26 October, 2026 05:28 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
દિવાળી પહેલાં ઘરનો ખૂણેખૂણો સાફ થાય છે, કબાટ અને માળિયામાંથી બિનજરૂરી વસ્તુઓ બહાર કાઢીને ઘરને નવેસરથી વ્યવસ્થિત કરવામાં આવે છે; પરંતુ આ જ સમયે જો પોતાના મનમાં જમા થયેલો ગુસ્સો, સંબંધોમાં રહેલી કડવાશ અને નકારાત્મક વિચારોની પણ સફાઈ કરવામાં આવે તો? તહેવારની તૈયારીને માત્ર ઘરની સજાવટ સુધી સીમિત રાખવાને બદલે એને પોતાની અંદર ડોકિયું કરવાની તક પણ બનાવવી જોઈએ
દિવાળી નજીક આવતાં જ ઘર-ઘરમાં સાફસફાઈ અને કલરકામ શરૂ થઈ જાય છે. માત્ર દિવાળી જ નહીં, દુનિયાના અન્ય ધર્મો અને સંસ્કૃતિઓમાં પણ તહેવારો વખતે શુદ્ધિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. મુસ્લિમ પરિવારો રમઝાન મહિના પછી આવતી ઈદના પર્વ નિમિત્તે પોતાનાં ઘરોની વિશેષ સાફસફાઈ અને સજાવટ કરે છે. ખ્રિસ્તી સંસ્કૃતિમાં પણ ક્રિસમસના તહેવાર પહેલાં ઘરને ચમકાવવાની અને સાફ કરવાની જૂની પરંપરા છે. આપણે તહેવારો નિમિત્તે ઘરની સાફસફાઈ અને ભૌતિક શુદ્ધિ પર પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ, પરંતુ ક્યારેક આપણી આંતરિક શુદ્ધિ અવગણાઈ જાય છે. વાસ્તવિક ઉત્સવ ત્યારે જ ઊજવાય છે જ્યારે તહેવારોમાં આપણી શુદ્ધિ માત્ર બાહ્ય કે ભૌતિક ન બની રહે પરંતુ આપણા મન, વિચાર અને ભાવનાઓમાં રહેલી અશુદ્ધિઓ પણ દૂર થાય. આપણા મનમાં જામેલા કચરા જેવા કે ક્રોધ, ઈર્ષ્યા, અહંકાર અને નકારાત્મક વિચારોને સાફ કરવા પણ એટલા જ જરૂરી છે. આ દિવાળીએ આપણે માત્ર ઘરના ખૂણે-ખૂણે જ નહીં, આપણા અંતરના ખૂણે-ખૂણે પણ સફાઈ કરવાનો સંકલ્પ કરીએ અને એ દિશામાં વિચારતા થઈએ એ આપણી મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે.
માનસિક અને ભાવનાત્મક કચરો ભરાવાની શરૂઆત કઈ રીતે થાય છે અને આ પૅટર્નને કઈ રીતે ઓળખી શકીએ એ વિશે માહિતી આપતાં ઇમોશનલ વેલનેસ કોચ રિશિતા મખીજા કહે છે, ‘માનસિક અને ભાવનાત્મક કચરો ઘણી વાર આપણા રોજિંદા વિચારો, વર્તન અને સંબંધો દ્વારા બહાર આવે છે. સતત ચાલતા વિચારો, નાની-નાની વાતોમાં ચીડચીડાપણું, એકાગ્રતાનો અભાવ, ભાવનાત્મક થાક અને સામાન્ય પરિસ્થિતિઓમાં પણ અતિશય પ્રતિક્રિયા આપવી એ દર્શાવે છે કે આપણા મન પર તનાવ એકઠો થઈ રહ્યો છે. આનો બીજો સામાન્ય સંકેત એ છે કે આપણે વારંવાર જૂની વાતચીતોને મનમાં વાગોળ્યા કરીએ છીએ, લોકો શું વિચારશે એની વધુ પડતી ચિંતા કરીએ છીએ અથવા હંમેશાં ખરાબમાં ખરાબ પરિસ્થિતિની કલ્પના કરવા લાગીએ છીએ. આ સિવાય આપણે આપણી જાત પ્રત્યે ખૂબ કઠોર બની જઈએ છીએ, વર્તમાન ક્ષણને માણી શકતા નથી અથવા પોતાના માટે સમય કાઢવામાં પણ અપરાધભાવ અનુભવીએ છીએ. ભાવનાત્મક ભાર આપણા સંબંધો