✕

દીપકની આકર્ષક જ્યોતિ એ એકાંત અને આગ વિનાનો ધુમાડો એનું નામ એકલતા

12 November, 2026 03:01 PM IST  |  Kutch | Gujarati Mid-day Correspondent

એક પણ ઘરમાં તુવેરની દાળ મળે નહીં. મનમાં એ ‌વિશેનો કોઈ અંજપો તો નહોતો, પણ કુતૂહલ તો ચોક્કસ હતું કે આમ કેમ હશે? અને મેં મારા બે-ચાર પીઢ સાધુઓને આ કામ સોંપી દીધું અને તેઓ જે તારણ લઈને આવ્યાં એ સાંભળીને માત્ર મારી જ નહીં.

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

કચ્છમાં આવી ગયેલા ભૂકંપ પછીના એ દિવસોમાં બનાસકાંઠાના વિસ્તારમાં અમારી વિહારયાત્રા ચાલુ હતી. ખંડેર થઈ ગયેલાં મકાનો, છાવણીઓમાં રસોડાઓ અને નિસ્તેજ ચહેરાઓ. વાતાવરણમાં નીરસતા અને સંવાદોમાં ઉદાસીનતા. આ માહોલ વચ્ચે અમે વિહાર કરીને થરા પહોંચ્યા. પ્રવચનોમાં ‘સમાધિ’ વિષય કેન્દ્રસ્થાને રહ્યો. સંખ્યા વિશાળ.

શ્રોતાઓના ચહેરાઓ પર સ્મિત પ્રગટાવવામાં સારી એવી સફળતા મળવાથી ત્યાં રોકાણ લંબાવ્યું તો ખરું, પણ ગોચરી વહોરવા જઈ રહેલા મુનિવરોને એક ન સમજાય એવો અનુભવ થવા લાગ્યો.

એક પણ ઘરમાં તુવેરની દાળ મળે નહીં. મનમાં એ ‌વિશેનો કોઈ અંજપો તો નહોતો, પણ કુતૂહલ તો ચોક્કસ હતું કે આમ કેમ હશે? અને મેં મારા બે-ચાર પીઢ સાધુઓને આ કામ સોંપી દીધું અને તેઓ જે તારણ લઈને આવ્યાં એ સાંભળીને માત્ર મારી જ નહીં, મારા બધા જ સાધુઓની આંખો આંસુથી છલકાઈ ગઈ.

‘કચ્છમાં આવેલા ભૂકંપે સર્જેલા હાહાકારથી થરાનો આખો સંઘ વ્યથિત છે. સમસ્ત કચ્છના ભૂકંપગ્રસ્ત લોકોની સહાનુભૂતિમાં થરાના સકલ શ્રી સંઘે જનરલ મીટિંગમાં કેટલાક સમય સુધી કોઈ પણ ઘરમાં તુવેરની દાળ નહીં જ બનાવવાનો ઠરાવ કર્યો છે!’

‘તુવેરની દાળ જ કેમ?’

‘એટલા માટે કે તમામ પ્રકારની દાળોમાં સૌથી વધુ સ્વાદિષ્ટ દાળ કોઈ હોય તો એ તુવેરની દાળ જ છે. સાચા અર્થમાં જો અમને કચ્છના લોકો પ્રત્યે હૃદયનો પ્રેમ છે તો આટલું બલિદાન તો અમારે આપવું જ પડેને?’

તુવેરની દાળ છોડીને થરાના લોકોએ સાબિત કર્યું કે સંવેદનાપૂર્વક સહાનુભૂતિમાં જોડાવું એ મંગલ ‘એકાંત’ છે, જ્યારે પીડિતો પ્રત્યે ઉદાસીન રહીને માત્ર પોતાના સુખમાં રચ્યાપચ્યા રહેવું એ આત્માની ‘એકલતા’ છે.

વર્તમાનકાળે બે શબ્દો બહુ પ્રચલિત છે. એક શબ્દનું નામ છે એકાંત તો બીજા શબ્દનું નામ છે એકલતા. સમજણપૂર્વક ભરપૂર પ્રસન્નતા સાથે સહુથી અલગ થઈને મસ્તીની અનુભૂતિ કરતા રહેવું એનું નામ એકાંત અને સહુની નારાજગીના શિકાર બનવાથી અંદરથી એક જાતનો ખાલીપો અનુભવાતો રહે એનું નામ એકલતા.

સ્પષ્ટ શબ્દોમાં કહું તો દીપકની આકર્ષક જયોતિ એ એકાંત અને આગ વિનાનો ધુમાડો એનું નામ એકલતા. મૌન છતાં કલ્પનાતીત મસ્તીની અનુભૂતિ એનું નામ એકાંત અને મૌન રહેતી ન સંભળાતી બૂમો, ચીસો એનું નામ એકલતા. રણમાં નંદનવનની અનુભૂતિ કરાવતું રહે એનું નામ એકાંત અને નંદનવનમાં રણની અનુભૂતિ કરાવતી રહે એનું નામ એકલતા.

વાસ્તવદર્શી વિચારધારા થકી જીવનપરિવર્તનનું નિમિત્ત બનતા જૈન ગુરુવરને ભારત સરકારે પદ્‍મભૂષણ ખિતાબથી સન્માનિત કર્યા છે

kutch earthquake being human jain community culture news life and style lifestyle news