11 September, 2026 07:50 AM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
કહેવાતાં મોટાં-મોટાં ઐતિહાસિક કે ભવ્યાતિભવ્ય અનુષ્ઠાનો દ્વારા ચડિયાતા દેખાવા માટે થતો આડંબર જૈનિઝમના મૂળ સિદ્ધાંત સાથે મૅચ થાય છે? જીવદયાને સર્વોચ્ચ શિખરે રાખતા જૈન ધર્મમાં ‘ધર્મપ્રભાવના’ નામનો કન્સેપ્ટ ખરેખર શું છે અને એમાં શું થાય તો ચૂકી જવાય એ વિશે જૈન મહાત્મા સાથે વાત કરીએ અને સાથે આજની પેઢી શું માને છે એ વિશે પણ જાણીએ
જૈન ધર્મની દરેક ક્રિયા અને દરેક તપ અધ્યાત્મની ચરમસીમાએ પહોંચવા માટેનું ધ્યેય ધરાવે છે. અહીં સતત ત્યાગની વાત છે, અપરિગ્રહની વાત છે, છોડવાની વાત છે અને વિરક્ત થવાની વાત છે ત્યાં મસમોટા વરઘોડા, કરોડોની ઉછામણીઓની હોડ અને આરંભસમારંભ, દેરાસર અને ઉપાશ્રય સંકુલોમાં પ્રભાવના માટે થતી પડાપડી, ક્રિયાઓમાં આવી રહેલા બીબાઢાળપણા વચ્ચે કોઈ પણ જાતની ડિસિપ્લિનનો અભાવ જેવી અઢળક બાબતો છે જે કદાચ નવી પેઢીના મગજમાં બેસતી નથી. જૈન ધર્મમાં ધર્મપ્રભાવના નામનો કન્સેપ્ટ છે જે અંતર્ગત તમામ દેખાડાયુક્ત કાર્યો થતાં હોય છે તો ખરેખર આ ધર્મપ્રભાવના છે શું? આજની પેઢી ધર્મના આજના સ્વરૂપ વિશે શું માને છે અને જૈનાચાર્યોએ ધર્મની પ્રસ્તૃતિમાં ક્યાં મૉડિફિકેશન કરવાની જરૂર છે એ વિષય પર ચિંતન-મનન કરીએ.
શું છે ધર્મપ્રભાવના?
જૈનદર્શનમાં ધર્મપ્રભાવના એ સમ્યગ્ દર્શન એટલે કે સાચી શ્રદ્ધાનાં ૮ અંગો પૈકીનું આઠમું અને અત્યંત મહત્ત્વપૂર્ણ અંગ છે. પ્રભાવનાનો સરળ અર્થ થાય છે ધર્મનો મહિમા વધે અને સદાચારનાં મૂલ્યો સમાજમાં એ રીતે ઉજાગર કરવાં જેથી અજ્ઞાની જીવોમાં ધર્મ પ્રત્યે આદર, શ્રદ્ધા અને રુચિ જાગે. એમાં આચરણ દ્વારા થતી પ્રભાવના સૌથી શ્રેષ્ઠ પ્રભાવના છે. એ પછી નંબર આવે છે જ્ઞાન અને શાસ્ત્રપ્રભાવનાનો. એ પછી જીવદયા અને કરુણા દ્વારા અનુકંપાપ્રભાવના અને છેલ્લે ઉત્સવો, તીર્થ અને સંઘપ્રભાવના જેમાં તીર્થસ્થાનોનો જીર્ણોદ્ધાર કરવો અને રક્ષણ કરવું. જિનપ્રતિષ્ઠા મહોત્સવ, રથયાત્રા, ઉપધાન તપની પૂર્ણાહુતિ કે પગપાળા સામૂહિક યાત્રા એટલે કે છ’રીપાલિત સંઘોનું ભવ્ય આયોજન કરવું જેથી સમાજમાં ધર્મનો ઉલ્લાસ ફેલાય. તપસ્વીઓ, સાધુ-ભગવંતો અને વિદ્વાનોનું બહુમાન કરવું તેમ જ જે ધર્મબંધુઓ આર્થિક, સામાજિક કે