22 September, 2026 02:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પૂર્વ ભારતનો મગધ વિસ્તાર.
બિહારી ઠંડીના સુસવાટા વચ્ચે એક સાધક શૂન્યઘરમાં નિશ્ચલ ઊભો છે. પવનમાં લહેરાતી ડાળીઓને જોઈને પણ વૃક્ષની કંપારીની કલ્પના થઈ આવે એવો માહોલ.
વધુપડતી ઠંડીને કારણે સાધકનું શરીર કંપવા લાગ્યું. દાંત વીણાવત્ વાગવા લાગ્યા. સાધક તો નિશ્ચલ હતા. આ તો દેહની ધ્રુજારી હતી, ઠંડીને કારણે થતું આ બૉડી-રીઍક્શન હતું. ચિત્તની એકાગ્રદશાને એની અસર પહોંચે એ પહેલાં જ સાધક શૂન્યઘરમાંથી બહાર ખુલ્લા મેદાનમાં આવીને આંટો મારે છે. શાસ્ત્રોમાં આને માટે ‘ચંક્રમણ’ શબ્દ વપરાયો છે.
મેદાનની વધુપડતી ઠંડીને કારણે ધ્રુજારી વધુ જોર પકડે છે. થોડા ચંક્રમણ બાદ સાધક એ જ શૂન્ય ઠારમાં અંદર આવે છે અને કાઉસગ્ગમાં સ્થિર ઊભા રહે છે. ૪ દીવાલની વચ્ચે આવવાથી થોડો હાશકારો શરીરને અનુભવાયો હશે અને ધ્રુજારી શમી ગઈ. ધ્યાન લાગી ગયું. જ્યાંથી કંપન શરૂ થયું હતું ત્યાં જ કંપન શમી ગયું.
પ્રભુવીરની સાધનાકાળ દરમ્યાન બનતી આવી ઘટનામાં દુઃખ વિશેનું અદ્ભુત મૅનેજમેન્ટ વણાયેલું છે. ભલે બધે નહીં પણ જીવનમાં અનેક પ્રસંગે આ પ્રસંગથી સમાધિ ટકાવી શકાય છે. એ ઉદાહરણો જોઈ લો, તમને જ સમજાઈ જશે.
૧. ૪૦૦ વારના બંગલામાં જ્યારે સંકડાશ લાગે ત્યારે એક સમયે ચાલી સિસ્ટમમાં કે નાના 1BHKમાં ૬ સભ્યો કઈ રીતે રહેતા હતા એ યાદ કરી શકાય.
૨. લૉકડાઉનને કારણે ૪ મહિનાથી એકેય નવો ડ્રેસ લઈ ન શક્યાની બળતરા રહેતી હોય ત્યારે ૧૦ વર્ષ પહેલાંની સામાન્ય સ્થિતિમાં ૪ જોડી કપડાંમાં આખું વર્ષ કેવું ખેંચી લેતા એ યાદ કરી શકાય.
૩. વર્ષના અંતે ૧૦ લાખના પૅકેજવાળાને ઇન્ક્રીમેન્ટ ન મળે ત્યારે શરૂઆતનાં વર્ષોમાં સાડાત્રણ લાખના પૅકેજમાં કેવા આનંદથી રહેતા હતા એ સ્મૃતિની સ્ક્રીન પર લાવી શકાય.
૪. ભાઈએ મોંઘી કાર લીધી અને આપણે સાદી કારથી ચલાવવું પડ્યું એવા સમયે એ દિવસો યાદ કરો જ્યારે ઍક્ટિવા પર ફરતા હતા.
એક પોલાદી માનસિકતા ઊભી કરવાનો આ પ્લાન છે. જીવનમાં આવી પડેલી તકલીફો ક્યારેય અસહ્ય ન બને એવું માઇન્ડસેટ તૈયાર કરી આપે છે, કારણ કે છેવટે તો માણસને સુખી થવું છે અને સુખી થવા માટે કેટલું દોડી શકો છો એના કરતાં કેટલું છોડી શકો છો એ ક્ષમતા મહત્ત્વની છે. સુખી થવાનો આ રાજમાર્ગ છે. વિજ્ઞાન ભલે મંગળ પર જીવનની શક્યતા ચકાસતું રહે, જ્યારે ધર્મશાસન તો જીવનમાં મંગળમયતા ઊભી કરવાની કોશિશ કરે છે. ઊંચા જીવનધોરણ કરતાં જીવનના ઊંચા ધોરણનું મહત્ત્વ વધારે છે.
સતત ઊંચકાતા Standard of Livingને કારણે માણસ પરેશાન થાય ત્યારે આ વિચારદિશા તેને છેવટે એટલું તો ચોક્કસ સમજાવશે કે લાઇફસ્ટાઇલમાં મહત્ત્વ લાઇફનું છે, સ્ટાઇલનું નહીં.
-જૈનાચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિ