પાણીનું એક ટીપું મોબાઇલ બગાડી નાખે તો નાના અમસ્તા દુષ્કૃત્યની તાકાત વિચારજો

07 September, 2021 11:41 AM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

આ વાસ્તવિકતાનો તો બધાયને ખ્યાલ છે પણ એક જ ખોટું નિમિત્ત વર્ષોની ધર્મસાધનાને રફે-દફે કરી નાખે એનો ખ્યાલ કેમ જ્વલ્લે જ કોઈને આવતો હોય છે

પ્રતીકાત્મક તસવીર

‘લગભગ એકાદ મહિના બાદ તું મળ્યો હોઈશ, બરાબરને?’

ધર્મમાં ગંભીરતાપૂર્વક પ્રવેશ કર્યાને જે યુવકને માંડ દોઢ-બે વર્ષ થયાં હતાં એ યુવક આવ્યો, તેણે વંદન કર્યા અને સામે બેઠો એટલે મેં તેને પૂછ્યું, અચાનક જ. ગંભીરતાપૂર્વક ધર્મની દિશામાં આગળ આવવાનું તેણે શરૂ કર્યું હતું અને એ પછી અચાનક જ તે દેખાતો બંધ થઈ ગયો હતો.

‘હા સાહેબ...’

‘ક્યાં અટવાઈ ગયો હતો?’ સ્વાભાવિક રીતે જ તેને પૂછ્યું, ‘કામમાં કે પછી ભાઈબંધ-દોસ્તારોમાં?’

‘મહારાજસાહેબ, કહેવા જેવું નથી, રહેવા દો.’

આછીસરખી ચિંતા વચ્ચે તેને પૂછ્યું.

‘કેમ બીમાર થઈ ગયો હતો?’

‘ના.’

‘તો, કામ-ધંધામાં કોઈ તકલીફ?’

‘અરે ના રે, જરા પણ નહીં.’

‘તો સંસારમાં...’ આજકાલ આ પ્રશ્ન દરેક જગ્યાએ દેખાય છે એટલે સહજ અનુમાન સાથે તેને કહ્યું, ‘વ્યવહારુ જીવનમાં ક્યાંય ગરબડ, તકલીફ?’

‘ના રે.’

‘તો?’

‘છોકરાને રજા હતી તો પત્નીનો આગ્રહ હતો કે ઘણા વખતથી બહાર નથી ગયા તો ચાલો ફરી આવીએ. આપના સંપર્કમાં આવ્યા પછી આમ તો મારા મનમાં એ બધાનું કોઈ આકર્ષણ રહ્યું નથી, કોઈ મૂલ્ય પણ નથી, પણ મહારાજસાહેબ સંસારમાં બેઠો છું. અનિચ્છા છતાં કેટલીક વ્યક્તિઓને સાચવી લેવી પડતી હોય છે એનો મને ખ્યાલ હતો અને એ હિસાબે જ ફરવા જવાનો પ્રોગ્રામ ગોઠવવામાં પત્નીની વાતમાં હું સંમત થઈ ગયો.’

યુવકે નિરાંત જીવે વાત શરૂ કરી.

‘મારો પરિવાર અને મારા બીજા એક મિત્રનો પરિવાર, એમ બે પરિવારના કુલ દસ સભ્યોએ ઊટી અને કોડાઇ-કેનાલ જવાનો પ્રોગ્રામ ગોઠવ્યો અને અમે લગભગ પંદરેક દિવસ એ બાજુ ફરી આવ્યાં.’

‘વાહ...’ રાજી થઈને વધુ પૃછા કરી, ‘શું કરી આવ્યા ત્યાં?’

‘મહારાજસાહેબ, ન પૂછો તો સારું.’

‘કેમ?’

‘જાણીને આપને દુઃખ થશે, પીડા થશે.’

‘એવું તે શું કર્યું?’

‘મહારાજસાહેબ, આમ તો અમે વેપારી છીએ. ગમે તેટલી જોરદાર કમાણી વર્ષ દરમ્યાન અમે કરી હોય તોય અમે એ કોઈ એકાદ પ્રસંગમાં વાપરીએ નહીં. થોડી ખર્ચીએ, અને મોટી રકમની બચત કરીએ, પણ સાચું કહું મહારાજસાહેબ, ધર્મના ક્ષેત્રમાં અમે જાણે કે બુદ્ધિનું સાવ દેવાળું કાઢી બેઠા છીએ.’

