સંકટના સમયને શિક્ષાનો સમય સમજીને જાગ્રત બનીએ

07 April, 2026 02:50 PM IST  |  Mumbai | Jainacharya shree Udayvallabhasuri

સંયોગો અને સંકટોનો ચહેરો પલટાય છે, પણ કતારો કાયમ રહે છે. અત્યારે LPGનાં સિલિન્ડરો અને પેટ્રોલ-ડીઝલ માટે કતારો લાગે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સંપત્તિનો સમય માણસને સજાવે છે, આપત્તિનો સમય માણસને શીખવાડે છે. અચાનક આવેલી નોટબંધી વખતે માણસ કેટલું શીખ્યો. નાના માણસો પર વિશ્વાસ રાખતાં શીખ્યો. કોરોનાકાળમાં પણ ઘણું શીખવા મળ્યું. ભાઈઓને રસોઈ કરતાં, ટીનેજ દીકરાઓને ઘરકામ કરતાં, વૃદ્ધ દાદીઓને વિડિયો-કૉલિંગ ત્યારે આવડી ગયું. ઘરની બહાર નીકળ્યા વગર મહિનાઓ પસાર થઈ શક્યા અને રાત્રે સાડાનવ, દસ વાગ્યે પથારીભેગા થઈને વહેલી સવારે જાગી શક્યા. ઘણાને વાંચવાનો તો કોઈને યોગાસનનો ચસકો ત્યારથી લાગી ગયો. કોઈ પણ સંકટકાળ વાસ્તવમાં શિક્ષાકાળ છે. 
વર્તમાનમાં યુદ્ધ ખાડીમાં ખેલાય છે છતાં એની અસર ખૂણે-ખૂણે થઈ રહી છે. સંકટના સમયમાં પણ આપણે મગજ કરતાં હાથ-પગ વધારે વાપરવા ટેવાયેલા છીએ. ક્યારેક જૂની નોટો લઈને લાઇનમાં ઊભા રહેવાનું, ક્યારેક હૉસ્પિટલમાં બેડ માટે, મેડિકલ સ્ટોર પર રેમડેસિવિરના ઇન્જેક્શન માટે તો ક્યારેક સ્મશાનમાં પણ લાઇનમાં હતા. સંયોગો અને સંકટોનો ચહેરો પલટાય છે, પણ કતારો કાયમ રહે છે. અત્યારે LPGનાં સિલિન્ડરો અને પેટ્રોલ-ડીઝલ માટે કતારો લાગે છે.

સંકટ સમયને શિક્ષાનો સમય સમજીને કાલોચિત પગલાં ભરવાં જેવાં છે. સમજવામાં બહુ કૉમન છતાં અમલમાં અનકૉમન એવા કેટલાક વિચારો રજૂ કરું છું...

(૧) જૂની રસોઈવ્યવસ્થામાં ઘરે ભાત બનાવતી વખતે ચોખા પાણીમાં પલાળી દેતા. પાણીના હાઇડલ પાવરથી ચોખાને સીઝવીને પછી ઓછા બળતણે ભાત બનતા. યુદ્ધકાળ હોવાથી જ નહીં પરંતુ સમયોચિત સભાનતા સાથેના ઉપભોગ માટે પણ આ વ્યવસ્થા પુનર્જીવિત કરવી જોઈએ.

(૨) નાહકનો વ્હીકલનો યુઝ ઘટાડવો જોઈએ. હરવા-ફરવાનું થોડા સમય પૂરતું સ્થગિત રાખવું. સાઇકલકલ્ચર વિશે પણ વિચારી શકાય.

(૩) વર્ષનું અનાજ, કઠોળ, મસાલા ભરવાની ગૃહપરંપરા અત્યારે અન્નપૂર્ણાના તૈયાર આટાના પૅકેટમાં ભલે અટવાઈ, પણ સંકટ સમયમાંથી શીખ લઈને આવી પરંપરાઓને જીવંત કરવી પડશે.

(૪) રિઝર્વ્સ અને સેવિંગ્સ શબ્દના મહિમાને સમજીને જીવતાં શીખવું જોઈએ. આવકના એકથી વધુ બિનજોખમી વિકલ્પો રાખવા જોઈએ.

(૫) આવા સમયમાં અર્થતંત્ર ડામાડોળ હોય છે અને માર્કેટ અતિશય વૉલેટાઇલ હોય છે એટલે બધા પ્રકારનાં સાહસોથી દૂર રહેવું.

હવેનાં યુદ્ધો શસ્ત્રોથી નહીં, સ્ટૅટ્રેજીથી જ ખેલાય છે અને જિતાય છે. અગાઉ યુદ્ધ ખેલાય એ રણભૂમિ રક્તરંજિત બની જતી. આજના યુદ્ધમાં યુદ્ધ કોઈ ખૂણે રમાય અને એની અસર દુનિયાના દરેક ખૂણે થાય. યુદ્ધનાં ૪ સપ્તાહ પૂરાં થયાં ત્યાં સુધીમાં ઘણા દેશોની સ્થિતિ કફોડી બની ગઈ. પ્રમાણમાં ભારત સ્માર્ટ મૂવ્સ દ્વારા ટકી રહ્યું છે. છતાં જો આ યુદ્ધ હજી લંબાયું તો રાષ્ટ્રવ્યાપી એનર્જી લૉકડાઉન તો લાગી શકે છે. આવી સ્થિતિ બધા માટે ઘણી કપરી હશે. આવું કંઈ જ ન થાય એ આશા ચોક્કસ રાખવા સાથે ઉપર જણાવેલા પ્રૅક્ટિકલ ઉપાયો અજમાવીને યુદ્ધકાળમાંથી જલદીથી પસાર થઈ જઈએ.

culture news lifestyle news life and style columnists