✕

ભલે વિદેશમાં વસીએ, પણ દિવાળી તો દેશી સંસ્કૃતિથી જ ઊજવવાની

08 November, 2026 10:31 AM IST  |  Mumbai | Darshini Vashi

કહેવાય છે કે સ્વદેશથી દૂર જવાનું થાય ત્યારે જ ખરી ભારતીય પરંપરાઓનું મૂલ્ય સમજાય છે. આજે મળીએ વિદેશમાં રહેતા એવા ગુજરાતીઓને જેઓ દરિયાપાર વસેલા હોવા છતાં અસ્સલ ભારતીય સંસ્કૃતિ અને રીતરિવાજની સાથે દિવાળીના પાંચે મુખ્ય દિવસની ઉજવણી કરે છે

પ્રતીકાત્મક તસવીર

દિવાળી એટલે માત્ર દીવા, રંગોળી અને ફટાકડાનો તહેવાર જ નહીં; આપણી સંસ્કૃતિ, પરંપરા અને લાગણીઓનો ઉત્સવ. વતનથી દૂર વિદેશની ધરતી પર વસતા ગુજરાતીઓ માટે તો દિવાળી એટલે ભારતીયતાને ઉમળકાભેર અને પરંપરાગત રીતે ઊજવવાનો અવસર. દેશ અને રહેઠાણ બદલાયાં છે પણ તહેવાર ઊજવવાની રીત અને સંસ્કાર બદલાયાં નથી. દુબઈથી લઈને બૅન્ગકૉક, પૅરિસ અને બ્રિટનમાં વસતા ગુજરાતીઓ આજે પણ ઘરની સાફસફાઈ, રંગોળી, દીવા, ગુજરાતી ફરસાણ, લક્ષ્મીપૂજન અને નવા વર્ષે સાલ મુબારક કહેવાની પરંપરાઓને જાળવી રાખીને દિવાળીને વતન જેવો જ રંગ આપે છે. જોઈએ વિદેશમાં વસતા ગુજરાતીઓ કેવી રીતે જાળવી રાખે છે દિવાળીની પરંપરાઓ.

મઠરી અને ચોળાફળી બનાવવાની અને પાંચેય દિવસ રોજ અવનવી રંગોળી કરવાની : વૈશાલી કારિયા, દુબઈ

દિવાળી આપણો મુખ્ય તહેવાર છે, એને ન ઊજવીએ તો કેમ ચાલે? એમ જણાવીને દુબઈમાં વ્યવસાય માટે સેટલ થયેલાં વૈશાલી કારિયા કહે છે, ‘ભલે અમે વતનથી દૂર છીએ, પણ આપણા રીતરિવાજો અને સંસ્કૃતિથી દૂર થયા નથી. અમે જે વિધિવિધાનથી ભારતમાં દિવાળી ઊજવતાં હતાં બસ એ રીતે જ વર્ષોથી દુબઈમાં દિવાળીની ઉજવણી કરીએ છીએ. દુબઈમાં અમારા ઘરે તો અગિયારસના દિવસથી જ દિવાળી શરૂ થઈ જાય છે. રોજ રંગોળી અને ઘરઆંગણે દીવા કરવાનાં એટલે કરવાનાં. ઘરની બારીઓ પર પણ લાઇટ્સ લાગી જાય. ઘરે ગુજરાતી નાસ્તા જેવા કે મઠરી, ચોળાફળી વગેરે બનાવીએ એટલું જ નહીં; દિવાળીના મુખ્ય દિવસોમાં પૂજાપાઠ પણ વ્યવસ્થિત શાસ્ત્રોચાર રીતે કરાવીએ છીએ. એ માટે અમે ખાસ ગોરમહારાજને પણ બોલાવીએ છીએ. ધનતેરસના દિવસે ઘરે લક્ષ્મીપૂજા કરીએ છીએ. કાળીચૌદસના દિવસે ઘરમાં નૈવેદ્ય બનાવીએ છીએ. દિવાળીના દિવસે ઑફિસમાં ચોપડાપૂજન કરીએ છીએ અને પૂજન પછી ફટાકડા પણ ફોડીએ છીએ. લાભપાંચમના દિવસે પણ અમે પૂજા કરીએ છીએ. જેમ આપણે ભારતમાં દિવાળીના દિવસોમાં ઘર બંધ કરતા નથી એમ અમે અહીં પણ મુખ્ય પાંચ દિવસોમાં ઘર બંધ કરીને ક્યાંય જતાં નથી.’