શારીરિક તકલીફમાં હોય તેમની ગુપ્ત રીતે મદદ કરવી, પોતાના જ ધર્મના લોકો ગરીબી કે લાચારીને કારણે ધર્મથી વિમુખ ન થાય અની કાળજી રાખવી. અહીં ૨૮ વર્ષનો દીક્ષાપર્યાય ધરાવતા પરમ પૂજ્ય પંન્યાસ શ્રી ત્રૈલોક્યમંડણ વિજયજી મહારાજ કહે છે, ‘ધર્મપ્રસંગ હોય, જાહેર આયોજન હોય એટલે સમાજને જોડવો પડે એ સ્વાભાવિક છે. જૈન સંસ્કૃતિ જગત સમક્ષ પ્રભાવક, વ્યવસ્થિત અને સન્માનજનક રીતે રજૂ થવી જોઈએ. ટેક્નૉલૉજીનો વિવેકપૂર્ણ ઉપયોગ, વ્યવસ્થામાં શિસ્ત અને સૌંદર્ય સાથે થતાં અનુષ્ઠાનો કે કાર્યક્રમો જિનશાસન નિર્જીવ કે અસ્તવ્યસ્ત ન લાગતાં અટકાવે છે; પરંતુ જ્યારે તપ કરતાં ઉત્સવ મોટો થઈ જાય, મૂળ પ્રતિષ્ઠા કરતાં કંકોતરીનું વજન વધી જાય અને ધર્મ કરતાં ‘કોણે કરાવ્યું’ એ વ્યક્તિગત પ્રતિષ્ઠા આગળ આવી જાય ત્યારે એ શાસનપ્રભાવના મટીને માત્ર સામાજિક દેખાડો બની રહે છે. ૧૦ લાખના આયોજનને પચાસ લાખનું બનાવતાં પહેલાં સીધી કસોટી એ કરવાની કે આ ખર્ચ ધર્મના મૂળ હેતુને મજબૂત કરે છે કે માત્ર અહંકાર પોષે છે.’
કોને કહેવાય બિનજરૂરી ભપકો?
ધર્મનો ઉત્સાહ વધારવા માટે જ તમામ આયોજનો થતાં હોય ત્યારે એ ભેદ કેમ સમજવો એના જવાબમાં પૂજ્યશ્રી કહે છે, ‘બિનજરૂરી ભપકો એ છે જ્યાં સિંગલ-યુઝ સામગ્રીનો ખડકલો હોય, પર્યાવરણ અને જીવસૃષ્ટિની લેશમાત્ર ચિંતા ન હોય અને સમગ્ર આયોજન માત્ર વ્યક્તિગત મોભો કે હરીફાઈ સાબિત કરવા પૂરતું સીમિત હોય. આવી સ્થિતિમાં ધર્મ પૈસાના સ્વીકારનું નહીં, પૈસાના આડંબરનું માધ્યમ બની જાય છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણા ધાર્મિક પ્રસંગો જ્યારે ૪ દીવાલોની બહાર જાહેર રસ્તાઓ પર આવે છે ત્યારે અન્ય સમાજ પણ આપણને જોઈ રહ્યો હોય છે. તેઓ ત્યાંથી જૈનદર્શનની છાપ લઈને જાય છે. જૈન ધર્મની ખરી ઓળખ અહિંસા, મર્યાદા, સંયમ, કરુણા અને પરસ્પરની સંવેદનામાં છે. ઊંચા અવાજે વાગતી સાઉન્ડ સિસ્ટમથી જો નજીકની હૉસ્પિટલના દરદીઓ, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે નાનાં બાળકોને તકલીફ પડે અને પાછળ રસ્તા પર કચરાના ઢગલા રહી જાય તો એ ઉત્સવ જૈનશાસનની ગરિમા વધારતો નથી પણ ઘટાડે છે. ધાર્મિક કાર્યક્રમમાં ભક્તિ-સંગીત અને ઘોંઘાટ એક ન હોઈ શકે. શોભાયાત્રા અને જાહેર ત્રાસ વચ્ચે ભેદ હોવો જોઈએ. ઉત્સાહ ક્યારેય અતિરેકમાં ન પલટાવો જોઈએ. સૂક્ષ્મ જીવોની પીડાની ચિંતા કરનારો જૈન જો માનવસમાજની સુખાકારી પ્રત્યે સંવેદનહીન બને તો એ ચિંતાજનક છે. સાચી શાસનપ્રભાવના તો એમાં છે કે સામાન્ય નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે, ટ્રાફિક વ્યવસ્થિત રહે અને પ્રસંગ પૂરો થતાં જ સ્વયંસેવકો રસ્તો એકદમ ચોખ્ખો કરી આપે. લોકો ભલે મોટાં બૅનરો ન જુએ, પણ કાર્યક્રમ પત્યા પછી કહે કે આ લોકોની વ્યવસ્થા અને શિસ્ત કેટલી અદ્ભુત હતી તો એ સાચી પ્રભાવના છે. આજે લગભગ પચીસ ટકા સાધુભગવંતો આ વાસ્તવિકતા અંગે અત્યંત ગંભીર છે અને એ વિચારધારા તરફ ધ્યાન આપવાનો સમય પાકી ગયો છે.’
જાતને પૂછવા જેવા પ્રશ્ન
આ જ વાતચીતમાં વધુ એક ડગલું આગળ વધીને પૂજ્યશ્રી ત્રૈલોક્યમંડણ વિજયજી મહારાજ કહે છે, ‘કોઈ પણ ભવ્ય આયોજન હાથ ધરતાં પહેલાં અંતરાત્માને ૭ સ્પષ્ટ પ્રશ્નો પૂછવા અનિવાર્ય છે : આ આયોજન વાસ્તવમાં શેના માટે થઈ રહ્યું છે; જે ઉમદા હેતુ છે એના પ્રમાણમાં આ ખર્ચ વાજબી છે કે અતિરેક; આ સમયે આનાથી વધુ અગત્યનું કોઈ ધર્મકાર્ય છે કે નહીં; જૈન અને સમગ્ર માનવસમાજને આમાંથી કઈ ઊંચી પ્રેરણા મળશે; આ માત્ર બીજા સંઘ કે વ્યક્તિ સાથેની સ્પર્ધા તો નથીને; જાહેર જનતા પર આની સામાજિક અસર કેવી પડશે; પર્યાવરણ, કચરો, અવાજ તથા જાહેર શિસ્તની બાબતમાં આપણે કેટલા જાગૃત છીએ. થર્મોકોલ, પ્લાસ્ટિક, ફ્લેક્સ વગેરેનો ત્યાગ કરવો પડશેઽ કારણ કે પાછળથી એ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જો આ કસોટીઓમાં મોટા ભાગના જવાબો હકારાત્મક મળે તો જ એ ભવ્યતા યોગ્ય છે, અન્યથા સાદગી જ સર્વશ્રેષ્ઠ છે. આજની નવી પેઢી આ ખોટા આડંબરો અને દંભથી થાકીને ધર્મથી દૂર જઈ રહી છે; પણ એમની આંતરિક શાંતિ, તૃપ્તિ અને સાચા ધર્મની ભૂખ મટી નથી. જ્યારે તેમને આડંબર વિનાનો, શુદ્ધ મૂલ્યોઆધારિત ધર્મ જોવા મળે છે ત્યારે તેઓ પૂરા ભરોસા સાથે જોડાય છે. જેમને સાચું પામવું છે તેઓ આજે પણ નિષ્ઠાપૂર્વક સાથે આવી રહ્યા છે. બાકીના વર્ગને પણ વર્ષોથી ચાલી આવતી દેખાડાની પરંપરામાંથી બહાર આવીને આ વાસ્તવિકતા સમજતાં થોડો સમય ચોક્કસ લાગશે, પરંતુ અત્યંત ધીમી ગતિએ પરિવર્તન આવી રહ્યું છે. માત્ર ધીરજ અને શાંતિ સાથે આ સાચા માર્ગે અડીખમ ટકી રહેવાની જરૂર છે.’
