29 September, 2025 01:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આ બાબતે કોઈ બેમત નથી કે આપણે સહુ જીવનમાં ખુશ રહેવા માગીએ છીએ, પરંતુ ખુશી કંઈ આપોઆપ નથી મળતી; અપિતુ એ તો બીજાને આપવાથી મળે છે. આ વિશેની જાણકારી ખૂબ જ ઓછા લોકોને હોય છે. સામાન્ય રીતે આપણે અન્ય લોકો પાસેથી આદર, પ્રેમ અને સહકારની અપેક્ષા રાખીએ છીએ પરંતુ જ્યાં સુધી આપણે પોતે એ બધું અન્યોને આપીશું નહીં ત્યાં સુધી એ આપણને ક્યાંથી અને શા માટે મળશે? અર્થાત્ આપણે બીજ વાવ્યા વગર જ પાકની અપેક્ષા કઈ રીતે કરી શકીએ? બૅન્કમાં પૈસા નાખ્યા વગર આપણે ATMમાં જઈને પૈસા કઈ રીતે કઢાવી શકીએ? અતઃ કંઈક પ્રાપ્ત કરવા માટે પહેલાં કંઈક આપવું પડે એ સમજ ધારણ કરવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ તો એમ કહેવામાં આવે છે કે કરો ભલું તો થશે ભલું. અતઃ મનુષ્યોને માટે કર્મના સિદ્ધાંતને પૂરી રીતે સમજવો ખૂબ જ જરૂરી છે. ત્યારે જ તો સહનશીલતા સાથે કર્મઠતા આવે છે. માત્ર એમ વિચારવું કે વર્તમાનમાં મારી જોડે જે થઈ રહ્યું છે એ મારાં પૂર્વનાં કરેલાં કર્મોનું ફળ છે, મારું નસીબ જ ખરાબ છે માટે હું કંઈ કરી નથી શકતો એ તદ્દન ખોટી રીત છે. કર્મના સિદ્ધાંતને સમજ્યા બાદ આપણી અંદર સહનશક્તિ આવે છે અને એ સમજણ પણ આવે છે કે આપણે માત્ર નસીબના ગુલામ નથી; અપિતુ શ્રેષ્ઠ કર્મ કરીને આપણે નસીબના માલિક બની શકીએ છીએ એટલું જ નહીં, આપણે પોતાના શ્રેષ્ઠ ઉદાહરણ દ્વારા અન્યોને પણ પ્રેરિત કરી શકીએ છીએ.
પરંતુ કેવળ કર્મના સિદ્ધાંતને સમજવું પર્યાપ્ત નથી, અપિતુ એ પણ સમજવું ખૂબ જ આવશ્યક છે કે વિકર્મથી પોતાની જાતને કઈ રીતે બચાવીએ ને શ્રેષ્ઠ કર્મોનું ખાતું કઈ રીતે વધારીએ.
યાદ રહે, કર્મ બીજ છે અને સુખ-દુઃખ એનાં ફળ છે. અતઃ આપણે એ સદૈવ યાદ રાખવું જોઈએ કે ખરાબ કર્મ દુઃખ અને દુષ્પરિણામ ઉત્પન્ન કરે છે અને સત્કર્મનું ફળ સત પરિણામ અને સુખના રૂપમાં સામે આવે છે. પરિણામના સમયમાં અંતર થઈ શકે છે પરંતુ પરિણામ અન્યથા હોવાનો કોઈ અવકાશ નથી. એટલે જો આપણે પૂર્વમાં કરેલાં પાપકર્મોના ફળથી બચવા માગીએ છીએ તો એને માટે આપણે વર્તમાનમાં વધુ ને વધુ સત્કર્મ કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ.