આદ્યમ થિયેટરની ‘અનકહી’: સ્ટેજ પર હોરર અને માનવીય સંવેદનાઓનું અનોખું મિશ્રણ

17 April, 2026 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આદ્યમ થિયેટર તેની આઠમી સીઝનની શરૂઆત આ જ પ્રકારના એક અત્યંત પ્રભાવશાળી સુપરનેચરલ થ્રિલર `અનકહી` સાથે કરી રહ્યું છે, જેનું દિગ્દર્શન જાણીતા ડિરેક્ટર વિક્રાંત પવારે કર્યું છે.

નાટકમાં ગોપાલ દત્ત અને રોહિત ચૌધરી જેવા NSD (National School of Drama)ના અનુભવી કલાકારો છે.

જ્યારે આપણે હોરર અને વુમન ઇન બ્લેક (The Woman in Black) જેવી ક્લાસિક વાર્તાઓની વાત કરીએ, ત્યારે મનમાં એક રહસ્યમયી અને ભયાનક છબી ઉપસી આવે છે. `બ્લેક વિડો` જેવી વાર્તાઓનો પ્રભાવ પણ ક્યાંક ને ક્યાંક આ જ પ્રકારના ડર અને એકલતા સાથે જોડાયેલો છે. આદ્યમ થિયેટર તેની આઠમી સીઝનની શરૂઆત આ જ પ્રકારના એક અત્યંત પ્રભાવશાળી સુપરનેચરલ થ્રિલર `અનકહી` સાથે કરી રહ્યું છે, જેનું દિગ્દર્શન જાણીતા ડિરેક્ટર વિક્રાંત પવારે કર્યું છે. તાજેતરમાં ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથેની ખાસ વાતચીતમાં વિક્રાંત પવારે આ નાટક સાથે જોડાયેલી તેમની જર્ની અને થિયેટરના બદલાતા સ્વરૂપ વિશે અનેક રસપ્રદ વાતો કરી હતી.

ભાષા અને અનુકૂલનનો પડકાર

વિક્રાંત પવાર જણાવે છે કે `અનકહી` નાટક સુઝાન હિલની નવલકથા પર આધારિત હોવા છતાં તેને ભારતીય પરિવેશમાં ઢાળવું એ એક મોટો પડકાર હતો. તેમણે કહ્યું, "જો મને વિશ્વાસ ન હોત કે આ વાર્તા હિન્દી ભાષામાં સહજતાથી રૂપાંતરિત થઈ શકશે, તો કદાચ મેં આ પ્રોજેક્ટ હાથમાં જ ન લીધો હોત" સ્ક્રિપ્ટ રાઈટર રોહિત ચૌધરીએ ભાષાની લય અને પ્રભાવને જાળવી રાખીને તેને `લોકલાઈઝ` કરવામાં અદ્ભુત કામ કર્યું છે.

સ્ટેજ પર હોરરનું સર્જન: એક ટ્રિકીજૉનર

સ્ક્રિન પર હોરર બતાવવું એક વાત છે, પરંતુ સ્ટેજ પર લાઈવ ઓડિયન્સ સામે ડર સર્જવો તદ્દન અલગ પ્રકારનો પડકાર છે. સ્ટેજ પર લાઈવ ઓડિયન્સ સામે તે ડર પેદા કરવો એ તકનીકી રીતે ખૂબ જ મુશ્કેલ કામ છે. વિક્રાંતના મતે, આ બે જ કલાકારોનું નાટક હોવા છતાં, તેમણે તેમની અત્યાર સુધીની તમામ દિગ્દર્શન કળાનો ઉપયોગ કર્યો છે. સાઉન્ડ, લાઈટ્સ અને ટાઈમિંગ જો પરફેક્ટ ન હોય, તો હોરર જૉનર ગણતરીના ક્ષણોમાં નિષ્ફળ જઈ શકે છે.થિયેટરમાં હોરર માફ નથી કરતું,” વિક્રાંત કહે છે. આ નાટકમાં ટેકનિકલ સંકલન અત્યંત મહત્વનું છે. દરેક ક્ષણ ચોકસાઈ માગી લે તેવી હોય છે.

કલાકારોનો અભિગમ અને શીખવાની પ્રક્રિયા

નાટકમાં ગોપાલ દત્ત અને રોહિત ચૌધરી જેવા NSD (National School of Drama) ના અનુભવી કલાકારો છે. વિક્રાંત કહે છે કે સ્ટેજ પર સ્ક્રિપ્ટ સતત ઇવોલ્વ (Evolve) થતી રહે છે. અનુભવી કલાકારો જ્યારે પોતાના કેરેક્ટરમાં ઊંડા ઉતરે છે, ત્યારે તે પ્રોસેસ એક દિગ્દર્શક તરીકે તેમને પણ ઘણું નવું શીખવે છે. આ નાટક દરમિયાન વિક્રાંતને પોતે પણ ઘણું આત્મનિરીક્ષણ કરવાની તક મળી છે.

આદ્યમ થિયેટર અને સર્જનાત્મક સ્વતંત્રતા

વિક્રાંતે આદ્યમ થિયેટર સાથેના અનુભવને રિફ્રેશિંગગણાવ્યો. તેમના જણાવ્યા મુજબ, ઘણા કિસ્સાઓમાં બને છે તેમ નાટકના ફંડિંગ સાથે શરતો પણ આવે છે, પરંતુ અહીં કલાકારના, દિગ્દર્શકના વિઝન પર વિશ્વાસ મૂકવામાં આવે છે.આ ક્રિએટિવ ફ્રીડમને કારણે જ અમે જે કરવું હતું તે પૂર્ણ રીતે કરી શક્યા,” તેઓ ઉમેરે છે.

શ્રેષ્ઠ કોમ્પ્લીમેન્ટ અને પ્રેક્ષકનો પ્રતિસાદ

વિક્રાંત માટે સૌથી મોટું કોમ્પ્લીમેન્ટ એ હતું કે જ્યારે 800 થી વધુ લોકો મોબાઈલ ફોન બાજુ પર મૂકીને 90 મિનિટ સુધી નાટકની વાર્તામાં ખોવાઈ ગયા હતા. તેમના મતે, અત્યારે સેલ્ફ-એક્સપ્રેશનનું સ્તર ખૂબ વિસ્તર્યું છે અને પ્રેક્ષકો પણ પ્રાયોગિક કામને સ્વીકારવા તૈયાર છે.

નાટક વિશે

વિક્રાંત પવાર દ્વારા દિગ્દર્શિત નાટક `અનકહી` એક અત્યંત રોમાંચક સાયકોલોજિકલ થ્રિલર અને હોરર અનુભવ છે, જે સુઝાન હિલ અને સ્ટીફન મેલેટ્રેટની કૃતિ પર આધારિત છે અને જેનું હિન્દી રૂપાંતર રોહિત ચૌધરીએ કર્યું છે. આ 90 મિનિટના નાટકમાં ગોપાલ દત્ત અને રોહિત ચૌધરી જેવા સમર્થ કલાકારો પોતાના અભિનયના ઓજસ પાથરશે. મુંબઈમાં આ નાટકના શો આગામી 18 અને 19 એપ્રિલ 2026 ના રોજ નરીમન પોઈન્ટ સ્થિત NCPA ના જમશેદ ભાભા થિયેટર ખાતે યોજાશે, જેમાં 18 એપ્રિલે સાંજે 7:30 વાગ્યે અને 19 એપ્રિલે બપોરે 4:00 તેમજ સાંજે 7:30 વાગ્યે પ્રદર્શન યોજાશે. ત્યારબાદ મે મહિનાની 2 અને 3 તારીખે બાંદ્રાના બાળ ગંધર્વ રંગમંદિર ખાતે પણ આ નાટક રજૂ કરવામાં આવશે. જો તમે હોરર અને રહસ્યમયી વાર્તાઓના શોખીન હોવ, તો આ અદભૂત નાટક જોવાનું ચૂકવા જેવું નથી.

theatre news mumbai news ncpa culture news south mumbai bandra