મુમતાઝ બેગમ: પુરુષો તો ઘણા જ

24 May, 2025 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉમ્બે હાઈ કોર્ટમાં બાવલા ખૂનકેસની સુનાવણીનો વધુ એક દિવસ.

ગુનેગારોએ વાપરેલી રેડ મૅક્સવેલ મોટર નંબર Z-9257 (ChatGPT દ્વારા તૈયાર થયેલું ચિત્ર)

બૉમ્બે હાઈ કોર્ટમાં બાવલા ખૂનકેસની સુનાવણીનો વધુ એક દિવસ.

ઍડ્વોકેટ જનરલ કાંગા : Your honor! મુમતાઝ બેગમને હવે વધુ કાંઈ મારે પૂછવાનું બાકી રહેતું નથી. બચાવ પક્ષના વકીલો હવે તેમને પૂછી શકે છે. બીજા વકીલો સાથે મસલત કર્યા પછી ઇન્દોર રાજ્યના પબ્લિક પ્રોસિક્યુટર ટી. રામ સિંહે અદાલતને જણાવ્યું કે અમારે મુમતાઝ બેગમની ઊલટતપાસ કરવાની જરૂર લાગતી નથી. મલબાર હિલ પર જે ઘટના બની એના ચશ્મદીદ ગવાહો હતા બ્રિટિશ સરકારના લશ્કરના ચાર અમલદારો, જે સંજોગવશાત એ જ વખતે મલબાર હિલથી પસાર થઈ રહ્યા હતા. તેમણે વચ્ચે પડીને મુમતાઝ બેગમને તો બચાવી લીધી, પણ મિસ્ટર અબ્દુલ કાદર બાવલાને ન બચાવી શક્યા. આ ચાર અફસરો – લેફ્ટનન્ટ કર્નલ વિકેરી, લેફ્ટનન્ટ સાયગર્ટ, લેફ્ટનન્ટ ફ્રાન્સિસ બેટલે અને સ્ટીફન્સ મૅક્સવેલ. આ ચારેની વારાફરતી લેવાયેલી જુબાનીમાં સોમવાર, ૧૨ જાન્યુઆરી, ૧૯૨૫ના સાંજના સાડાસાત વાગ્યાના સુમારે મલબાર હિલ પર જે કાંઈ બન્યું હતું એની વિગતવાર માહિતી આપી અને એક આરોપીને પકડવામાં પોતાને સફળતા મળી એની વાત પણ કરી. તથાકથિત ગુનેગારો ઇન્દોર રાજ્યની માલિકીની લાલ રંગની મૅક્સવેલ મોટરમાં મલબાર હિલ આવ્યા હતા. આ મોટર પોતે જોઈ હોવાનું તેમણે કહ્યું હતું પણ બનાવ બન્યો એ પછી બીજા આરોપીઓ એ જ મોટરમાં ભાગી જવામાં સફળ થયા હતા.

આ વાત સાંભળતાંવેંત ઇન્દોર રાજ્યના પબ્લિક પ્રોસિક્યુટર ટી. રામ સિંહ ઊભા થયા હતા અને એ મોટરને ‘ઇન્દોર રાજયની માલિકીની’ તરીકે ઓળખાવવા સામે વાંધો લીધો હતો. પણ આવું કશુંક બને તો એ માટે ઍડ્વોકેટ જનરલ કાંગા તૈયાર જ હતા. તેમણે અદાલતને કહ્યું : નામદાર! ક્વીન્સ રોડ પર આવેલી ‘ધ ઑટોમોબાઇલ કંપની’ના સેલ્સમૅન ફરામરોઝ નવરોજીને જુબાની માટે બોલાવવાની મંજૂરી આપવામાં આવે. અદાલતે તેમની વિનંતી માન્ય રાખતાં ફરામરોઝ નવરોજી હાજર થયા. તેમણે કહ્યું કે ૧૯૨૪ના ઑક્ટોબર મહિનામાં ઇન્દોર રાજ્યના બે અધિકારીઓ અમારા શોરૂમ પર આવ્યા હતા. મેં તેમને જે મોટરો બતાવી એમાંથી તેમને લાલ કલરની મૅક્સવેલ મોટર પસંદ પડી. એ પછી ટ્રાયલ માટે એ મોટરમાં બેસાડીને હું તેમને ક્વીન્સ રોડથી મલબાર હિલ, ચર્ચગેટ અને બૅન્ડ સ્ટૅન્ડ લઈ ગયો હતો. એ જ દિવસે પાંચ હજાર રૂપિયાની પૂરેપૂરી કિંમત ચૂકવીને પેલા બે અધિકારીઓએ મોટર ખરીદી લીધી હતી. એ વખતે તેઓ અંદરોઅંદર વાત કરી રહ્યા હતા કે ઇન્દોર રાજ્યનાં મુંબઈમાંનાં બંગલા અને ગેસ્ટહાઉસના સમારકામને બહાને આપણે જે ૧૬ હજાર રૂપિયા ઉપાડ્યા છે એમાંથી આ પાંચ હજારની જોગવાઈ કરવી પડશે. 
ઍડ્વોકેટ જનરલ કાંગા : નામદાર! હવે હું રામારાવ દ્વારકાનાથ વિજયકરને જુબાની માટે બોલાવવાની મંજૂરી માગું છું.

અદાલતે મંજૂરી આપ્યા પછી રામારાવ દ્વારકાનાથ વિજયકરની ઊલટતપાસ શરૂ કરી.

ઍડ્વોકેટ જનરલ કાંગા : મિસ્ટર વિજયકર, પહેલાં તો એ કહો કે તમે શું કરો છો?

વિજયકર : સાહેબ, હું પોલીસ કમિશનર સાહેબની ઑફિસમાં વાહન રજિસ્ટ્રેશન વિભાગમાં કારકુન તરીકે નોકરી કરું છું. ૧૯૨૪ના સપ્ટેમ્બરની ૨૪ તારીખે લાલ રંગની મૅક્સવેલ કારનું રજિસ્ટ્રેશન કરીને ૨૫મી તારીખે મેં આનંદરાવ પાંડસે પાટીલને સુપરત કરી હતી. એ મોટરનો નંબર હતો Z-૯૨૫૭, એન્જિન નંબર ૪૭૬૦૦૬, અને શૅસિ નંબર ૪૪૩૭૬૦. રજીસ્ટ્રેશન પછી આ મોટરને ઇન્દોર લઈ જવામાં આવી હતી. (એક ખુલાસો : ૧૯૨૫ના અરસામાં મુંબઈમાં એટલી ઓછી મોટર હતી કે પોલીસ ખાતામાં અલગ ટ્રાફિક બ્રાન્ચની જરૂર જણાઈ નહોતી. નવી મોટરોની નોંધણી ક્રૉફર્ડ માર્કેટ પાસે આવેલી પોલીસ-કમિશનરની કચેરીમાં જ થતી.) પછી ફરામરોઝ નવરોજીએ જે બે ઇસમની વાત કરી હતી તે બે ઇસમને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. ફરામરોઝ નવરોજી અને રામારાવ દ્વારકાનાથ વિજયકર, બન્નેએ તેમને ઓળખી બતાવ્યા હતા.
  
પછીનો સાક્ષી હતો વામન ગોવિંદ, GIP (આજની સેન્ટ્રલ) રેલવેનો વિક્ટોરિયા ટર્મિનસ ખાતેનો ગુડ્સ બુકિંગ ક્લર્ક. તેણે કહ્યું કે ૧૯૨૪ના ડિસેમ્બરની ૧૨મી તારીખે રાતે લાલ કલરની મૅક્સવેલ મોટર મુંબઈથી ઇન્દોર મોકલવામાં આવી હતી. મોકલનારનું નામ આનંદરાવ ફણસે. બાબુરાવ ડ્રાઇવરે નોંધણી કરીને રસીદ-નંબર ૩૧૩૧/૧૭ આપી હતી. એ વખતે કોર્ટના કલાર્કે એ રસીદ બતાવતાં સાક્ષીએ તેને ઓળખી બતાવીને કહ્યું કે આ જ રસીદ મેં આનંદરાવ ફણસેને આપી હતી.

