09 January, 2025 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વૈષ્ણવતા તો હૃદયનો આંતરિક ધર્મ છે. બાહ્યાચારની આવશ્યકતા જરૂર છે. કેટલીક વાર બાહ્યાચાર દંભનું સ્વરૂપ પકડે છે અને અંદરનો મેલ, કામ, મદ, અભિમાન, લોભ, કપટ વગેરેને ઢાંકવા પૂરતો એનો ઉપયોગ થાય છે. બાહ્ય સ્વાંગ સુંદર સજેલો હોય એવા, પણ અંદરથી કંઈ જુદા જ રૂપના હોય એવા કહેવાતા ભક્તોથી દૂર રહેવું. તેમનો સંગ બહુ જ વિચારપૂર્વક કરવો. આ બાબતમાં સાવધાની રાખવી અને આવા ઢોંગી ભક્તોને ઓળખી કાઢવાની પણ વિવેકશક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. એ ઘણું જ અગત્યનું છે. નહીં તો એવા દુઃસંગમાં ફ્સાઈ જઈશું કે એમાંથી નીકળવું મુશ્કેલ બનશે.
પુષ્ટિમાર્ગ ગુપ્ત છે. દેખાવ માટે છે જ નહીં, ભક્ત અને ભગવાનનો આંતરિક ઐકાંતિક સંબંધ દૃઢ કરવાનો એ માર્ગ છે. ભક્તનું હૃદય ભગવાનને ઝંખે એના સિવાય તેને દેખાય જ નહીં. તેની દૃષ્ટિ ભગવાનને ઝંખે. તેના સિવાય તેને દેખાય જ નહીં. તેની દૃષ્ટિ કેવળ ભગવતસ્વરૂપને જ જ્યાં-ત્યાં જુએ અને ભગવાન પણ પોતાના પ્રિયતમ ભક્તને જ દૃષ્ટિમાં રાખે. બન્નેનો સંબંધ એવો હોય કે એની જાણ કોઈ ત્રીજાને થાય જ નહીં. પોતાના ભગવાન અને પોતે. તેની સાથે શો સંબંધ છે એની જાણ બીજાને કરવાની શી જરૂર? વખાણ મેળવવા? પોતાની મહત્તા વધારવા? આ બધું તો બાધક છે. પોતાના મુખથી પોતે જે કંઈ કરતો હોય એનું વર્ણન ભૂલેચૂકે પણ થઈ જાય તો તેથી અસુરાવશ થઈ ગયો એમ નક્કી માનવું.
સાચો વૈષ્ણવ કોઈના તરફ રાગ કે દ્વેષ રાખીને લૌકિક વાતો કરવામાં આનંદ શોધતો નથી. લૌકિક વાતોમાં મુખ્યત્વે રાગ અને દ્વેષ છુપાયેલા રહે છે એટલે વૈષ્ણવે તો જેમ બને એમ મૌન રહેવું જોઈએ. મુખરતા દોષને લીધે ભગવદ્ભાવ હૃદયમાંથી સરી પડે છે. જીભ વાતો કર્યા વગર ન જ રહી શકતી હોય તો એને ભગવાનની લીલાઓનું ગાન કરવામાં જોડવી, ભગવાનના નામનો જપ કરવામાં જોડવી, ભગવતકથા કરવી, ભગવદ્ગુણાનુવાદ ગાવા અને ભગવતકીર્તન કરવું. દિવસનો ઘણો વક્ત મૌનમાં ગાળવો.
લૌકિક કે વૈદિક કાર્યો માટે જેને જે વસ્તુઓ જોઈએ એ બધી પ્રથમ પ્રભુને સમર્પણ કરીને લેવી જોઈએ. પ્રભુને અર્પણ કર્યા વગરની કોઈ પણ ચીજ સાચા વૈષ્ણવને ખપતી નથી. પ્રભુને જે-જે વસ્તુ અર્પણ થાય તે-તે વસ્તુમાં જો દોષ રહેલો હોય તો એ નીકળી જાય છે. પ્રભુના સંબંધથી દરેક વસ્તુ દોષરહિત થઈ જાય છે એટલે વૈષ્ણવે દરેક વસ્તુ પ્રભુને અર્પણ કર્યા પછી વાપરવાનો નિયમ રાખવો. અસમર્પિત વસ્તુ લેવાથી આસુરાવેશ થાય છે, જીવ દોષયુક્ત બને છે અને આ રીતે પ્રભુથી વિમુખ થઈને લૌકિક શક્તિમાં બંધાય છે.
- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી