી સૂર્ય તપે છે.

સત્યનો બહુ મોટો મહિમા આપણે ત્યાં ગાવામાં આવ્યો છે. એ જ રીતે અસત્યને મહાન અધર્મ કહેવાયો છે. શ્રીમદ્ ભાગવતમાં બલિ મહારાજે કહ્યું છે કે અસત્યથી મોટો કોઈ અધર્મ નથી. ભાગવત ધર્મની વિશેષતા એ છે કે એ ક્રિયાને નહીં, ઉદ્દેશ્યને મહત્ત્વ આપે છે. પ્રત્યેક વ્યક્તિ જીવવાની પ્રબળ ઇચ્છા સાથે જન્મે છે. એટલે જ માણસે બીજા સાથે એવો જ વ્યવહાર કરવો જે કોઈ આપણી સાથે કરે એવું અપેક્ષિત છે. એ જ સાચો ધર્મ છે.

હનુમાનજી રુદ્રાવતાર છે અને હનુમાનજીના ચરિત્રની જે પ્રસિદ્ધ કથા છે એ અનુસાર બાળપણથી જ તેમણે જે પરાક્રમનાં દર્શન કરાવ્યાં એમાં સૂર્યને ગળવાની વાત આવે છે. સૂર્ય પ્રકાશ છે. સૂર્ય જ્ઞાનનું પ્રતીક છે અને હનુમાનજી મહારાજ બાળપણથી જ સૂર્યની ભૂખ લઈને જન્મ્યા છે. સૂર્યની ભૂખ એટલે કે પ્રકાશ, જ્ઞાન અને વિદ્યાની ભૂખ. પ્રત્યેક બાળકે હનુમાનજી પાસેથી આ પ્રેરણા લેવાની છે. આપણી પાસે બળ હોવું જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ અને વિદ્યા હોવી જોઈએ. આપણે હનુમાનજી પાસેથી હનુમાનચાલીસા કરતી વખતે એ જ માગીએ છીએ.

સૂર્યનારાયણ બુદ્ધિને પ્રકાશિત કરનારા દેવ છે. ગાયત્રીમંત્રમાં આપણે એ જ ભાવ કરીએ છીએ.

ૐ ભુભુર્વઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત્

અમારી બુદ્ધિને જે પ્રકાશિત કરે, પ્રેરિત કરે તેવા સૂર્યનારાયણ પરબ્રહ્મ સ્વરૂપ છે. હનુમાનજી મહારાજે બાળપણથી પોતાની જ્ઞાનની ભૂખનું પ્રદર્શન કર્યું છે. એનો પરિચય આપ્યો છે. એટલા માટે હનુમાનજી મહારાજને આપણે રુદ્રાવતાર રૂપે, સદગુરુના રૂપમાં પણ જોઈએ છીએ.

કહેવાય છે કે ભગવાન શિવ સર્વ વિદ્યાના અધિપતિ છે અને સૂર્યની આરાધના વિના વિદ્યા, જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. આ જ કારણે આપણે ત્યાં દરેક પાઠશાળામાં નાનકડું શિવમંદિર હોય જ. હનુમાનજી રુદ્રના અવતાર હોવાથી તેમને પણ ગુરુ માનીએ છીએ. હનુમાનચાલીસામાં કહેવાયું છે બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌ પવનકુમાર.

પછીની લાઇનમાં ત્રણ વસ્તુ માગી છે. ‘બળ, બુદ્ધિ, વિદ્યા દેહુ મોહિ...’ અને પછી બે વસ્તુને હરી લેવાની વાત કરી છે ‘હરહુ કલેષ વિકાર...’.

પ્રખર ભાગવતકાર ભાઈશ્રી ભાગવત-પ્રસાર ઉપરાંત પોરબંદરમાં સાંદીપનિ આશ્રમ દ્વારા નવી પેઢીમાં ધર્મભાવના જગાડવાનું કામ કરે છે.

- ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

hinduism culture news religion religious places shiva temple life and style lifestyle news porbandar gujarat