28 September, 2025 11:57 AM IST | Jamnagar | Shailesh Nayak
ઈશ્વર વિવાહ કાવ્યની પંક્તિ ગાતાં-ગાતાં ગરબે ઘૂમતા ભક્તજનો.
આધ્યાત્મિકતાની અલખ જગાવતી સૌરાષ્ટ્રની ધરા પર નવરાત્રિમાં જામનગરમાં જલાની જાર ચોકમાં એક એવા ગરબા યોજાય છે જે કદાચ સમગ્ર વિશ્વમાં એકમાત્ર સ્થળે જ યોજાતા હશે. નવરાત્રિની સાતમે દેવાધિદેવ મહાદેવના વિવાહની ગાથાના ગરબા યોજાય છે. આ ગરબાની વિશેષતા એ છે કે માત્ર પુરુષો જ પીતાંબર પહેરીને અને લલાટે ચંદન કંકુનું તિલક કરીને ઈશ્વર વિવાહ કાવ્યની પંક્તિઓ
સામસામે ગાતા જાય છે અને ગરબે ઘૂમતા જાય છે. વધુ અચરજની વાત એ છે કે માત્ર ઢોલ અને નગારાના તાલે આ ઈશ્વર વિવાહનું ગાન થાય છે જેને જોવા માટે લોકો એકઠા થાય છે. માતાજીના નોરતામાં મહાદેવજી વિવાહની ગાથાનું ગાન થાય એ સ્વાભાવિક રીતે જ એક અલગ જ અનુભૂતિ કરાવે છે. માતા પાર્વતીજી અને ભોળા શંભુના વિવાહનું ગાન નવરાત્રિમાં થવું એ એક પ્રકારે શક્તિની ભક્તિ અને મહાદેવજીનું કીર્તન-અર્ચન છે અને એ ભક્તજનોને ઊર્જા આપનારું બની રહે છે. વર્ષોથી ઈશ્વર વિવાહમાં ભાગ લઈ રહેલા મૃગેશ દવે નવરાત્રિમાં જ થતી આ અનોખી ભક્તિની વાત કરતાં ‘મિડ-ડે’ને કહે છે, ‘આ વાત આશરે ૩૦૦થી વધુ વર્ષ કરતાં પણ જૂની છે. જામનગરમાં જલાની જાર ચોક છે. ત્યાં એ જમાનામાં નવરાત્રિમાં ગરબી શરૂ થઈ હતી. આ ગરબી શરૂ થવા પાછળ એવી લોકવાયકા છે કે બાજરિયા ફળીમાં રહેતા ચત્રભુજ ત્રિવેદીને માતાજી સપનામાં આવ્યાં હતાં. નવ માતાજી ચોકમાં ગરબે રમતાં તેમને સપનામાં દેખાયાં હતાં. નવદુર્ગાને ગરબે રમતાં જોઈને તેમણે બીજા દિવસે આસપાસમાં રહેતા બીજા લોકોને સપનાની વાત કરીને ૩૦૦ વર્ષ પહેલાં ગરબી શરૂ કરાવી હતી. આવી લોકવાયકા છે. એ સમયથી લઈને આજ સુધી ગરબી મંડળ દ્વારા નવરાત્રિમાં ગરબી રમાય છે. કહેવાય છે કે એ જમાનામાં નવ માતાજીની મૂર્તિઓ જયપુરમાં બનાવડાવી હતી અને ગાડાના રસ્તે જામનગર લવાઈ હતી. જયપુરથી માતાજીની મૂર્તિઓ આવતાં સાડાચારથી પાંચ મહિના લાગ્યા હતા. એ સમયે જામનગરના જામસાહેબે મંડળીને ગરબો અર્પણ કર્યો હતો. એ સમયથી લઈને આજે પણ નવરાત્રિમાં ચોકમાં ગરબા રમાય છે.’
