જાણો વરલીમાં આવેલા મુંબઈના એકમાત્ર જૅપનીઝ મંદિર વિશે

04 April, 2026 06:57 PM IST  |  Mumbai | Heena Patel

મુંબઈની સતત દોડતી જિંદગી વચ્ચે વરલીમાં આવેલું જૅપનીઝ બુદ્ધ ટેમ્પલ ભારત અને જપાન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે. અહીંનું શાંત વાતાવરણ જૅપનીઝ સંસ્કૃતિનો પરિચય કરાવે છે જે મુંબઈમાં રહીને એક વાર ચોક્કસ અનુભવવા જેવું છે

જૅપનીઝ બુદ્ધ મંદિરનો આ શ્વેત અને શાંત નજારો; મંદિરમાં પ્રવેશતાં જ જોવા મળતો વિશાળ પ્રાર્થનાહૉલ; તાઇકો ડ્રમ

મુંબઈના ધમધમતા વરલી વિસ્તારમાં ઍની બેસન્ટ રોડ પર આવેલું નિપ્પોનઝન મ્યોહોજી જૅપનીઝ મંદિર શહેરની ભીડભાડ વચ્ચે જૅપનીઝ બૌદ્ધ પરંપરાનો જીવંત અહેસાસ કરાવતું સરનામું છે. ૧૯૫૬માં નિર્મિત આ મંદિરનું સ્થાપત્ય ભારતીય અને જૅપનીઝ શૈલીનું અદ્ભુત મિશ્રણ છે. બહારથી જોતાં એનું શ્વેત શિખર અને પગોડા આકારની સંરચના મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરે છે. પ્રવેશદ્વાર પર જૅપનીઝ લિપિમાં લખાયેલું બોર્ડ આ સ્થળની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ગરિમાની સાક્ષી પૂરે છે. મંદિરના આંતરિક ભાગમાં પ્રવેશતાં જ એક વિશાળ પ્રાર્થનાહૉલ જોવા મળે છે જે મજબૂત સ્તંભો પર ટકેલો છે. હૉલમાં ભગવાન બુદ્ધની શાંત શ્વેત પ્રતિમા બિરાજમાન છે. મૂર્તિની આસપાસ નાની-નાની બીજી સોનેરી મૂર્તિઓ અને જૅપનીઝ પરંપરા મુજબની પૂજાસામગ્રી ગોઠવાયેલી છે. પ્રાર્થનાસ્થળની ઉપર લગાવવામાં આવેલા બોર્ડમાં નામૂ-મ્યોહો-રેન્ગે-ક્યો મંત્ર અંકિત થયેલો છે જે અહીંની પવિત્રતામાં વધારો કરે છે. ચારેય બાજુની દીવાલો પર ભગવાન બુદ્ધના જીવનના વિવિધ પ્રસંગોને જીવંત કરતાં વિશાળ પેઇન્ટિંગ્સ લગાવવામાં આવ્યાં છે જેમાં બુદ્ધની નિર્વાણ અવસ્થાનું ચિત્ર સૌથી વધુ આકર્ષક છે. હૉલના એક ખૂણામાં રાખવામાં આવેલું વિશાળ જૅપનીઝ ‘તાઇકો’ ડ્રમ અને એની બાજુમાં પડેલાં પ્રાર્થનાનાં સાધનો અહીંની વિશિષ્ટ પૂજાની પદ્ધતિની ઝાંખી કરાવે છે. ભલે બહાર મુંબઈનો ટ્રાફિક ગમે એટલો હોય, આ મંદિરની અંદરની નીરવ શાંતિ અને ધૂપની સુગંધ કોઈ પણ વ્યક્તિને ધ્યાનસ્થ કરી દેવા માટે પૂરતી છે.