આ ખટલામાં ઇન્દોર રાજ્યના રહેવાસી એવા કુલ નવ ઇસમને આરોપી તરીકે ખડા કરવામાં  આવ્યા હતા. તેમના ઉપર કુલ ૧૩ આરોપ મૂકવામાં આવ્યા હતા, જેમાં નીચેના ગુનાનો સમાવેશ થતો હતો : બ્રિટિશ ઇન્ડિયાની હદમાંથી મુમતાઝ બેગમનું અપહરણ કરવાનું ગુનાહિત કાવતરું ઘડવું, બ્રિટિશ ઇન્ડિયાના રહેવાસી અબ્દુલ કાદર બાવલાનું ખૂન કરવું, મુમતાઝ બેગમ અને મૅથ્યુઝને ગંભીર ઈજા પહોંચાડવી, ગુનાઓ વિશેના પુરાવાનો નાશ કરવો કે નાશ કરવાનો પ્રયત્ન કરવો, વગેરે.

lll
ગુરુવાર, નવેમ્બર ૧૯, ૧૯૨૫.

બૉમ્બે હાઈ કોર્ટમાં આ કેસ શરૂ થયો ત્યારથી રોજ આખો કોર્ટરૂમ ચિક્કાર ભરાઈ જતો હતો. પણ આજે તો હાઈ કોર્ટની આજુબાજુ જ નહીં, ફોર્ટ વિસ્તારમાં ઠેર-ઠેર લોકોનાં ટોળાં વહેલી સવારથી એકઠાં થયાં હતાં. પ્રેસના ફોટોગ્રાફરો હાઈ કોર્ટના દરવાજા બહાર ટોળાબંધ ઊભા હતા, કારણ તેમને અંદર જવાની મનાઈ હતી. ઑનરેબલ જસ્ટિસ ક્રમ્પ આજે પાછલે દરવાજેથી હાઈ કોર્ટમાં દાખલ થયા અને પોતાની ચેમ્બરમાં ગયા. ત્યાં કેટલીક ફાઇલો ઊથલાવી અને જરૂરી જગ્યાએ પોતાની પેનથી કાળી શાહીમાં નોંધ ટપકાવી. અગિયાર વાગવામાં એક મિનિટ બાકી હતી ત્યારે લાલ યુનિફૉર્મ પહેરેલો ચોપદાર હાજર થયો. જજસાહેબ ખુરસી પરથી ઊભા થયા, ટાઇ સરખી કરી અને પછી કોર્ટરૂમ તરફ સિધાવ્યા.

ચોપદારે બારણું ખોલ્યું કે તરત હાજર રહેલા બધાએ ઊભા થઈને માન આપ્યું. જ્યુરીના નવ મેમ્બર અગાઉથી પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. કોર્ટરૂમ ચિક્કાર હતો છતાં ટાંકણી પડે તો એનો પણ અવાજ સંભળાય એવી શાંતિ હતી. કોર્ટના શિરસ્તેદારે ઊભા થઈને કેસનો નંબર અને પક્ષકારોનાં નામ જાહેર કર્યાં. ત્યાર બાદ નામદાર જસ્ટિસ ક્રમ્પે કહ્યું : આ વરસના એપ્રિલ મહિનાની ૨૭મી તારીખે શરૂ થયેલા બાવલા મર્ડર કેસની સુનાવણી પૂરી થઈ છે. જ્યુરીના માનવંતા સભ્યો! મને ખાતરી છે કે તમારામાંથી દરેકે એ જુબાની પૂરેપૂરા ધ્યાનથી સાંભળી છે અને જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા એના વિશે વિચાર કર્યો છે. કોઈથી પણ દબાયા કે દોરવાયા વગર, કોઈની પણ તરફેણમાં કે વિરુદ્ધમાં અયોગ્ય રીતે દોરવાયા વગર, પક્ષપાતરહિત અને ન્યાયબુદ્ધિપૂર્વક તમે જ્યુરીના સભ્યો વ્યક્તિ તરીકે અને સમૂહ તરીકે યોગ્ય નિર્ણય પર પહોંચવામાં સફળ થશો એવી મને ખાતરી છે. આ વિચારણા માટે તમને સૌને એક કલાકનો સમય આપવામાં આવે છે. અલબત્ત, જો અનિવાર્ય જણાય તો તમે વધુ સમય લઈ શકો છો. જસ્ટિસ ક્રમ્પ આટલું બોલીને ફરી પોતાની ચેમ્બરમાં જતા રહ્યા. જ્યુરીના સભ્યોને બાજુના એક ઓરડામાં લઈ જવામાં આવ્યા. બધા સભ્યો ઓરડામાં ગયા પછી બારણું બંધ કરવામાં આવ્યું અને બહાર કોર્ટના ચોકિયાતો ઊભા રહી ગયા.

એક કલાક પછી જ્યુરીના સભ્યોએ જસ્ટિસ ક્રમ્પની ચેમ્બરમાં જઈને પોતાનો નિર્ણય જણાવ્યો. જજસાહેબે બધા સભ્યોનો આભાર માન્યો. પછી પહેલાં જ્યુરીના સભ્યો અને પછી જસ્ટિસ ક્રમ્પ કોર્ટરૂમમાં દાખલ થયા. હાજર રહેલા સૌએ ઊભા થઈને ન્યાયાધીશને માન આપ્યું. જસ્ટિસ ક્રમ્પે ધીરગંભીર અવાજે બોલવાનું શરૂ કર્યું : જ્યુરીના માનવંતા સભ્યોએ જુબાની અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને નિષ્પક્ષપણે અને ન્યાયબુદ્ધિ પૂર્વક પોતે લીધેલો નિર્ણય મને જણાવ્યો છે. અને તેમનો એ નિર્ણય સર્વથા યોગ્ય લાગતાં મેં એને પૂરેપૂરો સ્વીકાર્યો છે. જ્યુરીના માનવંતા સભ્યોની ભલામણને અનુસરીને મારો ચુકાદો લેવાયો છે જે આ પ્રમાણે છે :

૧. પૂરતા પુરાવાઓને અભાવે મુમતાઝ મહમ્મદ અને કરામતખાનને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવામાં આવે છે.
૨. રજૂ થયેલાં પુરાવાઓ અને જુબાનીઓને ધ્યાનમાં રાખતાં બહાદુરશાહ, અકબરશાહ અને અબ્દુલ લતીફ, એ ત્રણ આરોપીઓને જનમટીપની સજા ફરમાવવામાં આવે છે.
૩. શફી અહમદ પોંડે, શફી અહમદ નબી અહમદ અને શ્યામરાવ રાવજી દિઘેની મરનાર અબ્દુલ કાદર બાવલાના ખૂનના ગુનામાં સીધી સંડોવણી અને ભાગીદારી હોવાનું શંકા વગર પુરવાર થયું હોવાથી આ ત્રણ ગુનેગારોને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવે છે.

These three shall be hanged till death. 
ચુકાદો સંભળાવ્યા પછી જસ્ટિસ ક્રમ્પે ઉમેર્યું : જે સ્ત્રી દસ વર્ષ સુધી ઇન્દોરના મહારાજાની રખાત બનીને રહી હતી, પછી તેમને છોડીને મુંબઈ આવી હતી અને મિસ્ટર બાવલા સાથે રહી હતી તેનું અપહરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો આ આખા કાવતરાનાં મૂળ ઇન્દોર સુધી પહોંચતાં હોય એમ માનવાને પૂરતાં કારણો છે. દેખીતું છે કે આજે આ અદાલતે જે ગુનેગારોને સજા ફરમાવી છે તેમનો દોરીસંચાર કરનારા હાથ તો બીજા કોઈના હતા. પણ એ હાથ કોના હતા એ વિશે ખાતરીપૂર્વક અમે કશું કહી શકીએ એવી સ્થિતિમાં નથી.  
ના, પ્રિય વાચક! બાવલા ખૂનકેસની વાત અહીં પૂરી નથી થતી, હજી તો કહાનીમાં અજીબોગરીબ ટ્વિસ્ટ આવવાના છે. રાહ જુઓ આવતા શનિવાર સુધી.

supreme court tada court delhi high court Crime News gujarati mid-day