03 May, 2026 11:54 AM IST | Mumbai | Aashutosh Desai
ગયા અઠવાડિયે મણિપુરમાં રહેતા બની મેનાશે જાતિના યહૂદીઓનો એક જથ્થો ઇઝરાયલના તેલ અવિવ પહોંચ્યો ત્યારે વતન પાછા ફરવાની ખુશી તેમના ચહેરા પર વર્તાતી હતી.
મણિપુર-મિઝોરમમાં વસતા બની મેનાશે તરીકે ઓળખાતા યહૂદીઓને તેમના માદરે વતન લઈ જવાના અભિયાનના ભાગરૂપે દર વર્ષે ૧૨૦૦ યહૂદીઓને ઇઝરાયલ લઈ જવાનું ઑપરેશન શરૂ થયું છે. આનાથી વિખૂટા પડેલા ભાઈઓ મળશે અને સાંસ્કૃતિક મિલન તો થશે જ, એમાં બીજાં ગણિત પણ છે. ચાલો જાણીએ આ મૌન મિશન પાછળના ઇઝરાયલના ફાયદા-ગેરફાયદા વિશે
ભારત અને ઇઝરાયલની દોસ્તી આખા વિશ્વમાં જાણીતી છે. બે દેશો વચ્ચેનો આ ગાઢ સબંધ આજકાલનો નથી. વર્ષોથી આપણે મિત્રદેશો રહ્યા છીએ. એ દોસ્તીની કલગીમાં હવે વધુ એક મોરપીંછ ઉમેરાઈ રહ્યું છે. છેલ્લા થોડા સમયથી ઇઝરાયલનું ભારતમાં એક ખાનગી ઑપરેશન ચાલી રહ્યું છે, જેના વિશે કદાચ વિશ્વના બીજા દેશોને તો છોડો ભારતના નાગરિકોને પણ ઠીકઠાક ખબર નથી. ગયા વર્ષે ઇઝરાયલના સુપ્રીમો બેન્જામિન નેતન્યાહુએ આ ઑપરેશનને ‘ઑપરેશન વિંગ્સ ઑફ ડૉન’ નામ આપતાં કહ્યું હતું કે ઇઝરાયલ ૫૦૦૦ લોકોને ભારતમાંથી સ્થાનાંતર કરીને ઇઝરાયલમાં સ્થાપિત કરશે. અને ગયા ગુરુવારે એટલે કે ૨૩ એપ્રિલે જ ભારત સાથે મળીને ઇઝરાયલે એ ઑપરેશનની શરૂઆત થઈ પણ ગઈ.
ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો ઇઝરાયલ ભારતથી અંદાજે ૪૦૦૦ કિલોમીટર દૂરનો દેશ છે. પણ ભારતના ઉત્તર-પૂર્વી રાજ્ય મણિપુર અને મિઝોરમમાં એક એવી જનજાતિ, એક એવો સમુદાય વસે છે જેમનાં મૂળ ક્યાંક ઇઝરાયલમાં છે. કહેવાય છે કે આ સમુદાયના લોકો અને તેમના અસ્તિત્વનો ઉલ્લેખ ઇઝરાયલના બાઇબલમાં પણ છે. કમભાગ્યે ઇઝરાયલનું બાઇબલ આખરે તેમને ‘ગુમ થઈ ગયેલી જનજાતિ’ તરીકે ઓળખાવે છે.
૨૦૨૩માં મણિપુરમાં મૈતી અને કુકી જાતિ વચ્ચે રમખાણ ફાટી નીકળ્યું ત્યારે બની મેનાશે યહૂદીઓ તેમના દેવળમાં આશરો લઈને રમખાણોથી અલિપ્ત રહ્યા હતા.
વર્ષો પછી હવે એ સમય આવ્યો છે જ્યારે ખોવાયેલી કે ગુમ થઈ ગયેલી જનજાતિને ફરી પોતાના સ્વગૃહ લઈ જવામાં આવે. ભારતના મણિપુર અને મિઝોરમમાં વસતા પરંતુ મૂળ ઇઝરાયલી એવા આ લોકો એટલે ‘બની મેનાશે.’ બીજી દૃષ્ટિએ કહીએ તો ભારત અને ઇઝરાયલને વધુ ગાઢ રીતે જોડાનારો વધુ એક તાંતણો એટલે બની મેનાશે. બન્ને મિત્રદેશો હવે ભેગા મળીને સહિયારો પ્રયાસ કરી રહ્યા છે કે વર્ષોથી પોતાના મૂળથી વિખૂટા પડી ગયેલા પોતાના યહૂદી ભાઈઓ ‘બની મેનાશે’ને ફરી મૂળ વતન લઈ જવામાં આવે. ઇઝરાયલનો ટાર્ગેટ છે કે આ ઑપરેશન વિંગ્સ ઑફ ડૉન અંતર્ગત અંદાજે ૫૦૦૦ લોકોનું સુરક્ષિત સ્થળાંતર તેઓ પોતાના દેશમાં કરાવશે અને તેમના ઇમિગ્રેશનથી લઈને વસવાટ સુધી બધી વ્યવસ્થા ઇઝરાયલમાં ઊભી કરવામાં આવી છે. એમાંનો પહેલો ૨૫૦ માણસોનો બૅચ ૨૩ એપ્રિલે દિલ્હીથી ઉડાન ભરીને પોતાના વતન ઇઝરાયલ રવાના પણ થઈ ચૂક્યો છે. આ ઑપરેશન અમે હજી ચાલુ રાખી રહેશે અને એ માટે જરૂરી ભંડોળ અને વ્યવસ્થા પૂરાં પાડશે. આ રીતે દર વર્ષે ૧૨૦૦ લોકોનું અમે સ્થાનાંતર કરાવવામાં આવશે.
મણિપુર-મિઝોરમ-ઇઝરાયલ જોડાણ
૧૯૫૦ની એ સાલ જ્યારે ઇઝરાયલની સંસદમાં એક કાયદો પસાર કરવામાં આવ્યો અને એ કાયદાને કારણે ઇઝરાયલની બહારના યહૂદીઓ માટે વતન-વાપસીના દરવાજા ખૂલ્યા. આ કાયદો હતો ‘વળતરનો કાયદો’. આ કાયદો એ તમામ બિનઇઝરાયલ યહૂદીઓ અને યહૂદી ધર્મમાં રૂપાંતરિત થયેલા લોકોને ઇઝરાયલમાં સ્થાયી થવાની અને એના નાગરિક બનવાની મંજૂરી આપનારો કાયદો છે. કદાચ આ કાયદાનું જ પરિણામ હશે કે આજે ભારતીય મૂળના લગભગ ૮૫,૦૦૦ યહૂદીઓ ઇઝરાયલમાં જઈને વસ્યા છે. આજે ઇઝરાયલના મુખ્ય શહેર તેલ અવિવ સહિત લોડ અને રામલા જેવામાં બેને મેનાશે લોકોનાં ૧૪ જેટલાં ગામડાં અને મહોલ્લા છે. આ સિવાય ઇઝરાયલના સરહદી વિસ્તારોમાં વસેલા ભારતીય યહૂદીઓ તો અલગ. ભારત અને ઇઝરાયલ, હિન્દુઓ અને યહૂદીઓ આ રીતે વર્તમાન જ નહીં ભૂતકાળ પણ વહેંચે છે, સંસ્કાર પણ અને સંસ્કૃતિ પણ અને આ સબંધ ભવિષ્યમાં પણ આ જ રીતે જળવાયેલો રહેશે.
૨૦૧૨માં પહેલી વાર આ યહૂદીઓને મણિપુરથી ઇઝરાયલ સ્થાયી થવાની ઑફર મળી હતી ત્યારે વતન જતાં પહેલાં પડાવેલો ગ્રુપ ફોટો.
બની મેનાશે એટલે કોણ?