દિવાળીની સાફસફાઈથી લઈને પંડિત પાસે લક્ષ્મીપૂજા સુધીની બધી ‌વિ‌ધિ કરાવીએ : નેહા કોઠારી, બૅન્ગકૉક

જેમ ભારતમાં દિવાળી આવે એ પહેલાં સાફસફાઈથી લઈને નાસ્તા બનાવવાનું શરૂ થઈ જાય છે એમ અમે અહીં પણ એવું જ કરીએ છીએ એમ જણાવીને છેલ્લાં ઘણાં વર્ષથી બૅન્ગકૉકમાં રહેતાં નેહા કોઠારી કહે છે, ‘દેશ બદલાવાથી સંસ્કાર અને સંસ્કૃતિ બદલાતાં નથી. દિવાળી શરૂ થાય એ પહેલાં બધી સાફસફાઈ થઈ જાય છે. હવે તો અમારા સર્વન્ટને પણ ખબર પડી ગઈ છે કે દિવાળી કેટલો મોટો તહેવાર છે. ઘરમાં નાસ્તા અને મીઠાઈ પણ બનવા માંડે છે. તહેવારોની ઉજવણીની વાત કરીએ તો ધનતેરસના દિવસે સવારે શુકનનો શીરો બને છે. સાંજે દીવાબત્તી કરીને ધનતેરસનું પૂજન કરવામાં આવે છે. ત્યાર બાદ અમે રિવાજ મુજબ ચાંદી ખરીદીએ છીએ. આવી રીતે પાંચે દિવસ ઘરમાં શુકનની અલગ-અલગ મીઠાઈ બને છે. મહારાજને બોલાવીને પ્રૉપર મંત્રોચ્ચાર સાથે પૂજાપાઠ વગેરે કરાવીએ છીએ. ઑફિસમાં પણ પૂજાપાઠ કરાવીએ છીએ. ત્યાર બાદ બાળકો ફટાકડા ફોડે છે. અમારા ઘરમાં દીવો કરવાની જે પરંપરા છે એ મુજબ જ અમે દીવા કરીએ છીએ. દિવાળીના પાંચ મુખ્ય દિવસોમાં સાંજે કરેલો દીવો ઓલવાઈ જાય એટલે રાત્રે ૧૨ વાગ્યે એને બાલ્કનીમાં મૂકી આવીએ છીએ અને પછી ત્યાર બાદ એમાં તેલ પૂરીને સવારે અંદર લઈ લેવામાં આવે છે. આવા તમામ ધાર્મિક રિચ્યુઅલ અમે અહીં કરીએ છીએ. નવા વર્ષના દિવસે આપણી પરંપરા છે કે બધાં પરિચિત અને સગાંસંબંધીઓ એકબીજાના ઘરે સાલ મુબારક કરવા આવે છે એવી જ રીતે અમે અહીં ગેટ-ટુગેધર કરીએ છીએ. અમારા વિદેશી મિત્રોને અમે નવા વર્ષનાં વધામણાં આપવા જઈએ છીએ. ઘરે મિજબાની ગોઠવીએ છીએ અને પરિવાર તથા મિત્રોને બોલાવીએ છીએ.’

ભલે ૪ રસ્તે વડાં ન મૂકી શકીએ, પણ ઘરમાં તો  દર વર્ષે કાળીચૌદસના દિવસે વડાં બને જ : રીટા દરજી, લેસ્ટર

