01 October, 2025 12:32 PM IST | Mumbai | Morari Bapu
મોરારી બાપુ
વિમાન આકાશમાં ઊડે છે અને એ આકાશનો એક નિર્ધારિત રસ્તો હોય છે. વિમાન એ રસ્તે જ જાય છે. વિમાન અને યુવકો બન્ને સરખા છે. યુવકોને આકાશ મળવું જોઈએ, પણ તેથી તે સ્વચ્છંદ થઈ જાય એ યોગ્ય નથી. બીજું, યુવકોને પ્રકાશ મળે. પ્રકાશનો અર્થ એ છે કે તેને સંગ મળે, સારો સંગ મળે. અજવાળું થાય, તેને સૂરજ મળે, પૂનમ મળે પણ તેના જીવનમાં અમાસ ન આવે. જો અમાસ આવશે તો તે ક્યાંક ખોટા કે ગેરમાર્ગે દોરવાશે એટલે યુવાનોના જીવનમાં અમાસનો ક્ષય થાય એ જોતાં રહેવાનું કામ તેના વડીલોનું છે.
યુવાનોને જીવનમાં હવા મળે, પ્રાણવાયુ મળે અને એને લીધે તેને ધીરે-ધીરે પ્રાણતત્ત્વનો અનુભવ થવા લાગે એ બહુ જરૂરી છે.
યુવાવસ્થામાં ભક્તિ જરૂરી છે અને ભક્તિ માટે આ ત્રણ સૂત્રો યુવા વર્ગ માટે જરૂરી બને છે. જે સૂત્રોની જરૂર છે એની જરા વિગતવાર વાત કરીએ. એ સૂત્રોમાં પહેલું સૂત્ર છે સારો સંગ.
હા, યુવાનીમાં સારો સંગ કરવો બહુ જ જરૂરી છે, સારો સંગ કરો એ પહેલી ભક્તિ છે. માનસના બધા મંત્રોથી સિદ્ધ થાય છે કે યુવાવસ્થામાં સારો સંગ કરવો બહુ જ જરૂરી છે. જો યુવાવસ્થામાં સારો સંગ ન મળે તો તમે આડે રસ્તે ચડી જશો. તમારો-મારો રસ એટલા માટે સત્ નથી રહેતો એનું કારણ સંગદોષનો અવરોધ છે. સારા સંગની યુવાનીમાં જેટલી જરૂર હોય છે એટલી બીજી કોઈ ઉંમરમાં નથી હોતી.
ત્રણ સૂત્રમાં બીજા ક્રમે છે કથા પ્રસંગમાં રુચિ.
બીજી ભક્તિ યુવકો માટે જરૂરી છે, ‘મમ કથા પ્રસંગા.’ ભગવતકથાના પ્રસંગોમાં રુચિ ધરાવવી. દિવ્ય પ્રસંગો કે જે આપણી માનમર્યાદાઓને, આપણી પ્રામાણિક પરંપરાઓને જાળવી રાખે એવા કથા પ્રસંગોમાં રુચિ રાખવી અથવા એને પ્રેમ કરવો એ બીજી ભક્તિ છે.
ત્રીજું સૂત્ર છે સંત સંગ.
જે આપણા ગુરુજન છે, જે આપણા શ્રેષ્ઠ માણસો છે તેમનું માર્ગદર્શન મેળવીને આપણે જીવનનો સાચો પથ નક્કી કરી શકીએ છીએ. આ ત્રીજી ભક્તિ છે. યુવાન પેઢી માટે એ બહુ જ જરૂરી છે. નવ પ્રકારની ભક્તિમાં ક્યાંય કોઈ મને એવા લખાણની એક પંક્તિ પણ બતાવે કે જેમાં એવું લખ્યું હોય કે આવો પોશાક પહેરીને જ ભક્તિ થાય કે આવી માળા પહેરીને કે પછી આ પ્રકારનું તિલક કરીને જ ભક્તિ થાય. ના, એવું ક્યાંય લખ્યું નથી અને કોઈએ એવું કહ્યું નથી. આ સાર્વભૌમિક ભક્તિ છે.