બની મેનાશે એક એવી પ્રજા છે જે વર્ષો પહેલાં પોતાના મૂળથી ઊખડી ગઈ હતી. એક એવી પ્રજા જેણે પોતાનું મૂળ વતન જેરુસલેમ ક્યારેય જોયું નથી છતાં રોજિંદી જિંદગીમાં એના વિશેનું ગીત ગાય છે, એક એવી પ્રજા જેના પૂર્વજો ફરી ક્યારેય જૉર્ડન નદી પાર ન કરી શક્યા છતાં આ નદીની ઉપાસના કરે છે. ઇઝરાયલી બાઇબલ મુજબ ઇઝરાયલના પ્રાચીન લોકો ૧૨ જાતિઓમાં વહેંચાયેલા હતા. આ ૧૨ જાતિઓ એટલે એ જાતિ જે ઈશ્વરના બાશિંદા એવા જેકબના પુત્રોના વંશજ. આથી જ એ જાતિનાં નામો પણ જેકબના ૧૦ પુત્રો પરથી પડ્યા : રુબેન, અશેર, સિમિયોન, નાપ્થાલી, જોસેફ, લેવી, ઇશાચાર, ઝેબુલિન, ડેન અને ગેડ. જેકબના ૧૦ પુત્રોનાં નામ પરથી આ ૧૦ મૂળ ઇઝરાયલી અને યહૂદી પ્રજાનાં નામો આવ્યાં અને આ સિવાય બીજી બે જાતિ જેકબના બે પૌત્રોનાં નામ પરથી બની : એફ્રાઇમ અને મેનાશે અથવા મનાશેહ. જેકબના બન્ને પૌત્રો તેમના દીકરા જોસેફનાં સંતાનો હતાં.
ઇઝરાયલ જાણે છે કે તેમના આ વિખૂટા પડેલા ભાઈઓને દેશમાં પાછા લાવવાથી ફાયદો બન્ને તરફથી છે. ધર્મ અને પરંપરાનો મુદ્દો થોડી વાર માટે કોરાણે મૂકીએ તો પણ એક તરફ ઇઝરાયલને નિર્ણાયક ભૂમિકા ભજવનાર દેશપ્રેમી પ્રજા મળશે જે દેશની સરહદ મજબૂત કરશે અને મેનપાવરની અછતને ઓછી કરવામાં પણ મદદ કરશે.
બની મેનાશે ભારત કઈ રીતે આવ્યા?
હવે બન્યું કંઈક એવું કે ઈશુના જન્મ પહેલાંની ૭૨૨મી સદીમાં યહૂદીઓ પર એટલે કે ઇઝરાયલ પર સેસિરિયન્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો. બન્ને વચ્ચે યુદ્ધ થયું અને એમાં સેસિરિયન્સ સામે યહૂદીઓ હારી ગયા. એ પછી ઇઝરાયલની પ્રજા પર ખૂબ જુલમ કરવામાં આવ્યો અને એ અત્યાચારની પાશવી વૃત્તિમાં જ તેમણે મેનાશે લોકોને દેશનિકાલની સજા ફરમાવીને પોતાના જ દેશમાંથી કાઢી મૂક્યા. પોતાના મૂળ વતનથી કાઢી મૂકવામાં આવેલી એ જુલમ સહેતી પ્રજાના લોકોએ ત્યાંથી પર્શિયા (આજના ઈરાન) તરફ સ્થળાંતર કર્યું. ત્યાંથી અફઘાનિસ્તાન આવ્યા અને ત્યાંથી તિબેટ, ચીન સુધી સ્થળાંતર કરતા રહી એક લાંબી હિજરત બાદ છેલ્લે જીવિત બચેલા સમુદાયના લગભગ ૧૦,૦૦૦ લોકોને આખરે એક એવું આશ્રયસ્થાન મળ્યું જ્યાં ધાર્મિક જુલમોનો સામનો ન કરવો પડે.. બીજા ધર્મના હોવા છતાં તેમનું અને તેમના ધર્મનું સન્માન થયું. આ સુરક્ષિત આશ્રયસ્થાન એટલે ભારતના ઉત્તર-પૂર્વનો પહાડી વિસ્તાર જે આજનું મણિપુર અને મિઝોરમ છે.
ઇઝરાયલની ભાષામાં ‘બની મેનાશે’નો અર્થ સમજીએ તો બની અથવા બનેઇ એટલે બાળકો અને મેનાશેનો અર્થ થાય પૌત્રો. અર્થાત્ જેકબના પુત્ર જોસેફ (બની)ના પુત્રો (મેનાશે) એટલે કે જેકબના પૌત્રો. આટલા લાંબા ગાળાથી ભારતમાં આવીને વસ્યા હોવાને કારણે હવે તો તેઓ પણ ભારતીય જ બની ચૂક્યા છે. બની મેનાશે જાતિના એ લોકોનો સમાવેશ ધીરે-ધીરે ઉત્તર-પૂર્વની કુકી જાતિ સમુદાયમાં થઈ ગયો. ત્યાર બાદ વીસમી સદીની શરૂઆતમાં ફરી એક વાર એવો સમય આવ્યો જ્યારે ભારતમાં રહેતા હોવા છતાં બની મેનાશે સમુદાયના લોકોનો ધર્મ અને અસ્તિત્વ જોખમમાં મુકાયાં. ભારતના ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં અમેરિકન મિશનરીઝનો ફેલાવો વધવા માંડ્યો અને આ મિશનરીઝ સ્થાનિક લોકોને લાલચ આપી, ભોળવી, ખોટી માન્યતાઓ અને કહાનીઓ સમજાવીને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવા માંડ્યા. એને કારણે ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ વધ્યો અને અનેક કુકીઓએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માંડ્યો. જોકે બની મેનાશે લોકોએ પોતાના ધર્મનું અનુસરણ છોડ્યું નહીં અને યહૂદી ધર્મ, એના રીતરિવાજો અને પરંપરાઓને અનુસરતા રહ્યા. પરિણામસ્વરૂપ આજે પણ આ પ્રજા વર્ષોથી ભારતમાં રહેતી હોવા છતાં પોતાનો યહૂદી ધર્મ અને પોતાની મૂળ ઓળખ જાળવી રાખી શકી છે.
શા માટે હવે ઇઝરાયલ જવું છે?
આટલાં વર્ષોથી ભારતમાં રહે છે અને ભારતની પ્રજા, સંવિધાન, રાજ્ય બધાં જ તેમને ભારતના નાગરિક તરીકે સ્વીકારી પણ ચૂક્યાં છે તો હવે આટલાં વર્ષો પછી તેમણે શું કામ ઇઝરાયલ જવું છે? તો એની પાછળનાં મુખ્ય બે કારણો છે : એક તો ધર્મ સમુદાય અને બીજું વર્ષોવર્ષ પછી પોતાના મૂળ વતનમાં વાપસી.
મણિપુરમાં રહેતા ઇઝરાયલી યહૂદી લોકો તેમના ધર્મ અને પરંપરાઓનું પાલન કરે છે, ના નહીં; પરંતુ જે ધાર્મિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રીતરિવાજો કે પરંપરાઓના પાલન માટે જે સ્વધર્મીઓની જરૂર પડે એ આ સમુદાયના લોકોને ભારતમાં આજ સુધી મળ્યા નથી જે સ્વાભવિક છે, કારણ કે તેમની સંખ્યા અહીં ખૂબ ઓછી છે. જેમ કે કેટલીક પ્રાર્થનાઓ માટે તેમને મિન્યાન અથવા કોરમની જરૂર પડે છે. મણિપુર કે મિઝોરમની પહાડીઓમાં એ મળવું મુશ્કેલ છે. મિન્યાન એ એક હિબ્રૂ શબ્દ છે જેનો અર્થ થાય ધાર્મિક જવાબદારીઓ માટે ૧૦ પુખ્ત વયના યહૂદી લોકોની કોરમ. આ સિવાય પરંપરાગત ખોરાક, સાંસ્કૃતિક સંસાધનોની ઉપલબ્ધતા વગેરે જેવી અનેક નાની-નાની મુશ્કેલીઓ તેમણે અને તેમના પૂર્વજોએ આજ સુધી અહીં વેઠી છે, પણ હવે જ્યારે હાલની પેઢીને એ મોકો મળી રહ્યો છે કે તેઓ ફરી પોતાના મૂળ વતનમાં આશરો મેળવી શકે તો એ માટે બની મેનાશે સમુદાયના લોકો તૈયાર છે.
બીજું કારણ, જો યાદ હોય તો મણિપુરમાં મે ૨૦૨૩માં મૈતી અને કુકી જાતિના લોકો વચ્ચે સંઘર્ષ ફાટી નીકળ્યો હતો અને આ વિગ્રહ હિંસક બની ગયો હતો. કુકી જાતિમાં ગણાતા આ યહૂદી લોકોને આ સંઘર્ષને કારણે કામ મળવામાં મોટી મુશ્કેલીઓ નડવા માંડી છે અને તેમની આવક પર એની મોટી માઠી અસર થઈ છે. મૈતી અને કુકીઓ વચ્ચેની એ અથડામણ પછી મેનાશે લોકોનું જીવન વધુ મુશ્કેલ બન્યું છે. એની સરખામણીએ ઇઝરાયલમાં તેમને લગભગ બધી જ સુવિધાઓ બહેતર મળશે. એમાં રોજગાર સિવાય શિક્ષણ, મેડિકલ વગેરે બધું જ ગણાવી શકાય. કેટલાય મેનાશે લોકોએ તો ડ્યુઓલિંગો નામની ઍપ્લિકેશન દ્વારા હિબ્રૂ ભાષા શીખવાનું પણ શરૂ કરી દીધું છે.
કોચીન યહૂદીઓ
મૂળ ઇઝરાયલી એવા યહૂદીઓની ભારતમાં વસ્તી માત્ર મણિપુર અને મિઝોરમમાં જ છે એવું નથી. ભારતમાં સ્થાયી થયેલા યહૂદીઓ ૪ અલગ-અલગ જૂથોમાં સમયાંતરે ભારત આવ્યા. એક બેને ઇઝરાયલ, બીજા કોચીન, ત્રીજા બગદાદી અને ઈશાન ભારતના સ્થાયી થયેલા બની મેનાશે. બેને ઇઝરાયલ યહૂદીઓ દરિયાઈ માર્ગે ભારત આવ્યા હતા. એમાંના મોટા ભાગના કોકણ અને મુંબઈમાં સ્થાયી થયા. એવું માનવામાં આવે છે કે બેને ઇઝરાયલ યહૂદીઓ વાસ્તવમાં તેમના જહાજમાં ભંગાણ પડવાને કારણે ભારતમાં થોડો સમય આશરો લેવા માટે આવ્યા અને રોકાયા હતા, પરંતુ ત્યાર બાદ તેઓ અહીં જ રહી ગયા. આ બેને ઇઝરાયલીઓ અંદાજે ૨૪૦૦ વર્ષ પહેલાં અલીબાગમાં આવ્યા હતા. એક સમયે ભારતમાં તેમની (બેને ઇઝરાયલની) વસ્તી લગભગ ૭૫,૦૦૦ જેટલી થઈ ગઈ હતી જે આજે તો હવે ઘટીને માત્ર ૪૦૦૦ રહી ગઈ છે એવું માનવામાં આવે છે.
બગદાદી યહૂદીઓ
કોચીન યહૂદીઓ સ્પેનના કિનારે આવેલા મેજોર્કાથી વર્ષો પહેલાં 370 ADમાં ભારતમાં આવ્યા હતા. રાચેલ રુક્મિણી ઇઝરાયલના પુસ્તક ‘ધ જ્યુઝ ઑફ ઇન્ડિયા - ધેર સ્ટોરી’માં એવો ઉલ્લેખ મળે છે કે ભારતના રાજવી ચેરન પેરુમલ દ્વારા તેમને કોચીન નજીક સ્થાયી થવાની પરવાનગી આપવામાં આવી હતી. ભારતમાં સૌથી પહેલાં બગદાદી યહૂદી પહોંચ્યા હતા ૧૭૯૦ની આસપાસ. મુંબઈના દરિયાકાંઠે તેઓ ઊતર્યા હતા અને એ સમયે તેમની સાથે બગદાદ, બસરા, અલેપ્પો અને યમનના પણ કેટલાક લોકો હતા જે બગદાદી યહૂદીઓની જેમ જ સ્થળાંતરકારો હતા. કેવું રસપ્રદ છેને? આ ચારેય યહૂદી સમુદાયના લોકોમાંથી ૩ સમુદાય ભારતના દરિયાકિનારેથી પ્રવેશ્યા અને ભારતના પશ્ચિમી કિનારે જ શરણ મેળવ્યું. એકમાત્ર બેને મેનાશે સમુદાય જ એવો છે જે દરિયાઈ માર્ગે નહીં પણ લાંબી હિજરત કરીને જમીની માર્ગે છેક ઇઝરાયલથી ભારત સુધી આવ્યો અને ઈશાન ભારતમાં સ્થાયી થયો.