જૈનાચાર્યોએ ખાસ સાંભળવા જેવી છે યુવાવર્ગની વાતો : શ્રેયા ચિરાગ શાહ, સ્ટુડન્ટ, ઘાટકોપર
અત્યારે હું ટેન્થમાં છું અને એક્ઝામ ચાલી રહી હોવાથી આ વખતે પર્યુષણમાં ઉપવાસ-એકાસણા નિયમિત કરી શકતી નથી, પરંતુ મનથી ગુસ્સો ન કરવાનો અને સંયમ રાખવાનો પ્રયાસ કરું છું. જૈન ધર્મ તમામ જીવો પ્રત્યે દયા અને કરુણા શીખવે છે એ મને ખૂબ ગમે છે, પરંતુ મંદિરો કે ઉત્સવોમાં ભગવાનના નામે થતી ધક્કામુક્કી અને અશિસ્ત જોઈને ખૂબ દુઃખ થાય છે. કોઈ પણ ક્રિયા પાછળનું કારણ સમજ્યા વગર અંધશ્રદ્ધાથી એનું પાલન કરવામાં હું માનતી નથી. પ્રતિક્રમણ મને ખૂબ કંટાળાજનક લાગે છે, પણ મમ્મી કહે કે કરવું જોઈએ એટલે તેમનું માન રાખવા કરી લઉં છું. મને લાગે છે કે એનો સાચો અર્થ કે લૉજિક સમજાવવું જોઈએ. વડીલોએ સમજવું પડશે કે નવી પેઢી પર કોઈ પણ ધર્મ કે આચરણ બળજબરીથી થોપી શકાતું નથી. શ્રદ્ધા અંદરથી પ્રગટવી જોઈએ. અમને માત્ર આદેશ આપવાને બદલે શું સાચું છે, શું ખોટું છે અને એની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે એ પ્રેમથી સમજાવો. પછી નિર્ણય અમારા પર છોડી દો.
ક્રિયાઓ પાછળનું સાચું લૉજિક સમજાવવું જરૂરી છે ઃ ધ્રુવ રાજેશ દોશી, આર્કિટેક્ચરનો વિદ્યાર્થી, સાયન
જૈનદર્શનનો સૌથી શ્રેષ્ઠ અને મજબૂત પક્ષ આપણો કર્મનો સિદ્ધાંત છે. આપણી પાસે આટલું સચોટ, ડેટા-બેઝ્ડ અને વૈજ્ઞાનિક જ્ઞાન હોવા છતાં હું પર્યુષણમાં નિયમિત ચૌવિહાર કરું છું. પર્યુષણનાં શક્ય હોય એટલાં પ્રતિક્રમણ કરું છું, કારણ કે બાળપણથી જ આ સંસ્કારો મળ્યા છે. જોકે એ શું કામ કરવાનું છે એનું કોઈ સ્પષ્ટ લૉજિક કે કારણ મને નથી ખબર. પૂજા કેમ કરવી, કેમ આટલાં મોટાં વરઘોડા અને સેલિબ્રેશન કરવાં, એની પાછળનો હેતુ નથી ખબર એટલે મને એ બધામાં રસ જ નથી પડતો. હું પોતે જૈન બૅન્ડમાં જાઉં છું, પણ મારો આશય એમાં ભક્તિ કરતાં એન્જૉયમેન્ટનો હોય છે. હું રોજિંદી પૂજા કરવા માટે બહુ જતો નથી છતાં ભગવાન અને તેમની હાયર એનર્જીમાં પૂરી શ્રદ્ધા રાખું છું. માત્ર મૂર્તિસ્પર્શ કે પૂજાની ક્રિયા કરવા કરતાં ભગવાને જે માર્ગ બતાવ્યો છે; જે સત્ય, સંયમ અને પુણ્યનાં મૂલ્યો આપ્યાં છે એનું વ્યવહારુ જીવનમાં પાલન કરવું એ મારા મતે સૌથી શ્રેષ્ઠ ધર્મ છે.
ધર્મના સિંહાસન પરથી ધનને હટાવો ઃ ઈશાન મહેતા, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, બોરીવલી
જૈન કુળમાં જન્મ થયો હોવાથી સંસ્કારો ગળથૂથીમાંથી જ મળ્યા છે, પરંતુ છેલ્લાં ચાર-પાંચ વર્ષના અંગત અનુભવો અને ચિંતનથી ધર્મ પ્રત્યેની મારી સમજણ વધુ પરિપક્વ અને સ્પષ્ટ બની છે. જૈનદર્શનની સૈદ્ધાંતિક ઊંચાઈ અજોડ છે. ખાસ કરીને અહિંસાની જે સૂક્ષ્મતા અહીં જોવા મળે છે એ વિશ્વના અન્ય કોઈ દર્શનમાં નથી. માત્ર કોઈ જીવને ન મારવો એ ગ્રોસ અહિંસા છે, પણ અહીં તો મનથી પણ કોઈનું ખરાબ ન વિચારવું કે ક્રોધ ન કરવો એ માનસિક અહિંસા છે. ખરેખર મેસ્મેરાઇઝ્ડ છું આવી વાતોથી, પરંતુ સૌથી વધુ દુઃખદ પાસું આજે ધર્મના સિંહાસન પર જે ધન બેસી ગયું છે એને ત્યાંથી તાત્કાલિક હટાવવાની જરૂર છે. અનુષ્ઠાનો અને ઉત્સવોના નામે ઐતિહાસિક પ્રસંગ ઊભો કરવાની લહાયમાં મૂળ ધાર્મિક મહત્ત્વ જ વીસરાઈ ગયું છે. માત્ર ભવ્ય મેળાવડાઓ કે ક્ષણિક લાઇમલાઇટથી સાચો ઇતિહાસ નથી રચાતો, ઇતિહાસ નક્કર ચારિત્ર્ય અને મૂલ્યોથી બને છે. ઉછામણીઓ બોલાવીને ધર્મને નિમ્નસ્તર પર જઈ જવાને બદલે શ્રાવકો પોતે જ દેરાસરના નિભાવખર્ચની સ્વૈચ્છિક રકમ આપી દે એવી કોઈ વ્યવસ્થા ઊભી થવી જોઈએ.
આજના યુવાનો આવા દેખાડાથી કનેક્ટ થઈ શકતા નથી. પરંપરાગત ઢાંચાને કારણે નવી પેઢી માત્ર વાર્ષિક સામાજિક ઔપચારિકતા પૂરતી જ ધર્મ સાથે જોડાયેલી રહે છે અથવા તો સાચી સમજણ શોધવા અન્ય આશ્રમો કે કેન્દ્રો તરફ વળે છે. પર્યુષણ અને સમગ્ર ધાર્મિક આયોજનોના માળખામાં જડમૂળથી પરિવર્તન અનિવાર્ય છે. ધર્મના મૂળભૂત સિદ્ધાંતો અકબંધ રહેવા જોઈએ પરંતુ એની રજૂઆત, પદ્ધતિ અને ભાષા આધુનિક યુવાપેઢીના તર્ક અને સમજણને અનુકૂળ થાય એવી હોવી જોઈએ. આવનારી સદી આધ્યાત્મિકતાની સદી છે. જૈન ધર્મ પાસે અગાધ તાર્કિક અને આધ્યાત્મિક વારસો છે છતાં યોગ્ય રજૂઆતના અભાવે યુવા પેઢી અને ધર્મ વચ્ચેનો સેતુ તૂટી રહ્યો છે. ગુરુભગવંતો અને અગ્રણીઓએ આ અંતર દૂર કરવા માટે ગંભીરતાથી વિચારવું પડશે.