નિપ્પોનઝન મ્યોહોજીનો પરિચય 
વરલીનું આ જૅપનીઝ ટેમ્પલ બૌદ્ધ ધર્મના નિપ્પોનઝન મ્યોહોજી સંપ્રદાયનું છે. આ સંપ્રદાયની સ્થાપના ૧૯૧૭માં નિચિદાત્સુ ફુજી દ્વારા કરવામાં આવી હતી, જેમને ફુજી ગુરુજી તરીકે ઓળખવામાં આવે છે. એ જપાનના તેરમી સદીના સંત નિચિરેનના વિચારો અને બૌદ્ધ ધર્મના સૌથી પવિત્ર ગ્રંથ ‘લોટસ સૂત્ર’ પર આધારિત છે. ફુજી ગુરુજીએ આ સંપ્રદાયની સ્થાપના વિશ્વમાં શાંતિ સ્થાપવા અને અહિંસાનો પ્રસાર કરવા માટે કરી હતી. ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધની ભયાનકતા જોયા પછી આ કાર્ય વધુ ઝડપી બન્યું હતું. તેમનો સૌથી મુખ્ય આધાર નામૂ-મ્યોહો-રેન્ગે-ક્યો મંત્રનો જાપ છે. તેઓ માને છે કે આ મંત્રનો ઉચ્ચાર કરવાથી વ્યક્તિ અને સમાજ બન્નેમાં સકારાત્મક પરિવર્તન આવે છે. આ સંપ્રદાયના ભિક્ષુઓ સફેદ વસ્ત્રો પહેરે છે અને હાથમાં એક નાનું ડ્રમ રાખે છે જેને તાઇકો કહેવામાં આવે છે. તેઓ આ ડ્રમ વગાડતાં-વગાડતાં મંત્રજાપ કરે છે અને શાંતિયાત્રાઓ કાઢે છે. વરલીના મંદિરમાં પણ સવાર-સાંજ આ ડ્રમના નાદ સાથે પ્રાર્થના કરવામાં આવે છે. નિપ્પોનઝન મ્યોહોજી સંપ્રદાયની સૌથી મોટી ઓળખ તેમના દ્વારા નિર્મિત વિશ્વશાંતિ સ્તૂપ છે. ફુજી ગુરુજીએ દુનિયાભરમાં ૮૦થી વધુ શાંતિસ્તૂપો બનાવ્યા છે. ભારતમાં રાજગીર, વૈશાલી, લેહ જેવાં સ્થળોએ આ સંપ્રદાયના સુંદર શાંતિસ્તૂપો આવેલા છે. મુંબઈનું વરલી મંદિર પણ આ જ પરંપરાનો એક ભાગ છે.

મંદિર વિશે
જૅપનીઝ ટેમ્પલ ભલે ૧૯૫૬માં બન્યું હોય, પરંતુ અગાઉ આ સ્થળ એક નાના બૌદ્ધ વિહાર તરીકે અસ્તિત્વમાં હતું. ૧૯૩૧માં ફુજી ગુરુજી ભારત આવ્યા ત્યારે તેમણે બૌદ્ધ ધર્મના પ્રસાર માટે આ જગ્યાએ એક નાનકડા જૅપનીઝ બૌદ્ધ મઠની સ્થાપના કરી હતી. મુંબઈમાં આ મંદિર બનાવવાનું ફુજી ગુરુજીનું સપનું હતું, જેને પૂરું કરવામાં બિરલા પરિવારે આર્થિક અને ભૌતિક મદદ કરી હતી. ઉદ્યોગપતિ અને પરોપકારી જુગલ કિશોર બિરલાએ આ મંદિર માટે વરલીમાં પ્લૉટ ખરીદીને આપ્યો હતો. મંદિર બાંધવા માટેનું સંપૂર્ણ ભંડોળ રાજા બલદેવ દાસ બિરલા દ્વારા આપવામાં આવ્યું હતું. ૧૯૫૬માં આ મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારે ફુજી ગુરુજી હાજર રહ્યા હતા. આ મંદિરનું સંચાલન અને દેખરેખ આજે પણ બિરલા ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવે છે.