મારાં લગ્નને ૩૦ વર્ષ થયાં છે અને ત્યારથી હું અહીં બ્રિટનમાં છું, પણ એકેય એવી દિવાળી નથી ગઈ જે અમે પરંપરાગત રીતે ઊજવી ન હોય એમ જણાવીને બ્રિટનમાં આવેલા લેસ્ટરમાં રહેતાં રીટા દરજી કહે છે, ‘મારાં સાસુ જેઓ હવે હયાત નથી તેમનો જન્મ આફ્રિકામાં થયો હતો અને લગ્ન બાદ અહીં બ્રિટનમાં આવ્યાં હતાં છતાં તેઓ એટલી જ પરંપરાગત અને અસલ રીતરિવાજો સાથે દિવાળી ઊજવતાં હતાં. તેમની સાથે રહીને મને પણ એવી જ રીતે દિવાળી ઊજવવાની આદત પડી ગઈ હતી. હું જૉબ કરું છું એટલે દશેરા પછીના એક વીક-એન્ડમાં ઘરની સાફસફાઈ કરી લઉં છું અને એ પછીના વીક-એન્ડમાં નાસ્તા અને મીઠાઈ બનાવી લઉં છું. અગિયારસ શરૂ થાય ત્યાં સુધીમાં બધી તૈયારી થઈ જાય. દિવાળીના દિવસો શરૂ થાય એટલે રોજ સવારે ઉંબરાપૂજનથી અમારો દિવસ શરૂ થાય. ત્યાર બાદ દરવાજે સાથિયા કરીએ. અમે જ્યાં રહીએ છીએ ત્યાં હવા બહુ હોય છે અને વાતાવરણ પણ ગમે ત્યારે પલટો મારે છે એટલે અમે ઘરની બહાર દીવા અને રંગોળી નથી કરતાં, પરંતુ ઘરની અંદર દીવા મૂકીએ છીએ અને એક બોર્ડ પર રંગોળી બનાવીને ઘરની અંદર મૂકીએ છીએ. દિવસ પ્રમાણે પૂજા તો થાય સાથે કાળીચૌદસના દિવસે વડાં પણ બનાવીએ. અહીં તો ૪ રસ્તે વડાં ન મૂકી શકીએ, પણ ઘરમાં તો બને જ. નવા વર્ષે હું ઑફિસમાંથી રજા લઉં છું. છેલ્લાં ૩૦ વર્ષથી દર નવા વર્ષે મારી રજા નક્કી જ હોય છે. આ દિવસ હું મારા પરિવારજનો સાથે વિતાવું છું, મંદિરમાં જાઉં છું અને ભક્તિ કરું છું.’

રંગોળી કરવા ખાસ ભારતથી ચારોટી મગાવીએ : રેખા સુરતી, પૅરિસ

જે રીતે અમે ભારતમાં હતાં ત્યારે દિવાળીનો તહેવાર ઊજવતાં હતાં એવી જ રીતે અહીં પૅરિસમાં દિવાળી ઊજવીએ છીએ એમ જણાવીને પેરિસમાં ઘણાં વર્ષોથી રહેતાં રેખા સુરતી કહે છે, ‘ઘરની મહિલાઓ ઘૂઘરા, ગાંઠિયા, ચોળાફળી, ચકરી, ગાંઠિયા, મોહનથાળ, પૂરી, કાજુકતરી, મઠિયાં જેવા નાસ્તા અને મીઠાઈ બનાવે છે. રંગોળીથી લઈને દીવા સુધીનું બધું દિવાળીના પાંચે દિવસોમાં થાય છે. સાથિયા પણ ચારોટીથી કરીએ. અહીં પૅરિસમાં એ મળતી નથી. મોટા ભાગે તો અમે ભારત આવીએ ત્યારે જ બધી સામગ્રી લઈ જતા હોઈએ છીએ, પરંતુ જો ભારતથી લાવી ન શક્યા હોઈએ તો ખાસ લંડનથી એ મગાવીએ છીએ પણ ચારોટીથી સાથિયા તો કરીએ જ છીએ. ધનતેરસની પૂજાથી લઈને લાભપાંચમ સુધીની તમામ પૂજા પ્રૉપર વિધિ પ્રમાણે થાય છે. અમે કોઈ મહારાજને નથી બોલાવતા, પણ અમારી રીતે જ પૂજા કરીએ છીએ. પહેલાં બેસતા વર્ષે અમે અહીં વસતા ગુજરાતીઓ એકબીજાના ઘરે સાલ મુબારક કરવા માટે જતા હતા, પરંતુ છેલ્લાં થોડાં વર્ષથી અહીં ગુજરાતી સમાજ દ્વારા નવા વર્ષના દિવસે ગેટ-ટુગેધરનું આયોજન કરવામાં આવે છે જેમાં અહીં રહેતા ગુજરાતીઓ ભેગા થાય છે. લગભગ ૧૨૦૦થી ૧૫૦૦ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપે છે. સુંદર કાર્યક્રમો પણ યોજાય છે. તમે જાણે ભારતમાં જ છો એવું લાગે છે. ફટાકડા પણ અમે ફોડતા હોઈએ છીએ, પરંતુ અહીં વધુ ધ્વનિ અને વાયુપ્રદૂષણ ફેલાવતા ફટાકડા ફોડવામાં આવતા નથી એટલે અમે તનકતારા અને નાના-નાના ફટાકડા ફોડીએ છીએ.’

life and style lifestyle news culture news diwali festivals gujarati community news