બેને ઇઝરાયલ યહૂદી
કસોટીઓ પણ છે જ
હા, જો આવા ફાયદાઓ છે તો એની સામે કેટલીક કસોટીઓ પણ છે જેનો અહીંથી જનારા લોકોએ સામનો કરવો પડશે. જેમ કે ઇઝરાયલ ટેક્નૉલૉજિકલી અત્યાધુનિક વાતાવરણ ધરાવતો દેશ છે. એવી આધુનિક ટેક્નૉલૉજી અને વાતાવરણમાં અહીંથી જનારા ભારતીય યહૂદીઓ કોપઅપ કરી શકશે કે નહીં એ એક મોટો પ્રશ્ન છે. તો બીજી તરફ જાતિવાદની સમસ્યા પણ ખરી. આ પહેલાં અહીં ભારતથી ઇઝરાયલ ગયેલા લોકો જે મુશ્કેલી વેઠી રહ્યા છે એ તેમના દેખાવને કારણે છે. બની મેનાશે સમુદાયના લોકો વર્ષોથી મણિપુર અને મિઝોરમ વિસ્તારમાં રહેતા હોવાને કારણે તેમનો અલગ દેખાવ ઘણી વાર તેમને નડે છે. ઇઝરાયલના લોકો તેમને આ દેખાવને કારણે ‘ચાઇનીઝ’ હોવાનું લેબલ લગાવી દેતા હોય છે.
જોકે બનેઇ મેનાશે લોકોનો ઇઝરાયલ જવા માટેનો જુસ્સો આવાં કારણોથી જરાય ઓછો થયો નથી. તેઓ કહેતા હોય છે કે ‘ભારત આપણું જન્મસ્થળ છે, પરંતુ ઇઝરાયલ આપણું ભાગ્ય છે. એ આપણી વચનબદ્ધ ભૂમિ છે. આપણે ત્યાં જવું જ જોઈએ.’
૨૧ વર્ષ પહેલાંથી થાય છે
મૂળ બની મેનાશે જાતિના લોકોનું ભારતથી ઇઝરાયલ તરફ સ્થળાંતર ૨૦૦૫ કે એ પહેલાંથી ચાલે છે એમ કહીએ તો કદાચ ખોટું નથી. જેમ કે ૨૦૦૫ની સાલ પહેલાં ભારતથી સ્થળાંતર કરી ઇઝરાયલ પહોંચેલા કેટલાંક બની મેનાશે લોકો આજે ઇઝરાયલના હેબ્રોન જેવાં સ્થળોએ અને ગાઝામાં વસાવાયેલી ઇઝરાયલી વસાહતોમાં સ્થાયી થયા છે. ઇઝરાયલનું માનવું છે કે ભારતથી ઇઝરાયલ પાછા ફરેલા તેમના ભાઈઓ ઉત્તર ઇઝરાયલમાં સ્થાયી થશે તો એને કારણે ઉત્તર અને ગેલિલી પ્રદેશો મજબૂત બનશે. એટલું જ નહીં, સરકાર સ્થળાંતરિત થયેલા એ તમામ લોકોને ઇઝરાયલનું નાગરિકત્વ પણ આપશે. જોકે સવાલ એ પણ છે ઇઝરાયલ હવે આટલાં વર્ષે તેમને શા માટે પોતાના દેશમાં વસાવવા માગે છે? તો પડદા પાછળની કોઈક કહાની છે અને એ કહાની ખોટી છે એવું કહી શકાય એમ નથી.
ઇઝરાયલનું હમાસ સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી બની મેનાશે યહૂદીઓએ મોટી સંખ્યામાં સૈન્ય મોરચો સંભાળી લીધો હતો.
ઇઝરાયલ શા માટે લેવા માગે છે?
વર્ષોથી ઇઝરાયલ આતંકવાદી હુમલાઓ અને ત્રાસવાદનો સામનો કરતો રહેલો દેશ છે. આખરે જ્યારે પાણી માથાની ઉપરથી વહેવા માંડે ત્યારે શાંતમાં શાંત વ્યક્તિ પણ બળવો પોકારતી હોય છે. એ જ રીતે લાંબા સમયથી સીધા અને આડકતરા હુમલાઓ અને ત્રાસદી વેઠતા રહેલા ઇઝરાયલે આખરે ગાઝામાં હમાસ સાથે યુદ્ધ છેડ્યું અને એ નાનાં-મોટાં છમકલાં સાથે આજે પણ ચાલતું રહે છે. ઈરાન સાથેનો વિવાદ પણ ખરો જ.
આને કારણે ઇઝરાયલને દેશમાં શ્રમિકો પૂરતા પ્રમાણમાં મળી નથી રહ્યા, જેને કારણે હાલ ઇઝરાયલ સતત મૅનપાવરની તંગીની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. નેપાલ અને થાઇલૅન્ડ જેવા દેશોમાંથી મોટી સંખ્યામાં મજૂરો ઇઝરાયલ જતા હતા તેઓ પણ તનાવભરી પરિસ્થિતિ હોવાને કારણે ઘટી ગયા છે.
આ સિવાય બીજું પણ એક કારણ છે. બની મેનાશે લોકો ભારતથી ઇઝરાયલ જશે તો દેશમાં ખૂટતા કર્મચારીઓની જગ્યા તો પુરાશે જ, વળી ગેલિલી જેવા સરહદી વિસ્તારોમાં આ સમુદાયને સ્થાયી કરવાને કારણે તેમનો સરહદી વિસ્તાર મજબૂત પણ થશે અને આરબ-ઇઝરાયલની વસ્તીને સંતુલિત કરવાના સરકારના પ્રયાસમાં પણ મોટી મદદ મળશે. ૨૦૨૩માં ઇઝરાયલ અને હમાસ વચ્ચે જયારે યુદ્ધ થયું ત્યારે મણિપુર અને મિઝોરમથી સ્થળાંતર કરાયેલા ૨૦૦થીયે વધુ બની મેનાશે લોકોએ ઇઝરાયલી સેનામાં મોરચો સંભાળ્યો હતો. એટલું જ નહીં, યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. આથી ઇઝરાયલ જાણે છે કે તેમના આ વિખૂટા પડેલા ભાઈઓને દેશમાં પાછા લાવવાથી ફાયદો બન્ને તરફથી છે. ધર્મ અને પરંપરાનો મુદ્દો થોડી વાર માટે કોરાણે મૂકીએ તો પણ એક તરફ ઇઝરાયલને નિર્ણાયક ભૂમિકા ભજવનાર દેશપ્રેમી પ્રજા મળશે જે દેશની સરહદ મજબૂત કરશે અને મેનપાવરની અછતને ઓછી કરવામાં પણ મદદ કરશે.
જેમ કે મણિપુરમાં રહેતી આ પ્રજાના પરિવારના મોટા ભાગના સભ્યો ખેતરોમાં અથવા મજૂર તરીકે કામ કરે છે. એની સામે હમણાં સુધીમાં જેટલા લોકો ઇઝરાયલમાં સ્થળાંતરિત થઈ ચૂક્યા છે તેઓ ત્યાં ટ્રક ચલાવી રહ્યા છે અથવા બાંધકામ ક્ષેત્રે મજૂરીનું કામ કરી રહ્યા છે. હવે ખેતરમાં કામ કરવું, ટ્રક ચલાવવી અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે મજૂરી આ ત્રણે કામ કરનારની ભારતમાં વાર્ષિક સરેરાશ આવક આશરે ૧૨૦૦ ડૉલર જેટલી છે, જેની સરખામણીમાં ઇઝરાયલમાં લગભગ ૫૫,૦૦૦ ડૉલર જેટલી વાર્ષિક આવક થાય છે.