ગાંધીજી અને ફુજી ગુરુજીની મૈત્રી
ફુજી ગુરુજીના મુંબઈના મંદિરનું સપનું ૧૯૫૨માં બિરલા ટ્રસ્ટના સહયોગથી સાકાર થયું, પરંતુ આ મજબૂત સંબંધોનો પાયો ૧૯૩૩માં વર્ધા આશ્રમમાં નખાયો હતો. ભારત આવ્યાનાં બે વર્ષ બાદ ફુજી ગુરુજી ગાંધીજીને મળ્યા ત્યારે બાપુ તેમના અહિંસા પ્રત્યેના સમર્પણથી એટલા પ્રભાવિત થયા કે તેમને ‘ગુરુજી’ કહીને સંબોધવાનું શરૂ કર્યું. ફુજી ગુરુજી દરરોજ સવારે વહેલા ઊઠીને તેમના લાકડાના ડ્રમ (તાઇકો) સાથે આ જૅપનીઝ મંત્રનો જાપ કરતા હતા. ગાંધીજીને આ મંત્ર અને એની પાછળનો ધ્વનિ એટલા ગમ્યા કે તેમણે આ મંત્રને પોતાના આશ્રમની ભજનાવલિમાં સ્થાન આપ્યું. ગાંધીજી અહિંસામાં માનતા હતા, જ્યારે ફુજી ગુરુજી બૌદ્ધ ધર્મના શાંતિના સંદેશનો પ્રસાર કરતા હતા. ફુજી ગુરુજીનું ભારત પ્રત્યેનું સમર્પણ જોઈને અને ગાંધીજી સાથેના તેમના જોડાણને માન આપવા માટે બિરલા ટ્રસ્ટે આ મંદિરના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ડૉ. આંબેડકરનો બૌદ્ધ સંકલ્પ
આ સ્થળ સાથે એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સંદર્ભ પણ જોડાયેલો છે. કહેવામાં આવે છે કે ૧૯૫૦ દરમ્યાન ડૉ. બાબાસાહેબ આંબેડકર અહીં આવ્યા હતા ત્યારે તેમણે બૌદ્ધ ધર્મના સ્વીકાર અને એના પ્રસાર વિશે તથા જીવનના બાકીના સમયને બૌદ્ધ ધર્મના પુનરુત્થાન માટે સમર્પિત કરવાની દિશામાં વિચારો વ્યક્ત કર્યા હતા. આ જ વિહારનું આગળ જતાં ૧૯૫૬માં વિસ્તરણ અને પુનર્નિર્માણ થયું અને એ ‘જૅપનીઝ બુદ્ધ વિહાર’ તરીકે ઓળખાવા લાગ્યો.

મુંબઈ-જપાનના વ્યાપારી સંબંધો
મુંબઈ અને જપાન વચ્ચેના વેપારી સંબંધો પણ આ મંદિરના અસ્તિત્વ પાછળનું એક મહત્ત્વનું કારણ રહ્યા છે. ઓગણીસમી સદીના અંતમાં મુંબઈ જપાનમાં કાપડના યાર્ન અને રૂની નિકાસ કરવાનું મુખ્ય કેન્દ્ર હતું. એના બદલામાં જપાનથી સસ્તું અને રંગીન કાપડ મુંબઈ આવતું હતું. આ વેપારે મુંબઈમાં જૅપનીઝ ટ્રેડિંગ ફર્મ્સ, બૅન્કો અને શિપિંગ કંપનીઓનું મજબૂત નેટવર્ક ઊભું કર્યું. વીસમી સદીની શરૂઆતમાં મુંબઈમાં અંદાજે ૩૦૦૦ જેટલા જૅપનીઝ રહેતા હતા. જ્યારે કોઈ સમુદાય લાંબા સમય સુધી વસે ત્યારે એને પોતાની સંસ્કૃતિ અને ધર્મ સાથે જોડાયેલા રહેવા માટે એક સ્થળની જરૂર પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મુંબઈના વરલી વિસ્તારમાં જ એક જૅપનીઝ સિમેટ્રી પણ આવેલી છે. જપાનના જે વેપારીઓ કે નાગરિકોનું મુંબઈમાં અવસાન થયું હોય તેમની અંતિમવિધિ માટે આ સ્થળ બનાવવામાં આવ્યું હતું. આ બાબત સાબિત કરે છે કે મુંબઈમાં જૅપનીઝ કમ્યુનિટી કેટલી જૂની અને સ્થાયી હતી.

worli hinduism travel mumbai news life and style lifestyle news