20 November, 2025 01:42 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
થોડા સમયથી તબિયત નાદુરસ્ત રહે છે એ જાણીને ગયા અઠવાડિયે દિલ્હીના એક ઉદ્યોગપતિ તેમનાં ધર્મપત્ની સાથે મળવા આવ્યા. પતિ-પત્ની બન્ને બેઠાં અને એમ જ વાતો શરૂ થઈ. પત્નીએ ફરિયાદ કરતાં ધીમેકથી કહ્યું, ‘સ્વામીજી, આમને સમજાવો. બે દીકરીઓ હતી, બન્નેને પરણાવી દીધી. બન્ને બહુ સારા ઘરમાં છે. અમારી પાસે જીવનજરૂરી બધું જ છે અને મૂડી પણ ખાધી ખૂટે નહીં એટલી છે તો પણ આમને આખો દિવસ કામની ફિકર હોય અને સવારે આઠથી રાતના આઠ વાગ્યા સુધી ફૅક્ટરીએ જ રહે.’
આ જે ફરિયાદ છે એ મોટા ભાગે બધી પત્નીઓની ફરિયાદ છે એવું મેં મારા સ્વાનુભવે જોયું છે. પેલા જે મહાશય હતા તેમને હું વર્ષોથી ઓળખું. ઘણી વખત તે મારા યજમાન બન્યા છે અને તેમનાં ધર્મપત્નીને પણ હું સારી રીતે ઓળખું. બન્ને સ્વભાવગત વર્તતાં હતાં અને એ પછી પણ મેં તે મહાશયને પૂછ્યું કે તમે ફૅક્ટરીએ નિયમિત જાઓ છો અને બારથી ૧૪ કલાક કામ કરો છો એનું કારણ શું? મહાશયે સરળતા સાથે જ કહ્યું કે કામ કરવું એ મારો શોખ હતો, પણ હવે પૈસા કમાવા એ મારો શોખ છે. આ વાત બહુ સરસ છે, એને તમે સૌ સમજજો. પૈસા કમાવાનો શોખ હોવો એ એક પણ સંસારી માટે ખોટી વાત નથી. સંતોષ સંન્યાસીને હોવો જોઈએ, સંસારીને નહીં. હા, સંસારી બધું ભેગું કર-કર કર્યા કરતો હોય તો એ ખરાબ છે. પૈસો પાણી જેવો હોવો જોઈએ. એક હાથથી બીજા હાથમાં જવો જોઈએ. જો ફરતો રહે તો પૈસો સ્વભાવગત વર્તે છે એમ માનવું. તે મહાશયની આગળની વાત વધારે અસરકારક હતી.
તેમણે કહ્યું, ‘મારી દીકરીઓનાં લગ્ન રંગેચંગે પૂરાં થઈ ગયાં સ્વામીજી, પણ મારા બે મિત્રો છે તેમની દીકરીઓનાં લગ્ન હવે થવાનાં છે.
હું ઇચ્છું છું કે તેમનાં લગ્ન પણ મારી દીકરીઓ જેવાં જ રંગેચંગે થાય અને એ લગ્નમાં પણ હું તન-મન-ધનથી એટલો જ આગળ પડતો રહું જેટલો મારી દીકરીઓમાં રહ્યો હતો.’
મેં પેલાં બહેનની સામે જોયું. બહેન આ જવાબથી ખુશ નહોતાં, પણ તેમની પાસે દલીલ નહોતી એટલે તે ચૂપ રહ્યાં.
જીવનનું ધ્યેય આ પ્રકારનું હોવું જોઈએ. તમે સુખી થયા છો તો અન્યને સુખી કરવાની, તેમને ખુશી આપવાની જવાબદારી તમારે નિભાવવી જોઈએ. અન્યમાં તમે બીજા કોઈનું નહીં તો તમારી આસપાસ રહેલા, તમારી સાથે જોડાયેલાઓનો વિચાર કરો તો એમાં કોઈ સ્વાર્થીપણું નથી. પરિઘ નાનું છે, પણ એ નાના પરિઘમાં માત્ર લોહીના સંબંધોની વાત નથી એ પણ ઉમદા વિચાર જ છે.