જામનગરના જલાની જાર વિસ્તારમાં આવેલા ચોકમાં નવરાત્રિમાં યોજાતા ગરબાની વિશેષતાની વાત કરતાં મૃગેશ દવે કહે છે, ‘અમારે ત્યાં નવરાત્રિની ગરબીમાં માત્ર પુરુષો ગરબે રમે છે. તેમણે પીતાંબર પહેરવું ફરજિયાત છે અને આ પ્રણાલી છે. આજે અમારી ત્રણ પેઢી ગરબે રમે છે. મારા પિતાજી જગદીશભાઈની ઉંમર ૮૫ વર્ષની છે અને મારા દીકરા આદિત્યની ઉંમર ૮ વર્ષની છે. અમે ત્રણેય જણ આજે ગરબે રમીએ છીએ. એટલે બે વર્ષનો બાળક હોય કે વયોવૃદ્ધ વડીલ હોય તો પણ ગરબીમાં રમે છે. બીજી ખાસ વાત એ છે કે ગરબામાં અમે ગરબા ગાઈએ છીએ અને ગરબે ઘૂમતા લોકો એ ગરબાને ઝીલે છે. એટલે કે પુરુષો ગરબા ગાતા જાય અને ગરબે ઘૂમતા પણ હોય છે. વાજિંત્રોમાં માત્ર નગારું અને ઢોલ હોય છે જેના તાલમાં ગરબા રમાતા હોય છે.’
નવરાત્રિમાં થતા ઈશ્વર વિવાહના ગાન વિશે વાત કરતાં મૃગેશ દવે કહે છે, ‘નવરાત્રિની સાતમે એટલે કે સાતમા નોરતે મહાદેવજીના વિવાહની ગાથાનું ગાન થાય છે. મહાદેવજીના વિવાહ કેવી રીતે થયા, તેમનાં લગ્નમાં કેવી અડચણો આવી અને લગ્ન કેવી રીતે સંપન્ન થયાં એ સહિતની ગાથા કાવ્યમાં આલેખી છે. સંત દેવીદાસે ‘ઈશ્વર વિવાહ’ નામે કાવ્ય લખ્યું છે એ કાવ્યનું ગાન ગરબીમાં થાય છે. પહેલાં માતાજીની સ્તુતિ અને આરતી થાય છે અને એ પછી રાત્રે ૧૨ વાગ્યે ઈશ્વર વિવાહના ગરબા શરૂ થાય છે. પીતાંબર પહેરીને ગરબામાં જોડાયેલા બધા પુરુષો ગરબે ઘૂમતા જાય અને કાવ્યની પંક્તિઓ ગાતા જાય છે. ગરબે રમતા બીજા પુરુષો એને ઝીલતા હોય છે. માત્ર ઢોલ અને અને નગારાના તાલે લગભગ સાડાચાર કલાક આ ઈશ્વર વિવાહના ગરબા ચાલે છે. પુરુષો એક પછી એક પંક્તિઓ ગાતા જાય અને ગરબે ઘૂમતા જાય છે ત્યારે વાતાવરણમાં એક દિવ્યતાનો માહોલ ઊભો થાય છે. એની અનુભૂતિ કંઈક અલગ જ હોય છે. આ ગરબી જોવા માટે સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા સહિતનાં સ્થળોએથી લોકો ઊમટે છે.’
નવરાત્રિ પછીની વિધિ વિશે મૃગેશ દવે કહે છે, ‘દશેરાએ રાતે માતાજીની પધરામણી કરાવીએ છીએ અને અગિયારસની સવારે કનકાઈ માતાજીનો ઉત્થાપનનો છંદ ગાઈને માતાજીની ઉત્થાપના કરીએ છીએ. જલની જાર વિસ્તારમાં આ દિવસે નવા વર્ષ જેવો માહોલ સર્જાય છે. સૌ એકબીજાને પગે લાગે છે અને નવા વર્ષની જેમ ઉજવણી કરીએ છીએ. આ વર્ષની નવરાત્રિમાં સોમવારે રાતે ઈશ્વર વિવાહના ગરબા યોજાશે.’