એ યુવકની આંખ ભીની થવા માંડી. તેણે વાત ચાલુ રાખી અને કહ્યું.

‘આપના પરિચયમાં આવ્યા પછી મેં મારા ખુદના જીવનમાં અને પરિવારના સભ્યોના જીવનમાં ઘણા સમ્યક ફેરફાર કર્યા છે. ફિલ્મોનું કહું તો યોગ્ય ન કહેવાય, કારણ કે અત્યારે તો થિયેટર બંધ છે, પણ ઘરમાં ટીવી જોવાનું પણ ખૂબ ઓછું કરી નાખ્યું છે, રાત્રિભોજન લગભગ બંધ જ કરી દીધું છે, અભક્ષ્યનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો છે, પરમાત્માની પૂજા રોજની ચાલુ કરી છે, સામાયિક રોજ નહીં તોય છેવટે અઠવાડિયે એક તો થાય જ થાય. પરિવાર સાથે બેસીને રોજ ધર્મ-ચર્ચા ચાલુ કરી છે. બાબાને અને બેબીને એની મમ્મી ધર્મનાં સૂત્રો પણ ગોખાવે છે.’

‘બહુ સારી વાત કહેવાય એ...’

‘પણ આ બધું નજીકનો ભૂતકાળ બની ગયો.’ યુવક હવે લગભગ રડવા જેવો થઈ ગયો, ‘જેટલા દિવસો અમે ઊટી અને કોડાઇ-કેનાલ ફરવામાં પસાર કર્યા એ દિવસ દરમ્યાન ઘણા પુરુષાર્થ પછી ઉપાર્જિત કરેલી તમામ ધર્મસાધનાઓ અમે સાફ કરી નાખી. હોટેલોમાં રહ્યા, અભક્ષ્ય ખાધું, રાત્રિ-ભોજન કર્યું, ટીવી જોવામાં પૂરતો સમય પસાર કર્યો, બાથમાં નાહ્યા, બગીચાની લીલોતરી પર ચાલ્યા. ન પૂજા કરી, સામાયિક યાદ પણ ન આવી, બાળકોને સૂત્રો ગોખવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો. મહારાજસાહેબ, આટલા સમયમાં ભારે મહેનત કરીને ઊભી કરેલી ધર્મસાધનાનો અને ધર્મસંસ્કારોની મૂડી ફરવા જવાનાં આ સ્થળોમાં એક જ ઝાટકે અમે સાફ કરી નાખી. પત્નીને પણ આ વાતની પ્રતીતિ થઈ ગઈ છે.’

તે યુવકે હાથ જોડ્યા.

‘નિર્ણય કરી લીધો છે કે હવે પછી જો જવું જ હોય અને જવું જ પડે એમ હોય તો તીર્થસ્થાનોમાં જવું, બાળકોને એ તીર્થ સ્થાનની જાત્રાઓ કરાવવી, ત્યાંની બધી વાતો કરવી પણ ફરવા જવાનાં સ્થળોએ તો ન જ જવું. સત્ત્વ મળે નહીં અને સંસ્કારો ટકે નહીં, એવા ખોટના ધંધામાં હાથ શું કામ નાખવો?’

સોનાના કીમતી પ્યાલાને પણ લોખંડનો હથોડો તોડી નાખે છે, પાણીનું એક ટીપું લાખ રૂપિયાનો મોબાઇલ બગાડી નાખે, બસો પાનાંના અતિ કીમતી લખાણ ધરાવતાં પુસ્તકનાં લખાણને શાહીનો એક ખડિયો નિષ્પ્રાણ બનાવી દે છે, કરોડોની મૂડીને જુગારનો એક જ દાવ સાફ કરી નાખે છે. એક જ ઝોકું, અકસ્માત સર્જીને જીવનની સમાપ્તિને નોતરી બેસે છે. આ વાસ્તવિકતાનો તો બધાયને ખ્યાલ છે પણ એક જ ખોટું નિમિત્ત વર્ષોની ધર્મસાધનાને રફે-દફે કરી નાખે એનો ખ્યાલ કેમ જ્વલ્લે જ કોઈને આવતો હોય છે. સાવધાન, બહાર જવું ખોટું નથી પણ બહાર જવા માટે શું પસંદ કરવામાં આવે છે એ અતિ અગત્યનું છે. તો સાવધાન, જાગ્રતિ મનમાં રાખજો અને પર્યુષણના આ મહાપર્વ પર આ બાબતે ગંભીરતા સાથે ચિંતન કરજો.

columnists