બંધ ન થાય તો મર્યાદા બાંધવાનું કામ તો ચોક્કસ થઈ શકે

24 September, 2026 07:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુદ્ગલપ્રીત ઘટાડવા માટે variety, area, period, quantity, voltage અને capacity એમ છ રીતે પોતાની ઇચ્છાઓ અને ભૌતિક સુખો પર મર્યાદા મૂકવાની સમજ આપવામાં આવી છે. સામાયિક દ્વારા આ સંયમને જીવનમાં ઉતારવાનો માર્ગ પણ જણાવાયો છે.

પ્રતીકાત્મક તસવીર

અંગ્રેજીમાં બે વાક્યો આવે. 
The Better is the enemy of good અને The Best is the enemy of Better. શો છે આનો તાત્પર્યાર્થ? આ જ, વધુ સારું (પ્રિયતર) સારા એટલે કે પ્રિયનું દુશ્મન છે અને એકદમ સારું એટલે કે પ્રિયતમ વધુ સારા પ્રિયતરનું દુશ્મન છે.
દાખલા તરીકે, બૉલપેન મળતાં પેન્સિલ છૂટી જાય છે અને પાર્કર પેન મળતાં બૉલપેન છૂટી જાય છે. બંગલો મળતાં ફ્લૅટ છૂટી જાય છે અને ફાર્મહાઉસ મળતાં બંગલો છૂટી જાય છે. થેપલાં મળતાં રોટલી છૂટી જાય છે અને ઢોસા મળતાં થેપલાં છૂટી જાય છે. નવું શર્ટ મળતાં જૂનો ઝભ્ભો ભુલાઈ જાય છે અને તક મળતાં ઘણી વાર સાથી પણ ભુલાઈ જાય છે. 
આ જ વાત અધ્યાત્મના સંદર્ભમાં જો કરીએ તો પુણ્યપ્રીત જાગતાં પુદ‍્ગલપ્રીત ઘટવા લાગે અને પ્રભુપ્રીત જાગતાં પુણ્યપ્રીત ગૌણ બનવા લાગે. સંવર પ્રત્યે આકર્ષણ જાગતાં શુભ આશ્રય ગૌણ બનવા લાગે છે અને નિર્જરા પ્રત્યે આકર્ષણ જાગતાં સંવર સ્થાનો નંબર બે પર આવવા લાગે છે. પૌષધ પર પ્રેમ જાગતાં બે ઘડીનું સામાયિક નંબર બે પર આવી જાય છે અને સર્વવિરતિ પર પ્રેમ જાગતાં પૌષધ ગૌણ બનવા લાગે છે. પુણ્યબંધ ગમતાં પાપબંધ અકળાવવા લાગે છે અને પાપત્યાગ ગમતાં પુણ્યબંધ નંબર બે પર મુકાઈ જાય છે.
આખીયે વાતનો સાર એ છે કે...
અનંતકાળની પુદ્ગલપ્રીતને તોડવામાં કે ઘટાડવામાં ધારી સફળતા નથી મળતી? હતાશ થવાની જરૂર નથી. શરૂઆત અહીંથી કરો.
૧. VARIETY ઘટાડો ઃ દાખલા તરીકે ખમણ ખાવાં હોય તો ભજિયાં છોડી દો.
૨. AREA ઘટાડો ઃ દાખલા તરીકે મોબાઇલનો ઉપયોગ ઘર સિવાય બીજે કરવાનું બંધ કરો.
3. PERIOD ઘટાડો ઃ દાખલા તરીકે ૧૦ મિનિટથી વધુ ટીવી ન જોવાનું નક્કી કરી દો.
૪. QUANTITY ઘટાડો ઃ દાખલા તરીકે બે જોડીથી વધુ કપડાંનો ત્યાગ કરી દો.
પ. VOLTAGE ઘટાડો ઃ દાખલા તરીકે પુદ્ગલ સુખની અનુમોદના ન કરો.
૬. CAPACITY ઘટાડો ઃ દાખલા તરીકે મહિનામાં એકથી વધુ વાર હોટેલમાં ન જ જવાનું નક્કી કરી દો.
અને આ છએ ૬ વિકલ્પોના અમલમાં સહજ રીતે અને સરળતાથી સફળ થઈ જવું હોય તો જૈનો એક નવકાર ગણીને ‘ઇચ્છકારી ભગવન્ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી’નો આદેશ માગીને સામાયિકમાં બેસી જાઓ. 

- જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

jain community culture news religion lifestyle news life and style