પર પણ અસર કરે છે. જ્યારે આપણે બીજાને ખુશ કરવા માટે સતત આપણી પોતાની જરૂરિયાતોને નજરઅંદાજ કરીએ છીએ ત્યારે ધીમે-ધીમે મનમાં અણગમો કે કડવાશ ઘર કરી જાય છે. આપણે જ્યારે આપણી લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી અથવા મર્યાદાઓ નક્કી નથી કરી શકતા ત્યારે સમય જતાં હતાશા વધતી જાય છે. એવી જ રીતે જ્યારે આપણું આત્મસન્માન બીજાની મંજૂરી પર આધાર રાખવા લાગે ત્યારે આપણે સતત લોકોની શાબાશી શોધતા રહીએ છીએ અને પોતાના જ નિર્ણયો પર શંકા કરવા લાગીએ છીએ. આપણે તત્કાળ પ્રતિક્રિયાઓથી આગળ વધીને એના મૂળમાં રહેલી વાસ્તવિક લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણી વાર ગુસ્સા પાછળ ઊંડો ઘા કે નિરાશા છુપાયેલી હોય છે અને વધુ પડતા વિચારો અનિશ્ચિતતા અથવા ભૂલ થઈ જવાનો ડર દર્શાવે છે. આ પૅટર્નને ઓળખવાથી આપણે આપણી જાતને વધુ સારી રીતે સમજી શકીએ છીએ અને સભાનપણે વર્તી શકીએ છીએ. આની શરૂઆત કરવાનો એક સરળ રસ્તો એ છે કે થોડી ક્ષણો રોકાઈને જાતને ૩ સવાલો પૂછવા. હું અત્યારે શું અનુભવી રહ્યો છું? આ લાગણી પાછળનું સાચું કારણ શું હોઈ શકે? મને અત્યારે કઈ બાબતની સૌથી વધુ જરૂર છે? નિયમિતપણે જાતનું મૂલ્યાંકન કરવાથી આપણે આવી પૅટર્નને સમયસર ઓળખી શકીએ છીએ, જેથી એ આપણા સ્વાસ્થ્યને અને સંબંધોને બગાડે નહીં.
આંતરિક શુદ્ધિ માટે આપણે કેવી સમજણ કેળવવાની જરૂર છે એ વિશે વાત કરતાં રિશિતા મખીજા કહે છે, ‘આંતરિક સફાઈની શરૂઆત આપણી લાગણીઓને સ્વીકારવાથી થાય છે. આપણે એ સમજવું પડે કે આપણને કઈ બાબતોથી ગુસ્સો કે દુઃખ થાય છે અને એવા કયા વિચારો છે જે હવે આપણા કોઈ કામના નથી રહ્યા. આનો અર્થ મુશ્કેલ લાગણીઓને દબાવી દેવી કે દુઃખદ અનુભવોને ભૂલી જવું એવો નથી, પણ એ અનુભવોને યોગ્ય અને સ્વસ્થ રીતે સમજવાનો છે જેથી એ આપણા નિર્ણયો અને સંબંધોને નિયંત્રિત ન કરવા લાગે. જૂની બાબતોને છોડી દેવી એ આ પ્રક્રિયાનો એક મહત્ત્વનો ભાગ છે. આપણે જ્યારે સતત ભૂતકાળમાં જ જીવતા રહીએ છીએ ત્યારે વર્તમાનને પૂરેપૂરો માણવા માટે આપણી પાસે જગ્યા બચતી નથી. જે બની ગયું છે એને કદાચ આપણે બદલી નથી શકતા, પરંતુ એ અનુભવો તરફ જોવાનો આપણો નજરિયો જરૂર બદલી શકીએ છીએ. લાગણીઓમાં સકારાત્મક બદલાવ લાવવા માટે સૌથી પહેલું પગલું જાગરૂકતા છે. જેમ આપણે ઘરમાં જરૂરી વસ્તુઓ રાખવા માટે વધારાનો સામાન બહાર કાઢી નાખીએ છીએ એમ આગળ વધવા માટે આપણે મન પરનો વધારાનો ભાર હળવો કરવો પડે છે. આનાથી સકારાત્મક વિચારસરણી, આત્મસન્માન અને વધુ સારા સંબંધો માટે જગ્યા બને છે. ભાવનાત્મક સફાઈનો અર્થ નકારાત્મકતાને સાવ ખતમ કરી દેવી એવો નથી, પરંતુ લાગણીઓ આપણા જીવન પર હાવી ન થઈ જાય એ રીતે એને સંભાળતાં શીખવું એ છે.’
ઘરમાં દરરોજ આપણે ઝાડુ મારીએ એ રીતે જો સવારે માત્ર ૧૦ મિનિટની એક સરળ દિનચર્યાનું અનુકરણ કરો તો એ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને જાળવી રાખવામાં ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે. એ માટે રિશિતા મખીજાએ જણાવેલી આ ૬ બાબતોને રોજિંદા જીવનમાં અપનાવી શકાય.
આભાર વ્યક્ત કરવો : દિવસની શરૂઆત એવી ૩ બાબતો લખીને કરો જેના માટે તમે આભારી છો.
જાત સાથે સંવાદ : થોડી ક્ષણો શાંતિથી બેસીને તમારી લાગણીઓનો તાગ મેળવો
કે તમે અંદરથી કેવું અનુભવી રહ્યા છો.
ચિંતાઓની સ્પષ્ટતા : જો મન વિચારોના ભારથી ભરેલું લાગતું હોય તો તમારી ચિંતાઓને કાગળ પર ઉતારી લો. ત્યાર પછી એ નક્કી કરો કે કઈ બાબતો તમારા નિયંત્રણમાં છે અને કઈ બાબતોને મનમાંથી છોડી દેવાની જરૂર છે.
શરીર અને શ્વાસ પર ધ્યાન : આ પછી મનને વર્તમાન ક્ષણમાં સ્થિર કરવા માટે થોડી મિનિટો હળવું સ્ટ્રેચિંગ કરવાની અથવા ઊંડા શ્વાસ લેવાની કસરત કરો.
સકારાત્મક વિચાર : દિવસની શરૂઆત યોગ્ય માનસિકતા સાથે કરવા માટે કોઈ પ્રેરણાદાયી વિચાર કે સકારાત્મક વાક્ય (અફર્મેશન) વાંચો.
દિવસનો સંકલ્પ : દિવસ માટે કોઈ પણ એક મુખ્ય પ્રાથમિકતા નક્કી કરો અને એક ચોક્કસ સંકલ્પ લો. જેમ કે દરેક પરિસ્થિતિમાં શાંતિથી પ્રતિક્રિયા આપવી, પોતાની જાત પ્રત્યે વધુ દયાળુ રહેવું અથવા સંબંધોમાં સ્વસ્થ સીમાઓ જાળવવી.
આંતરિક શુદ્ધિ અને માનસિક શાંતિ માટે જૂની વાતોનો ભાર હળવો કરતાં શીખવું જરૂરી છે. આપણે જ્યારે કોઈ દુઃખદ અનુભવ, ગુસ્સો કે વેરની ભાવનાને લાંબા સમય સુધી પકડી રાખીએ છીએ ત્યારે એની અસર આપણા મનની શાંતિ અને રોજિંદા જીવન પર પડી શકે છે. જોકે લેટ ગો એટલે કે કોઈ વાતને જતી કરવી એનો અર્થ અન્યાય સહન કરવો કે પોતાની લાગણીઓ દબાવી દેવી એવો નથી. ઘણા લોકોને એવું લાગે છે કે કોઈને માફ કરી દેવાથી તેઓ નબળા સાબિત થશે અથવા સામેવાળી વ્યક્તિ ફરીથી તેમનું અપમાન કરશે, પરંતુ પોતાની મર્યાદાઓ અને આત્મસન્માન જાળવીને પણ મનનો ભાર હળવો કરી શકાય છે. આત્મસન્માન સાથે બાંધછોડ કર્યા વિના કોઈને માફ કરવા જોઇએ॥
આત્મસન્માન જાળવવાનો અર્થ અન્યાય કે અપમાન સહન કરતા રહેવું એવો નથી. એ જ રીતે દરેક દુઃખદ અનુભવનો ગુસ્સો મનમાં પકડી રાખવો પણ જરૂરી નથી. પોતાની મર્યાદાઓ સ્પષ્ટ રાખીને અને લાગણીઓને સમજવાનો પ્રયાસ કરીને આગળ વધી શકાય છે.
આંતરિક શુદ્ધિ માટે બીજાના વર્તન વિશે વારંવાર વિચારતા રહેવાને બદલે પોતાની પ્રતિક્રિયાને સમજવાનો પ્રયાસ કરવો પણ એટલો જ જરૂરી છે. આ વિશે વાત કરતાં તેજલ કારિયા કહે છે, ‘તેણે મારી સાથે આવું કેમ કર્યું? પેલી આવું બોલી કેવી રીતે? આપણે ઘણી વાર સામેવાળાએ આપણી સાથે શું કર્યું એની લાંબી યાદી લઈને બેસી જઈએ છીએ, પરંતુ એ આખી પ્રક્રિયામાં પોતાની પ્રતિક્રિયા કેવી હતી એ જોવાનું રહી જાય છે. બીજાના વર્તન વિશે વારંવાર વિચારતા રહેવાથી મન એ જ વાતમાં અટવાઈ જાય છે અને માનસિક અશાંતિ વધી જાય છે. ઓવરથિન્કિંગમાં આપણે ઘણી વાર એવી બાબતો વિશે વિચારતા રહીએ છીએ જે આપણા નિયંત્રણમાં નથી, જ્યારે આત્મનિરીક્ષણ આપણને પોતાની પ્રતિક્રિયા અને વર્તન સમજવામાં મદદ કરે છે. સામેવાળી વ્યક્તિએ શું કહ્યું કે કર્યું એ કદાચ આપણે બદલી શકતા નથી, પરંતુ એના જવાબમાં આપણે કેવી રીતે વર્ત્યા અને આગળ આવી પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો એ વિશે વિચાર કરી શકીએ છીએ. જ્યારે કોઈ પરિસ્થિતિમાં ગુસ્સો આવે કે ખોટું લાગે ત્યારે તરત જ વળતો જવાબ આપવાને બદલે થોડી ક્ષણો થોભવું, ઊંડો શ્વાસ લેવો અને પછી વિચારીને પ્રતિક્રિયા આપવી એ આત્મનિરીક્ષણની શરૂઆત છે. પોતાના વર્તનને વધુ સારી રીતે સમજવા માટે દિવસના અંતે પોતાની જાતને ૩ સવાલો પૂછવાની આદત કેળવી શકાય છે. આજે કઈ બાબત સારી રીતે સંભાળી? કઈ પરિસ્થિતિમાં હું વધુ સમજદારીથી વર્તી શક્યો હોત? સંબંધોને વધુ સારા બનાવવા માટે હું કયું નાનું પગલું લઈ શકું? આત્મનિરીક્ષણનો હેતુ પોતાની ભૂલો શોધીને પોતાની જાતને દોષી ઠેરવવાનો કે અપરાધભાવ અનુભવવાનો નથી, પરંતુ પોતાના અનુભવમાંથી શીખવાનો છે. પોતાની પ્રતિક્રિયાઓને સમજવાથી ભવિષ્યમાં સમાન પરિસ્થિતિઓને વધુ શાંતિથી અને સમજદારીથી સંભાળવામાં મદદ મળી શકે છે.’